<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

દિકરાની સગાઇ કરવા જોડીયા ગયેલા રાજકોટના ભીખાભાઇનું વેવાઇના ઘરે હૃદય બેસી જતાં મોત

મોરબી રોડ લાલપરીમાં રહેતાં બારીયા પરિવારમાં ગમગીનીઃ દિકરાને ઘટનાથી અજાણ રાખી પિતાજીને દાખલ કર્યા છે એવુ કહી પ્રસંગ આટોપવામાં આવ્‍યો

રાજકોટ તા. ૪: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. મોરબી રોડ પર જકાતનાકા પાસે લાલપરી-૨માં રહેતાં ભીખાભાઇ જકશીભાઇ બારીયા (ઉ.વ.૫૨) નામના પ્રોૈઢ દિકરાની સગાઇ કરવા મહેમાનોને સાથે લઇ જોડીયા ગામે ગયા ત્‍યારે વેવાઇના ઘરે જ હાર્ટએટેક આવી જતાં સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ જકાતનાકા પાસે લાલપરીમાં રહેતાં ભીખાભાઇ બારીયાના દિકરાની ગઇકાલે રવિવારે સગાઇ હોઇ સગા સ્‍નેહીજનો જોડીયા ગામે કાળુભાઇ સિરોયાના ઘરે ગયા હતાં. સગાઇ વિધી હજુ ચાલુ નહોતી થઇ તે વખતે બીજા રૂમમાં મહેમાનો સાથે બેઠેલા વરરાજાના પિતા ભીખાભાઇને એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતાં તબીયત બગડતાં તુરત જ સારવાર માટે ખસેડાયા હતાં. તેમને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

બીજી તરફ દિકરાને આ ઘટનાથી વાકેફ ન કરી પિતાજીને દાખલ કર્યા છે તેમ કહી સગાઇ પ્રસંગ આટોપી લેવામાં આવ્‍યો હતો. આ બનાવથી બારીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. ભીખાભાઇ ચાર ભાઇ અને અકે બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. પોતે છુટક મજૂરી કરતાં હતાં. હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડયાનું સગાએ કહ્યું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, પરેશભાઇ, ધર્મેશભાઇએ કરતાં જોડીયા પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૮)

 

છોટીકાશીમાં પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પણ શિવ ભક્‍તિનો મહીમાં અપરંપારઃ  અનેક શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગૂંજર્યોં

 આજે શ્રાવણ માસ ના દ્વિતીય સોમવારે પણ વહેલી સવારથી જ શિવ ભક્‍તોએ બિલિપત્ર ઉપરાંત અભિષેક અને જલાભિષેક ની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવા ઙ્કાર્થના કરી હતી.  પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્‍યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના અન્‍ય વિસ્‍તારોમાં આવેલા જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણીકણીકંકેશ્વર મહાદેવ મંદિર, સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્‍તો એ દર્શન માટે કતાર લગાવી હતી, અને રુદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. તેમ જ ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્‍વપત્ર ને માથે ચડાવી દર્શનનો લ્‍હાવો લીધો હતો. પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનોનો અલગ અલગ શિવ મંદિરોના દ્વારે બંદોબસ્‍ત મૂકવામાં આવ્‍યો છે. શહેરના મુખ્‍ય માર્ગો પર ટ્રાફિકની સમસ્‍યા ન સર્જાય તે માટે શહેર ની મધ્‍ય માં આવેલા શિવ મંદિરની બહાર ટ્રાફિક પોલીસના જવાનો તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો ને પણ મૂકવામાં આવ્‍યા છે. (તસ્‍વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)

(1:41 PM IST)