<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

આણંદપરમાં કમલીબાઇને પતિએ ક્રુરતાથી પતાવી દીધી

રાજકોટ પંથકમાં ચાર દિવસમાં પાંચ હત્‍યા : ગૃહકલેશને કારણે ઝઘડો થયા બાદ નશાખોર પતિ ક્રુર બની ગયો : મુળ રાજસ્‍થાનના પતિ-પત્‍નિ કુવાડવા તાબેના આણંદપર બાઘીમાં ભરતભાઇ વાઢેરની વાડીએ રહી મજૂરી કરતાં હતાં: રાતે બોલાચાલી બાદ કુહાડાથી તૂટી પડયોઃ હત્‍યા બાદ પતિ રામચરણ શેહરીયા મૃતદેહ પાસે જે બેસી રહ્યોઃ કુવાડવા પોલીસે સકંજામાં લીધોઃ વાડી માલિકની ફરિયાદ પરથી કુવાડવા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્‍યો

રાજકોટ તા. ૬: રાજકોટ શહેર ગ્રામ્‍ય પંથકમાં પાંચ  દિવસમાં હત્‍યાની પાંચ ઘટના બની છે. વધુ એક હત્‍યાની ઘટના કુવાડવા તાબેના આણંદપર બાઘી ગામે બની છે. અહિ વાડીમાં રહી મજૂરી કરતાં રાજસ્‍થાનના મજૂરે રાતે પત્‍નિ સાથે બોલાચાલી થયા બાદ તેણીને કુહાડાના ઘા ઝીંકી ક્રુરતાથી પતાવી દીધી હતી. હત્‍યા બાદ પતિ પત્‍નિની લાશ પાસે જ બેસી રહ્યો હતો. અન્‍ય મજૂર મારફત જાણ થતાં વાડી માલિક પહોંચ્‍યા હતાં અને કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પોલીસે વાડી માલિકની ફરિયાદ નોંધી હત્‍યારા પતિને સકંજામાં લેવા તજવીજ કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ આણંદપર બાઘી ગામે આવેલી ભરતભાઇ રણજીતભાઇ વાઢેરની વાડીમાં મજૂરે તેની પત્‍નિની હત્‍યા કરી નાંખ્‍યાની જાણ થતાં કુવાડવા પોલીસે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે વાડી માલિક આણંદપરમાં રહેતાં ભરતભાઇ રણજીતભાઇ વાઢેર (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી તેના મજૂર રામચરણ કૈલાસભાઇ શેહરીયા (રહે. બીચી તા. શાહબાદ, જી. બારાન, રાજસ્‍થાન) વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૧૦૩ (૧), જીપીએક્‍ટ ૧૩૫ (૧) મુજબ હત્‍યાનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો હતો.

રણજીતભાઇ વાઢેરે વિગતો આપતાં જણાવ્‍યું હતું કે મારે આણંદપર બાઘીમાં ખેતર છે. જેમાં મેં ખેત મજૂરી માટે દોઢેક મહિના પહેલા રાજસ્‍થાનના રામચરણ શેહરીયા અને તેની પત્‍નિ કમલેશભાઇ ઉર્ફ કમલીબાઇને રાખ્‍યા હતાં. આ ઉપરાંત મધ્‍યપ્રદેશનો બહાદુરસિંહ અને તેની પત્‍નિ પ્રેમબાઇ પણ અહિ ખેત મજૂરી કરે છે. મંગળવારે રાતે સાડા દસેક વાગ્‍યે મને મજૂર  બહાદુરસિંહે મને જાણ કરી હતી કે આપણા ખેતમાં રામચરણ અને તેની પત્‍નિ કમલેશભાઇ ઉર્ફ કમલીબાઇ ઝઘડો કરે છે. આથી હું તરત વાડીએ પહોંચ્‍યો હતો. પણ ત્‍યાં મકાને તપાસ કરતાં કોઇ જોવા મળ્‍યું નહોતું.

બાદમાં વધુ તપાસ કરતાં વાડી પાસેના રસ્‍તા પર કમલેશબાઇ અને રામચરણ જોવા મળ્‍યા હતાં. ત્‍યાં જઇ તપાસ કરતાં કમલેશબાઇ ઉર્ફ કમલીબાઇ લોહીલુહાણ જોવા મળી હતી. તે કંઇ બોલતી નહોતી, તેનો પતિ રામચરણ પણ બાજુમાં જ હતો. આ પછી ૧૦૮ને જાણ કરતાં તેના ડોક્‍ટરે કમલીબાઇને મૃત જાહેર કરતાં મેં પોલીસને જાણ કરી હતી. કોઇ કારણોસર પતિ-પત્‍નિ વચ્‍ચે ગૃહકલેશ, ઝઘડો થતાં પતિએ કુહાડા કે પછી બીજા કોઇ હથીયારથી હુમલો કરી તેની પત્‍નિને મોઢા, કમર નીચે, પગમાં આડેધડ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

કુવાડવા પીઆઇ બી. પી. રજયા, અજીતભાઇ લોખીલ સહિતના સ્‍ટાફે હત્‍યાનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો. હત્‍યાનો ભોગ બનનારને સંતાનમાં એક દિકરો છે જે તેના વતનમાં રહે છે. આરોપી રામચરણને દારૂ પીવાની ટેવ હતી. કદાચ રાતે દારૂ પીધા બાદ ઝઘડો થયા પછી તેણે પત્‍નિની હત્‍યા કરી નાંખ્‍યાની શક્‍યતા પોલીસ ચકાસી રહી છે. આ બનાવથી અરેરાટી વ્‍યાપી ગઇ હતી. મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો હતો.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર ગ્રામ્‍ય પંથકમાં ચાર દિવસમાં પાંચ હત્‍યા થઇ છે. મેટોડામાં પત્‍નિની છેડતીનો આરોપ મુકી બે શખ્‍સે યુવાનની હત્‍યા કરી હતી. માયાણીનગર ખીજડાવાળા રોડ પર ગાળો બોલવા મામલે મજૂરની હત્‍યા થઇ હતી, કોઠારીયા સોલવન્‍ટમાં ધર્મની બહેનના ઝઘડામાં વચ્‍ચે પડેલા યુવાનને પતાવી દેવાયો હતો, એ પછી થોરાળા વિસ્‍તારના મીરા ઉદ્યોગ સંસ્‍કાર ઇન્‍ડસ્‍ટ્રીઅલ એરીયામાં ઓરીસ્‍સાના મજૂરની હત્‍યા થઇ હતી. હવે કુવાડવા તાબેના આણંદપર બાઘીમાં પતિના હાથે પત્‍નિની હત્‍યા થઇ છે. (૧૪.૫)

(3:00 PM IST)