<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

મનપા દ્વારા બહેનોને રક્ષાબંધનની ભેટઃ કાલે બીઆરટીએસ - સીટી બસમાં ફ્રિ મુસાફરી : જુઓ વિડિયો

શહેરીજનો ભાઈ-બહેનના પવિત્ર તહેવારને હર્ષોલ્લાસથી ઉજવે તેવી શુભેચ્‍છા પાઠવતા પદાધિકારીઓ

રાજકોટ, તા.૮: મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા.૯ ને શનિવારના રોજ ‘રક્ષાબંધન'ના પવિત્ર તહેવાર નિમિતે બી.આર.ટી.એસ. રૂટ પર કાર્યરત બસ સેવા તથા શહેરમાં કાર્યરત સિટી બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિઃશુલ્‍ક પુરી પાડવામાં આવશે.

મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો/મહિલાઓ માટે નિઃશુલ્‍ક રહેશે તે અંગેની જાહેરાત કરી હતી.

તેમણે જણાવેલ કે, ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્‍ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ' છે.  રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે અને ભાઇ બહેનને ભેટ આપે છે.

મહાનગરપાલિકા હસ્‍તકની એસ.પી.વી. રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આવતીકાલ તા.૯ ને શનિવારના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિઃશુલ્‍ક મુસાફરીની ભેટ આપે છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર, ગમે તેટલી વખત ફક્‍ત બહેનો/મહિલાઓ નિઃશુલ્‍ક મુસાફરી કરી શકશે. જયારે પુરુષો/ભાઈઓએ મુસાફરી દરમ્‍યાન રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે.

મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા દ્વારા મહાનગરપાલિકાની રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે બી.આર.ટી.એસ. બસ તથા સિટી બસની નિઃશુલ્‍ક સેવાની અનોખી ભેટનો મહતમ લાભ લેવા બહેનો/મહિલાઓને ખાસ અપીલ કરવામાં આવે છે અને રક્ષાબંધનના પવિત્ર તહેવારની શુભેચ્‍છા પાઠવે છે. (રર.૧૬)

(2:38 PM IST)