<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

લાઇટ ન હોવાથી લિફટ બંધ હતી, ચાર માળ ચડીને ઓફિસમાં પહોંચતા જ જીતેન્‍દ્રભાઇનું હૃદય બેસી ગયું

બાબરીયા કોલોનીના પ્રોૈઢ મવડી મેઇન રોડ કોપર આર્કેડમાં આવેલી ઓફિસમાં ગ્રાફિકનું કામ કરતાં હતાં: રાઠોડ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૬: હૃદય રોગના હુમલાના બનાવમાં મૃત્‍યુનો સિલસિલો યથાવત રહ્યો છે. બાબરીયા કોલોનીમાં રહેતાં પ્રોૈઢને મવડી મેઇન રોડ પર આવેલા કોમ્‍પલેક્ષના ચોથા માળે જવું હોઇ પણ લાઇટ ન હોવાથી લિફટ બંધ હોઇ દાદરા ચડીને ઓફિસમાં પહોંચતા જ છાતીમાં દુઃખાવો ચાલુ થઇ જતાં અને ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ બાબરીયા કોલોની મેઇન રોડ અટીકા ઇન્‍ડસ્‍ટ્રીયઅલ એરીયા પાછળ પીપળીયા હોલ પાસે રહેતાં જીતેન્‍દ્રભાઇ રમેશભાઇ રાઠોડ (ઉ.વ.૫૬) નામના લુહાર પ્રોૈઢ મવડી મેઇન રોડ પર માલવીયાનગર પોલીસ સ્‍ટેશનની સામેના ભાગે આવેલા કોપર આર્કેડમાં ચોથા માળે ૪૦૮ નંબરની ઓફિસમાં ગ્રાફિકનું કામ કરતાં હતાં. તેઓ ગઇકાલે ઓફિસમાં જવા માટે લિફટ પાસે ગયા હતાં. પરંતુ ત્‍યારે જ લાઇટ જતાં દાદરા ચડીને ચોથા માળે પહોંચ્‍યા હતાં.

ઓફિસમાં પહોંચતા જ છાતીમાં દુઃખાવો ચાલુ થઇ જતાં તેઓ ઢળી પડયા હતાં. બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. જીતેન્‍દ્રભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. મોભીના મૃત્‍યુથી રાઠોડ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધમેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ અને પરેશભાઇએ જાણ કરતાં માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:53 PM IST)