તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
મેટોડામાં છેડતીનો આરોપ મુકી દિલીપસિંહની ગળુ કાપી હત્યા
હત્યાનો ભોગ બનનાર યુવાન મુળ ગઢડાના ચોસલા ગામના વતનીઃ પત્નિ બાળકોને છોડી સાતેક વર્ષથી મટોડામાં હંસાબેન ડાંગર સાથે રહેતાં હતાં: આ મહિલાના મકાનમાં ઉપરના માળે રહેતાં હાર્દિક મહિડાએ ‘મારી પત્નિની છેડતી શું કામ કરી?' કહી ઝઘડો કર્યો પછી સમાધાનના બહાને પટમાં બોલાવી મિત્રની મદદથી લોથ ઢાળી દીધીઃ દેવગામના કેતન ઉર્ફ બીટુ બગડાએ દિલીપસિંહને પકડી રાખ્યા, હાર્દિકે ગળા પર છરી હુલાવીઃ મેટોડા પોલીસે બંનેને રાતોરાત પકડી લીધાઃ હત્યા બાદ લાશ ઢસડી ઘાંસના મેદાનમાં મુકી દીધીઃ હત્યાનો ભોગ બનનાર દિલીપસિંહ બે ભાઇ, બે બહેનમાં ત્રીજા હતાં: તેના પત્નિ બાળકો વર્ષોથી રાજકોટમાં અલગ રહે છેઃ પરિવારમાં શોક

હત્યાનો ભોગ બનેલા દિલીપસિંહ ગોહિલનો નિષ્પ્રાણ દેહ અને જ્યાં હત્યા થઇ તે સ્થળ (ફોટોઃ ભીખુપરી ગોસાઇ-મેટોડા, અભીજીત બગથરીયા-રાજકોટ)
રાજકોટ તા. ૪: મેટોડા જીઆઇડીસીમાં પાઠક સ્કૂલ સામે નિજાનંદ સોસાયટીમાં ભાડેથી રહેતાં મુળ ગઢડાના ચોસલા ગામના દિલીપસિંહ પ્રવિણસિંહ ગોહિલ (ઉ.વ.૪૨)ની રવિવારે રાતે ગળુ કાપી હત્યા કરી નાખવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. મેટોડામાં જ રહેતાં હાર્દિક નામના શખ્સે ‘મારી પત્નિની કેમ છેડતી કરી છે?' કહી ઝઘડો કર્યા બાદ દિલીપસિંહને નજીકની સોસાયટીના ગેઇટ પાસે બોલાવી મિત્રની મદદથી પતાવી દઇ લાશને ઢસડીને બાજુના ખુલ્લા પ્લોટમાં મુકી દીધી હતી. હત્યાનો ભોગ બનનાર યુવાન જે મહિલા સાથે રહેતાં હતાં એ મહિલાના ઘરની ઉપરના માળે જ એક આરોપી રહે છે. પોલીસે રાતોરાત બંને આરોપીને પકડી લીધા છે.
આ બનાવમાં મેટોડા પોલીસે બોટાદના ગઢડા તાબેના ચોસલા ગામે રહેતાં હત્યાનો ભોગ બનનારના ભાઇ વિક્રમસિંહ પ્રવિણસિંહ ગોહિલ (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી મેટોડાના જ બે શખ્સો હાર્દિક મહિડા અને લોધીકાના દેવગામના કેતન ઉર્ફ બીટુ બગડા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.
વિક્રમસિંહ ગોહિલ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પિતાજી સાથે રહુ છું, અમે ચાર ભાઇ બહેન છીએ. સોૈથી મોટા જસવંતસિંહનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું છે. હું તેમનાથી નાનો છું, મારાથી નાના ભાઇ દિલીપસિંહ હતાં. જેના લગ્ન ૨૦૧૩માં નિધીબા રણજીતસિંહ ઝાલા (ઝીંઝુવાડા-સુરેન્દ્રનગર) સાથે થયા હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને દિકરી છે, જે અનુક્રમે દસ અને સાત વર્ષના છે. જેઓ હાલ રૈયા ગામે અલગ રહે છે. મારા ભાઇ દિલીપસિંહ છેલ્લા સાતેક વર્ષથી મેટોડા ખાતે હંસાબેન ડાંગર સાથે રહેતા હતાં અને ત્રણેક વર્ષથી અમારા ઘરે આવેલ નહોતાં.
રવિવારે તા. ૩/૭ના રોજ હું ઘરે હતો ત્યારે પોલીસ તરફથી જાણવા મળેલુ કે મેટોડા જીઆઇડીસીમાં ગ્લોરીયસ સોસાયટીના ગેઇટ પાસે મારા ભાઇ દિલીપસિંહ ગોહિલની લાશ મળી આવી છે અને તેના પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે લોધીકા સરકાી હોસ્પિટલે મૃતદેહ લઇ જવામાં આવી રહ્યો છે. આ જાણ થતાં હું તથા અમારા કુટુંબીજનો તાત્કાલીક મેટોડા પહોંચ્યા હતાં. મારા ભાઇ દિલીપસિંહ જેના ભેગા રહેતાં હતે હંસાબેન ડાંગરના ઘરે જતાં અને તેને મળીને શું બન્યું? તે અંગે પુછતા કરતાં હંસાબેને કહેલુ કે આશરે સાંજે સાડા આઠેક વાગ્યે મારા ઘરની ઉપરના માળે રહેતાં હાર્દિક મહિડાએ દિલીપસિંહ સાથે ઝઘડો કર્યો હતો. હાર્દિકે દિલીપસિંહને તમે કેમ મારી પત્નિની છેડતી કરી છે? તેમ કહી માથાકુટ કરી હતી.
એ પછી તેમને ગ્લોરીયસ સોસાયટીના ગેઇટ પાસે ખુલ્લા પ્લોટમાં સમાધાન કરવાના બહાને બોલાવેલ. ત્યાં હાર્દિક સાથે દેવગામનો કેતન ઉર્ફ બીટુ મહિડા પણ હતો. અહિ બંનેએ દિલીપસિંહ સાથે માથાકુટ કરી હતી અને કેતન ઉર્ફ બીટુએ દિલીપસિંહને પકડી રાખી હાર્દિકે તેમના ગળા પર છરી ફેરવી દીધી હતી. જેથી દિલીપસિંહ લોહીલુહાણ થઇ પડી ગયેલ. આ પછી બંને શખ્સોએ લાશને ઢસડીને પ્લોટની સાઇડમાં આવેલી ઓફિસ પાસે ઘાંસમાં મુકી દીધી હતી અને ભાગી ગયા હતાં. એ પછી અમને ખબર પડી હતી કે મારા ભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે. જેથી અમે રાજકોટ આવ્યા હતાં.
વિક્રમસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે મારા ભાઇ મેટોડા જીઆઇડીસીમાં પાઠક સ્કૂલ સામે આવેલ નીજાનંદ પાર્ક સોસાયટમીાં ભાવેશભાઇના મકાનમાં ભાડેથી રહેતાં હતાં. તે મુળ ગઢડાના ચોસલા ગામના વતની હતાં. હાર્દિક નાામના શખ્સે મારા ભાઇને કેમ મારી પત્નિની છેડતી કરી છે? કહી ઝઘડો કરી સમાધાનના બહાને બોલાવી પોતાના મિત્ર કેતન ઉર્ફ બીટુ સાથે મળી હત્યા કરી નાંખી હતી. મેટોડા પીઆઇ એસ. એચ. શર્માએ ગુનો નોંધી રાતોરાત બંને આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. સગાના કહેવા મુજબ બે દિવસ પહેલા જ દિલીપસિંહ બહારગામ ગયા હતાં. ગત સાંજે જ પરત મેટોડા આવ્યા હતાં અને આ ઘટના બની હતી. (૧૪.૬)
(11:03 AM IST)










