તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
યુવાનની માથામાં પથ્થર ઝીંકી હત્યાઃ પેન્ટ ઉતરેલુ હતું!
થોરાળાના મીરા ઉદ્યોગ એરીયા પાસે ખુલ્લા પ્લોટમાંથી લાશ મળતાં ભેદ ઉકેલવા ટીમો કામે લાગી : હત્યાનો ભોગ બનેલા યુવાનની ઓળખ મેળવવા તજવીજઃ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવાના ઇરાદે માથાકુટ થયાની શંકાએ તપાસઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વિગતો ખુલશેઃ ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાદવ, થોરાળા પીઆઇ જી. એન. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ

તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર યુવાન, ઘટના સ્થળે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની ટીમો, લોકોના ટોળા અને યુવાનની લાશ જે હાલતમાં મળી તે જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૪: શહેરમાં ચાર દિવસ પહેલા માયાણીનગર મેઇન રોડ પર મંદિર સામેના પટમાં યુપીના યુવાનની હત્યા થઇ હતી. જેનો ભેદ માલવીયાનગર પોલીસે કલાકોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી લીધા હતાં. ગાળો બોલવા મામલે આ ઘટના બની હતી. દરમિયાન આજે વધુ એક હત્યા થઇ છે. થોરાળા પોલીસ સ્ટેશના હેઠળના મીરા ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીયઅલ એરીયામાં આવેલા ખુલ્લા પટમાંથી આશરે ૩૫ વર્ષના યુવાનની ક્રુર હત્યા કરાયેલી લાશ મળી છે. માથામાં પથ્થર ફટકારી હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. આ યુવાનનું પેન્ટ અડધે સુધી ઉતારાયેલુ હતું. સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવાના ઇરાદે કે પછી એવા કૃત્ય વખતે માથાકુટ થતાં આ હત્યા થયાની શંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા ચોકડી નજીક થોરાળા પોલીસની હદમાં આવેલા મીરા ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ખુલ્લા પટમાં એક યુવાનની લોહીલુહાણ લાશ પડી હોવાની જાણ કોઇ રાહદારીએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરતાં ઇન્ચાર્જ દ્વારા થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ૧૦૮ પણ પહોંચી હતી. જેના તબિબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્સ. દેવાનંદભાઇ, ગભરૂભાઇ તેમજ ડી. સ્ટાફની ટીમ પહોંચી ગઇ હતી.
પોલીસે તપાસ કરતાં હત્યાનો ભોગ બનનારની ઉમર આશરે ૩૫ વર્ષન હોવાનું જણાયું હતું. તેના માથામાં જમણી બાજુએ ઘાના નિશાન હતાં. પથ્થર બાજુમાં પડયો હોઇ તેના વડે હત્યા કરાયાનું તારણ પણ નીકળ્યું હતું. ચોંકાવનારી બાબત એ હતી કે આ મૃતક યુવાનનું પેન્ટ અડધે સુધી ઉતારાયેલી હાલતમાં હતું. જેથી પોલીસને શંકા ઉપજી હતી કે કાં તો સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાના ઇરાદે હત્યા થઇ હશે અથવા તો આ કૃત્ય આચરતી વખતે કોઇ મુદ્દે માથાકુટ થતાં વાત હત્યા સુધી પહોંચી હોઇ શકે છે. જો કે આવુ કૃત્યુ થયું હતું કે કેમ? તે જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
હત્યાનો ભોગ બનનારે આછા લાલ ગુલાબી રંગનો લાઇનીંગવાળો શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલા છે. આછી દાઢી-મુછ છે અને ટુંકા વાળ છે. જમણો કાન પણ ખવાઇ ગયો છે, કદાચ પથ્થરનો ઘા ત્યાં લાગતાં કાન છુંદાઇ ગયો હોઇ શકે. મૃતકની ઓળખ મેળવવા અને તેની હત્યા કોણે અને શા માટે કરી? તેનો ભેદ ઉકેલાવ થોરાળા પોલીસની ટીમો, ક્રાઇમ બ્રાંચ અને એલસીબીની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ પરિચીત, વાલીવારસ હોય તો થોરાળા પોલીસનો અથવા પોલીસ કન્ટ્રોલ રૂમનો ૦૨૮૧ ૨૪૫૭૭૭૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવ, ક્રાઇમ બ્રાંચની ટૂકડીઓ, એલસીબી ઝોન-૨ના બી. વી. ચુડાસમા, મનરૂપગીરી, ભરતભાઇ સહિતનો સ્ટાફ પણ પહોંચ્યો હતો. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતક પાસેથી તેની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી આવી નથી. (૧૪.૧૧)
(3:10 PM IST)










