તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
ફઇ-ભત્રીજી અપહરણ કેસમાં વકિલની અટકાયતઃ નામ ખુલતાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો
મિલ્કત મામલે ભત્રીજીનું અપહરણ કરનાર ફઇ જેલહવાલે : ઉજ્જૈનથી રાજવિરસિંહ ઝાલાને રાજકોટ લાવવામાં આવતાં પોલીસ સ્ટેશનમાં તબિયત બગડતાં સારવાર અપાવવી પડીઃ કાવત્રાની કલમનો ઉમેરો કરાયો

રાજકોટ તા. ૪: શહેરમાં ચર્ચાસ્પદ બનેલા ફઈ- ભત્રીજીના અપહરણ કેસમાં મિલ્કત મામલે ફઇએ જ છ વર્ષની ભત્રીજીનું અપહરણ કર્યાનો પર્દાફાશ થતાં પ્ર.નગર પોલીસે ફઇની ધરપકડ કરી હતી. તેણીને કોર્ટહવાલે કરવામાં આવતાં જેલહવાલે થઇ છે. બીજી તરફ આ પ્રકરણમાં એક વકિેલે પણ મદદગારી કર્યાનું ખુલતાં આ વકિલ ઇન્દોર હોઇ પોલીસ ધરપકડ કરે એ પહેલા ઇન્દોરમાં જ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તેની તબિયત સ્વસ્થ થઇ જતાં પ્ર.નગર પોલીસ તેને રાજકોટ લઇ આવી હતી. ધરપકડની તજવીજ થતી હતી ત્યાં તેને ઉલ્ટીઓ થવા માંડતા, તબિયત બગડતાં સારવાર અપાવાઇ હતી. આ કેસમાં કાવત્રાની કલમ પણ ઉમેરવામાં આવી છે.
પ્ર.નગર પોલીસે વકીલ રવિરાજસિંહ ઝાલાને ઇન્દોરથી રાજકોટ લાવી હતી. અહીં પહોંચતા જ વકીલ ઉલ્ટી કરવા લાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરાઇ હતી. પોલીસે આ પ્રકરણમાં રીમા અને એડવોકેટ રાજવિરસિંહ બંને સામે અપહરણ અને કાવતરાની કલમનો ઉમેરો કર્યો છે. રૈયા રોડ હનુમાન મઢી નજીક અલ્કાપુરી મેઇન રોડ પાસે રહેતા વેપારી રિયાઝભાઈ ફિરોજભાઈ માખાણી (ઉ.વ ૪૨)ની છ વર્ષની પુત્રી અનાયા અને ૪૪ વર્ષના તેમના બહેન રીમાબેન ગઈ તારીખ ૨૪ ના ગુમ થયા હતા અને તારીખ ૩૧ના બંને ઈંદોરથી મળી આવ્યા હતા. રાજકોટ આવ્યા બાદ રીમાબેનને પોતાના ભાઈ અને પોલીસ સમક્ષ કહ્યું હતું કે, કોઈ બુકાનીધારી શખસ છરી બતાવી ફન વર્લ્ડ નજીકથી તેને તથા અનાયાને ઉઠાવી ગયો હતો. જો કે પ્રથમથી જ આ વાત પોલીસને ગળે ઉતરતી ન હતી. જેથી પોલીસે રીમાને ફરિયાદી બનાવી ન હતી. આ અંગે -.નગરમાં અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો. પોલીસે રીમા માખાણીની સઘન પૂછતાછ કરતા આ ભેદભરમમર્યા બનાવ પરથી પડદો ઊંચકાયો હતો.
રીમાએ એવી હકીકત જણાવી હતી કે, પોતાની મિલકતમાંથી ભાઈ રિયાઝ હિસ્સો આપતો ન હોવાથી તેણે રેલનગરમાં રહેતા એડવોકેટ રાજવીરસિંહ ઝાલાનો સંપર્ક કર્યો હતો અને કાનૂની રીતે મિલકતમાંથી હિસ્સો મેળવવો શકય ન જણાતા રિયાઝ પાસેથી પૈસા પડાવવા અપહરણનો કારસો રચ્યો હતો. જો કે રીમા અને ભાઈ રિયાઝ વચ્ચે મિલકત કારણે સારા સંબંધ નહીં હોવાથી રીમાનું અપહરણ થાય તો પૈસા ન મળે તે માટે અનાયાને પણ સાથે ઉઠાવી લેવાનો નક્કી થયું હતું અને તે માટે રીમાએ એડવાન્સ પેમેન્ટ પેટે એડવોકેટ રાજવીરસિંહ ઝાલાને ૧૫ લાખ ચૂકવ્યા હતા.
પ્રકરણ અંગે રાજકોટ પોલીસ સ્ટેશન તપાસ હાથ ધરતા એડવોકેટ રાજવીરસિંહ આ ફઇ- ભત્રીજીને મૂકી જતો રહ્યો હતો. બાદમાં તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ આ મામલે પોલીસે રીમા અને રાજવીરસિંહ બંને સામે અપહરણ ઉપરાંત કાવતરાની કલમનો ઉમેરો કર્યો હતો. રીમાને હાલ જેલહવાલે કરવામાં આવી છે. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રહબરીમાં પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ વી.આર.વસાવાની રાહબરી હેઠળની ટીમ દ્વારા ઇન્દોર પહોંચી અહીંથી એડવોકેટ રાજવીરસિંહ ઝાલાની રાજકોટ લાવવામાં આવેલ.
દરમિયાન આજે સવારના અહીં રાજકોટ લાવતા જ એડવોકેટ રાજવીરસિંહની તબિયત બગડવા લાગી હતી તે ઉલટીઓ કરવા લાગતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. એડવોકેટ સ્વસ્થ થયા બાદ પોલીસ તેને આ અપહરણ બાબતે પૂછપરછ કરશે. જેની પૂછતાછમાં હજુ પણ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થવાની શકયતા સેવાઇ રહી છે. એક બસચાલકની પણ આ કેસમાં પુછતાછ થવાની શક્યતા છે.
(3:46 PM IST)










