તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
તારામાં સંસ્કાર નથી, કામચોર છો કહી બેંક કેશીયર મીરાબેન ચાવડાને ત્રાસ-મારકુટ
પતિ દારૂ પી ઘરે આવે છે, એકવાર ગળુ દબાવવા પ્રયાસ કર્યોઃ સસરા ખરાબ નજર કરે છે, બેડરૂમમાં સીસીટીવી લગાડયા છેઃ ઘરને તાળા મારી જતાં રહેતાં હોઇ પોલીસની મદદ લેવી પડે છે! : સાડા ચાર વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર પરિણીતાને લગ્નના થોડા જ સમય બાદ પતિ, સાસુ, સસરા, નણંદોને ત્રાસ આપવાનું ચાલુ કરી દીધાનો આરોપઃ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૪: વધુ એક પરિણીતા પર પતિ, સાસરીયાએ ત્રાસ ગુજાર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ બનાવમાં તાલુકા પોલીસે કેકેવી સર્કલ પાસે શિવાલીક એપાર્ટમેન્ટ ૩૦૧માં રહેતાં મુળ અમરેલીના જેસીંગપરાના રોકડનગર-૪માં રહેતાં મીરાબેન રોનકભાઇ ચાવડા-પ્રજાપતિ (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી શિવાલીકમાં રહેતાંતેના પતિ રોનક ચાવડા, સસરા રમેશભાઇ ચાવડા, સાસુ સુધાબેન, નણંદ હિરલબેન અને મોટા નણંદ બીજલબેન વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
મીરાબેને એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ બાલાજી હોલ પાસે એક્સીસ બેંકમાં કેશીયર તરીકે નોકરી કરે છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે આશરે સાડા ચાર વર્ષ પહેલા ૨૦૨૦માં મારે પ્રેમસંબંધ બંધાતા રોનક સાથે ૨૮/૧૧/૨૨ના રોજ હિન્દુ વિધીથી લગ્ન કર્યા છે. લગ્ન પછી હું પતિ, સાસુ, સસરા, નણંદ સાથે રહુ છું. લગ્નના થોડા સમય બાદથી જ સાસુ, સસરા, નણંદ અને પતિએ નાની નાની વાતે ઝઘડા ચાલુ કર્યા હતાં. સાસુ કહેતાં કે અમારા ઘરમાં બ્રાહ્મણ જ્ઞાતિના પિયરના રીતરીવાજ નહિ ચાલે, અમારા ઘરના નિયમ જ ચાલશે. તું કામચોર છો તેમ કહી રોજ ગેરવર્તન કરતાં તેમજ તારા મા-બાપમાં સંસ્કાર નથી તેથી તારામાં પણ સંસ્કાર નથી આવ્યા તેવું કહી મારા માતા-પિતાને પણ ગાળો દેતાં હતાં.
આ ઉપરાંત તું દહેજમાં કંઇ લાવી નથી, તારા પિતા પાસેથી ઇલેક્ટ્રોનિક વસ્તુ લઇ આવ તેમ કહી દબાણક રતાં હતાં. મારા પિયરમાંથી કોઇ ઘરે આવે ત્યારે મારા પતિ, સાસુ, સસરા મારી સાથે ઝઘડો કરતાં અને મારા મમ્મી મારા ઘરે આવ્યા ત્યારે મારા પતિએ તેને ઘરે આવવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે તમારે તમારી દિકરીને મળવું હોય તો બહાર મળી લેવાનું, હવે પછી અમારા ઘરે ક્યારેય આવતાં નહિ! પતિ પાસે હું ઘર ખર્ચ માંગુ અથવા કરીયાણુ મંગાવુ તો ના પાડી દેતાં અને કહેતાં કે તારે તારા પૈસાથી લાવવાનું. મને નોકરી મળ્યા બાદ પતિ અને સાસુ સસરા સતત મારી પાસે રૂપિયા માંગતા હતાં. પતિ ઘણીવાર રાતે નશો કરીને આવતો હતો. હું નશો કરવાની ના પાડુ તો બોલાચાલી કરી માર મારતો હતો. એક વખત ઢોર માર મારી મારું ગળુ દબાવવા પ્રયાસ કર્યો હતો. ત્યારે સાસુ-સસરા હાજર હોઇ તેણે પણ ઝઘડો કર્યો હતો.
તેમજ મારા સાસુ-સસરા બહારગામ જાય ત્યારે ઘરના દરવાજે લોક મારીને જતાં રહે છે. હાલમાં પણ હું નોકરીથી પરત આવું ત્યારે દરવાજો ખોલતા નથી. આથી મારે પોલીસની મદદ લેવી પડે છે. મારી ગેરહાજરીમાં મારા કબાટમાંથી સાસુ-સસરાએ મારા દાગીના, ડોક્યુમેન્ટ લઇ લીધા છે. હું ઘરે એકલી હોઉ ત્યારે સસરા મારા પર ખરાબ નજર નાખી અભદ્ર વર્તન કરતાં હોઇ મારા બેડરૂમમાં સીસીટીવી કેમેરા લગાગડેલા છે. મારા સસરાએ ન્યુઝપેપરમાં આપ્યું હતું કે મારે દિકરા રોનક સાથે કોઇ સંબંધ નથી, ઘરમાંથી બેદખલ કરેલ છે. આમ છતાં હું ઘરે ન હોઉ ત્યારે તે ઘરે આવી જાય છે અને હું ઘરે આવું ત્યારે તે નીકળી જાય છે.
મારા મોટા નણંદ બીજલબેન વિશાલભાઇ રાઠોડ અને નાની નણંદ હિરલબેન ભાવીન ટાંક પણ ઘણીવાર ઘરે આવી મારા સાસુ-સસરા સાથે મળી ઘરકામ સહિતની વાતે ગાળો બોલી ઝઘડો કરે છે. તેમજ મારા પતિને મારા વિરૂધ્ધ ફોન કરી ઉશ્કેરણી કરે છે. એક વર્ષ પહેલા નાની નણંદે મહેમાનોની હાજરીમાં પણ મારી સાથે માથાકુટ કરી હતી, તેમાં સાસુ, સસરા, પતિએ પણ સાથ આપ્યો હતો. આમ લગ્ન બાદ સતત મને ત્રાસ અપાતો હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં મીરાબેને જણાવતાં તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં એએઅસાઇ ડી. સી. જોષીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:58 PM IST)










