તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
જંકશન પ્લોટ રોડ પર બેંકમાં પગાર ઉપાડવા આવેલા સફાઇ કામદારનું હૃદય બંધ પડી ગયું
જસદણના ગઢડીયાના પંચાવન વર્ષના મીઠાભાઇ પરમાર મહાનગર પાલિકામાં નોકરી કરતા હોઇ દરરોજ અપ-ડાઉન કરતાં હતાં

રાજકોટ તા. ૪: હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ થયું છે. જસદણના ગઢડીયા ગામેથી રાજકોટ જંકશન પ્લોટ મેઇન રોડ પર આવેલી એસબીઆઇ બેંક ખાતે પગારની રકમ ઉપાડવા આવેલા સફાઇ કામદાર પ્રોૈઢનું બેંક ખાતે જ હૃદય બેસી જતાં મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ ગઢડીયા ગામે રહેતાં મીઠાભાઇ લક્ષમણભાઇ પરમાર (ઉ.વ.૫૫) સવારે સાડા અગિયારેક વાગ્યે જંકશન પલોટ રોડ પર આવેલી એસબીઆઇ બેંક ખાતે હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં. તેઓ મ્યુ. કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં હતાં. તે ત્રણ ભાઇ અને ચાર બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. બેંકમાં પગાર ઉપાડવા આવ્યા ત્યારે આ બનાવ બન્યો હતો. તેઓ ગઢડીયાથી રાજકોટ અપડાઉન કરતાં હતાં. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. આ બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(3:33 PM IST)










