તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
અમિતભાઈ શાહનું સૌથી લાંબા સમય સુધી યશસ્વી ગૃહમંત્રી તરીકે રહેવું એ ભાજપ માટે ગર્વની વાતઃ રાજુભાઈ ધ્રુવ
ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં ભાજપને ઐતિહાસિક સફળતા અપાવનાર અમિતભાઇ શાહે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં અલગ સહકારી વિભાગની સ્થાપના કરી દેશના ગ્રામ્ય અર્થતંત્રને અભૂતપૂર્વ બળ આપ્યું છે

રાજકોટઃ દેશના ૩૧મા ગૃહમંત્રી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી. ભાજપના દિગ્ગજ નેતા અને ચૂંટણી - વ્યૂહરચનાકાર શ્રી અમિતભાઈ શાહ સૌથી લાંબો સમય સુધી સેવા આપનાર ગૃહમંત્રી બન્યા છે. ભાજપના જ દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીજીએ યશસ્વી ગૃહમંત્રી તરીકે ૨૨૫૬ -છ વર્ષ કરતા વધુ સમય માટે રાષ્ટ્ર ને સેવા આપી છે.. કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે દેશમાં સૌથી વધુ છ વર્ષ ૬૫ દિવસ એટલે કે ૨૨૫૮ દિવસથી વધુ સમય અને ત્યારબાદ આવનારા સમય સુધી અવિરત ગૃહમંત્રી તરીકે યશસ્વી રીતે કામગીરી કરી રહેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહને અભિનંદન પાઠવતા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, જે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા બાદ શ્રી લાલકૃષ્ણ અડવાણીજીએ સૌથી વધુ દિવસ ગૃહમંત્રી રહેવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો તે જ બેઠક પરથી ચૂંટણી લડી હવે સૌથી વધુ દિવસ સુધી ગૃહમંત્રી રહેવાનો રેકોર્ડ અમિતભાઈના નામે નોંધાયો છે. ભાજપ અને ભારત માટે આ ગર્વની બાબત છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, એક અદના કાર્યકર તરીકે ભાજપમાં જોડાયેલા અમિતભાઈ શાહે તેમની ચૂંટણી-વ્યૂહરચનાની કુનેહ અને સખત પરિશ્રમ કરવાની ધગશને કારણે ભાજપથી લઈ ભારતભરમાં આગવી ઓળખ બનાવી છે. અમિતભાઈ શાહના ગૃહમંત્રી બન્યા બાદ સંસદમાં અપાયેલા ભાષણ અને ગૃહમંત્રી તરીકે લેવાયેલા નિર્ણયોની નોંધ પણ પૂરી દુનિયા લઈ રહ્યું છે. આદરણીય શ્રી અટલવિહારી વાજપેયીજી,આદરણીય શ્રી લાલકૃષ્ણ અડવાણીજી થી લઈ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તેઓના દીર્ઘદ્રષ્ટિભર્યા માર્ગદર્શનમાં તેઓએ પક્ષ અને સરકારમાં રહી અદભુત કામગીરી કરી બતાવી છે.
જો સરકારમાં તેમની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો ૨૦૦૨માં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપની સરકાર બની ત્યારે શ્રી અમિતભાઈ શાહને પ્રથમ વખત મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું.શ્રી અમિતભાઈ શાહ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારના સૌથી યુવા મંત્રી હતા. એક સમયે તેમની પાસે ગૃહ, કાયદો, બોર્ડર સિક્યુરિટી, ટ્રાન્સપોર્ટ, સિવિલ ડિફેન્સ, એક્સાઇઝ સહિતના ૧૨-૧૨ પોર્ટફોલિયોની જવાબદારી હતી. એ સમયગાળામાં ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ માં ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પ્રભાવશાળી નેતા તરીકે ઊભરી આવ્યા હતા. ૨૦૦૨થી ૨૦૧૨ સુધી તેઓ ગુજરાત સરકારમાં મંત્રી રહ્યા હતા.
૨૦૧૩પછી શ્રી અમિતભાઈ શાહ તેમને સોંપાયેલી મહત્વ ની જવાબદારી ના ભાગરૂપે રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય થયા. ભાજપે શ્રી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે શ્રી અમિતભાઈ શાહ રાષ્ટ્રીય સ્તરે મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા.ભારતીય જનતા પક્ષ ના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેમને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બનાવાયા, ચૂંટણી-વ્યૂહરચનાકાર તરીકે તેમણે ૨૦૧૪ માં ભાજપનો ચૂંટણી પ્રચાર સંભાળ્યો હતો. સાથેસાથે ઉત્તરપ્રદેશ જેવા અતિ મહત્વના રાજ્યના પ્રભારી પણ બન્યા હતા. ઉત્તરપ્રદેશના પ્રભારી અમિતભાઈ શાહે ભાજપને ૨૦૧૪ માં લોકસભાની ૮૦ માંથી ૭૩ બેઠકો પર ઐતિહાસિક વિજય અપાવીને રાષ્ટ્રીય રાજનીતિમાં ભારતીય જનતા પક્ષ નો પ્રભાવ વધાર્યો. એ સમયે ભારતીય મીડિયાએ અમિતભાઈ શાહને ‘મોડર્ન ડે ચાણક્ય' કહીને બેનમૂન ચૂંટણી-વ્યૂહરચનાકાર તરીકે નવાજ્યા હતા. ત્યારબાદ શ્રી અમિતભાઈ શાહ દેશભરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય નેતા તરીકે ઊભરી આવ્યા હતા.
(3:27 PM IST)










