News of Thursday, 31st July 2025
ઉપલા કાંઠાના રોડ-રસ્તા ટનાટન કરવા મનપાનો વધુ એક પ્રયાસ નિષ્ફળ : પાંચમી વાર ટેન્ડર !
શહેરના વોર્ડ નં. ૪,પ,૬,૧પ,૧૬ તથા ૧૮ના માર્ગો તથા મેટલીંગ કામ અટકયા : તંત્ર દ્વારા ૧૦ કરોડની ફાળવણી છતા એક પણ એજન્સીએ રસ ન દાખવ્યોઃ ચર્ચાનો ચકડોળ

રાજકોટ, તા. ૩૧ : શહેરના સામાકાંઠા વિસ્તારના વિવિધ વોર્ડમાં રૂા. ૧૦ કરોડના રોડ રસ્તાના કામો માટે પાંચ વખત ટેન્ડર કરવા છતાં કોઇ એજન્સીએ રસ દાખવ્યો નથી.
મહાનગરપાલિકાએ ઇસ્ટઝોનના વોર્ડન નં. ૪,પ,૬,૧પ,૧૬ અને ૧૮ માં નવી બનતી સોસાયટીઓના રસ્તા તેમજ યુટીલીટી રોડ વિસ્ટોરેશન અને ટીપી રોડના મેટલીંગના કામોમો માટે રૂા. ૯,પર,૬૮,૮૬૦નું પાંચમી વખતે ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે. જેની મુદત તા. ૧૩ ઓગસ્ટ રોજ પૂર્ણ થનાર છે. છતાં આજ સુધી એકપણ કોન્ટ્રાકટરે ટેન્ડર ભર્યુ નથી. જેના લીધે ઇસ્ટઝોનના છ વોર્ડના તમામ રોડ રસ્તા અને મેટલીંગના કામો અટકી પડયા હોવાનું જાણવા મળેલ છે.
અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં મળેલ સ્ટેન્ડીંગ કમિટી બેઠકમા઼ ઇસ્ટ ઝોનનાં વોર્ડ નં. ૬માં એક ભૂગર્ભના કામ માટે ૧૬ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આમ એજન્સીને રસ નથી કે બીજુ કંઇ રંધાઇ રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે. (૪.૨૬)
(3:44 PM IST)










