<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

અગ્નિકાંડના કેસની ટ્રાયલ શરૂ થતાં જ મુદત પડીઃ હવે ૮મી ઓગષ્‍ટે સુનાવણી

આરોપી ધવલ ઠકકરે જામીન અરજી કરી આગામી બુધવારે સુનાવણી થશે, દસ્‍તાવેજો કબુલ રાખવાના મુદે કેસ મેનેજમેન્‍ટ સંદર્ભે કાર્યવાહી થશેઃ આરોપીઓ વતી આવેલા નવા વકીલોએ કેસનો અભ્‍યાસ કરવા મુદત માંગીઃ હવે ૮મીએ કોર્ટમાં સુનાવણી થશે

 

રાજકોટ, તા.૩૧: રાજકોટ સહિત દેશભરમાં ચકચાર જગાવનારા અગ્નિકાંડ કેસમાં આરોપી સામે કોર્ટમાં તહોમતનામું ફરમાવવામાં આવ્‍યું હતું. આરોપીઓ તરફે દસ્‍તાવેજો કબુલ રાખવા કે નહી તે મુદ્દે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવે તે પૂર્વે જ મુદત પડી છે. આગામી ૮મી ઓગષ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં ગત તા.૨૫/૫/૨૦૨૪ની સાંજે આગ લાગતા ૨૭ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં આઇપીસી ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૩૬, ૪૬, ૪૬૬, ૪૭૧, ૪૭૪, ૨૦૧, ૧૨૦બી, ૧૧૪ મુજબ ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલભાઇ ભરતભાઇ ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્‍ટરપ્રાઇઝના ભાગીદારો  અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્‍લાનિંગ ઓફિસર મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્‍ટન્‍ટ ટીપીઓ ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્‍ટન્‍ટ ટીપીઓ  મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્‍ટેશનના ફાયર સ્‍ટેશન ઓફિસર રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્‍જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્‍યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્‍ટ્રાકટ રાખનાર  મહેશ અમળત રાઠોડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અગ્નિકાંડની ઘટનામાં પ્રકાશચંદ કનૈયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના ૧૫ આરોપીની ધરપકડ કરી રિમાન્‍ડ બાદ જેલ હવાલે કરાયા હતા. ચકચારી બનેલા અગ્નિકાંડ કેસમાં પોલીસે સમયગાળા કરતા ૬૦ દિવસ વહેલા ચાર્જશીટ તૈયાર ૨૪/૭/૨૦૨૪ ના રોજ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યું હતું. જે અગ્નિકાંડ કેસમાં ચાર્જશીટ બાદ ગત તા.૧૭ જુલાઈના રોજ અદાલતમાં કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્‍યો હતો જેમાં આરોપી જયદીપ ચૌધરીએ મુદત માંગતા કોર્ટે  રૂ.૨૦ હજારનું કોસ્‍ટ કહેતા આરોપી જયદીપ ચૌધરીએ મુદત અરજી પાછી ખેંચી લીધી હતી. અગ્નિકાંડ કેસમાં રજૂ કરવામાં આવેલા ડોકયુમેન્‍ટ કબૂલ કરવા માટે કેસ મેનેજમેન્‍ટની કાર્યવાહી કરવા આગામી ૩૧ મી જુલાઈ મુકરર કરવામાં આવી હતી. આજે આરોપીઓ તરફથી દસ્‍તાવેજો કબુલ રાખવા કે નહીં તેમજ કયા કયા સાક્ષીઓને બોલાવવા તેના નામો આપવા મુદ્દે સુનાવણી થનાર હતી પરંતુ આરોપીઓના વકીલ દ્વારા કેસના અભ્‍યાસ માટે મુદત માંગવામાં આવી હતી. આગામી ૮ મી ઓગષ્ટના રોજ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્‍યું છે.

 અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા ૧૫ આરોપીઓ પૈકી ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્‍યા છે જ્‍યારે બાકીના આરોપીઓ હજુ જેલ હવાલે છે અને જેમાંના અનેક આરોપીઓની હાઇકોર્ટમાંથી પણ જામીન અરજી ફગાવી દેવામાં આવી છે ત્‍યારે અગ્નિકાંડ કેસના આરોપી ધવલ ઠક્કર અને જયદીપ ચૌધરીએ સેશન્‍સ કોર્ટમાં કરેલી ડિસ્‍ચાર્જ અરજી રદ થતા બંને આરોપીએ હાઇકોર્ટમાં કરેલી રિવિઝન અરજીની આજે બપોર બાદ સુનાવણી થવાની સંભાવના છે. આ ઉપરાંત ધવલ ઠક્કરે જેલ મુક્‍ત થવા રાજકોટ સેશન્‍સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જે જામીન અરજીની આગામી ૬ ઓગસ્‍ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ કેસમાં સરકારે સ્‍પે. પીપી તરીકે તુષાર ગોકાણી, એડિશનલ સ્‍પે.પીપી નિતેશ કથીરિયા, પીડિત પરિવાર વતી સિનિયર એડવોકેટ સુરેશ ફળદુ અને નરેન્‍દ્રસિંહ જાડેજા રોકાયા છે.

(3:49 PM IST)