<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં ઇન્‍કમટેક્ષની તપાસ ગેરરીતિ સામે જાગૃતિ કે ચોકકસ બાતમી મળી'તી

ગુજરાતમાં સૌપ્રથમવાર સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં તપાસ થતા રીયલ એસ્‍ટેટ ક્ષેત્રે ગણગણાટ

રાજકોટ તા. ૩૧ :.. ગુજરાત રાજયમાં સૌપ્રથમવાર ગઇકાલે રાજકોટની દસ્‍તાવેજ નોંધણીની કામગીરી કરતી સબ રજીસ્‍ટ્રાર ઝોન પ ની કચેરી ઉપર ઇન્‍કમટેકસના અધિકારીએ સતત ૧ર કલાક તપાસ હાથ ધરતા અનેકવિધ ચર્ચાઓ જાગી છે.

રાજકોટની ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ પરીસરમાં આવેલી સબ રજીસ્‍ટ્રાર કચેરી ઝોન-પ માં શહેરના પોશ વિસ્‍તાર ગણાતા નાના-મવા, મોટા-મવા અને અનેક વિસ્‍તાર આવેલા છે. આ વિસ્‍તારના દસ્‍તાવેજ નોંધણીનું કાર્ય થાય છે. ત્‍યારે ગઇકાલે અચાનક બપોરે ૧ર કલાકે આવકવેરા વિભાગના અધિકારીઓ કેટલીક વિગતો માગતા આヘર્ય સર્જાયું છે.

આવક વેરા વિભાગના સુત્રો જણાવે છે કે સામાન્‍ય રીતે સબ રજીસ્‍ટ્રાર કચેરી તરફથી આવકવેરાને નિયમીત ડેટા મોકલવામાં આવે છે. પરંતુ આ કચેરીમાં કેટલીક અનિયમીતતા  જોવા મળી હતી.

પરિણામે ત્‍યાં તપાસ કરવામાં આવી છે કે રૂા. ૩૦ લાખની ઉપરના નોંધાયેલ દસ્‍તાવેજમાં ટીડીએસ. ની રકમ પ્રશ્ને પણ તપાસ થયાનું જાણવા મળે છે.

દરમિયાન સબ રજીસ્‍ટ્રાર કચેરીના સુત્રો જણાવે છે કે આવક વેરા વિભાગ દ્વારા જાગૃતિ અર્થે તપાસ થઇ છે તો કેટલાક લોકોમાં એવી ચર્ચા ચાલે છે. ચોકકસ બાતમીને આધારે તપાસ થઇ હતી.

સબ રજિસ્‍ટ્રાર કચેરી ઝોન-૫માં IT વિભાગનો સર્વે ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં ઇન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા વેચાણ દસ્‍તાવેજો અંગે સબ રજિસ્‍ટ્રાર કચેરીમાં સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. મિલકત અંગે પૂરતી વિગતો દર્શાવતો રિપોર્ટ ન કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા ગઇકાલે બપોરે આવકવેરા વિભાગના INCIનું સર્ચ ઓપરેશન સબ રજિસ્‍ટ્રાર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્‍યું છે આવનારા દિવસોમાં અન્‍ય ઝોનલ કચેરીઓમાં પણ તપાસ થવાની પુરેપુરી શકયતા છે. અમદાવાદ ગાંધીનગરથી ઇન્‍કમ ટેક્‍સ વિભાગના અધિકારીઓની ટીમે ગઇકાલે સાંજથી સર્વે કામગીરી શરૂ કરી છે.

સ્‍ટેટમેન્‍ટ ઓફ ફાઇનાન્‍શિયલ ટ્રાન્‍ઝેક્‍શન મુજબ ૩૦ લાખથી વધુના જેટલા પણ વ્‍યવહારો થયા હોય તે ઇન્‍કમટેક્‍સ વિભાગને ફોર્મ ૬૧A માં ફિલઅપ કરીને સબમીટ કરવાના હોય છે. ત્‍યારે સબ રજિસ્‍ટ્રાર કચેરી દ્વારા સબમિટ કરાવવામાં આવેલ માહિતી પૂર્ણ છે કે કેમ તેમજ અન્‍ય કોઈ ડેટા વિગત અધૂરો છે કે કેમ સહિતના મુદાઓને લઇ આઇટી વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં ૩૦ લાખથી વધુની કિંમતના જેટલા પણ દસ્‍તાવેજો ઝોન ૫ની કચેરીમાં થયા છે તેની ચકાસણી શરૂ કરવામાં આવી છે આ સર્વે પૂર્ણ થયા બાદ આઇટી વિભાગ દ્વારા આગળ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ કચેરીમાં સર્વે પૂર્ણ થયા બાદ બાકીની કચેરીઓમાં પણ આ રીતે સર્વે કામગીરી હાથ ધરવામાં આવે તો નવાઈ નહિ.

(3:48 PM IST)