તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
હેલ્મેટના કાળા કાયદામાંથી રાજકોટની પ્રજાને મુકિત આપો : ‘આપ'ની પોલીસ કમિશ્નર સમક્ષ રજુઆત
આડેધડ દંડ વસુલી ભાજપ સરકારની તિજોરી ભરવામાં રત પોલીસના કાળા કાયદાનો સવિનય કાનુન ભંગ કરીશું

રાજકોટ, તા., ૩૦: આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઇ જોષી તથા કાર્યકરો દ્વારા હેલ્મેટના કાળા કાયદાનો સખ્ત વિરોધ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર દ્વારા તા. ૮ સપ્ટેમ્બરથી શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવી ફરજીયાત કરવાનો ફતવો બહાર પાડયો છે જે ખરેખર અન્યાયી અને રાજકોટના વાહન ચાલકો માટ મુશ્કેલી ભર્યો સાબીત થઇ રહયો છે. માટે આ કાળો કાયદો રદ કરવો જોઇએ તેવી રજુઆત આજે પોલીસ કમિશ્નર કચેરી ખાતે કરવામાં આવી હતી અને જરૂર પડશે તો વિશાળ સંખ્યામાં સવિનય કાનૂન ભંગ સહિતના કાર્યક્રમ આપવા ચિમકી આપી હતી.
કાયદો લોકોની સુખાકારી માટે હોય પરંતુ હેલ્મેટનો કાળો કાયદો લોકોને અનેક મુશ્કેલીમાં મુકે તેવો છે. આથી હેલ્મેટનો કાળો કાયદો ફરજીયાત બનાવવો વ્યાજબી નથી. સામાન્ય મજુર વર્ગ દિવસ દરમિયાન કાળી મજુરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે તેની પાસેથી હેલ્મેટ ન પહેરવાના કારણે દંડ વસુલ કરવાની પોલીસની નિતિ યોગ્ય નથી.
શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે. જેના કારણે ચાર માસમાં ૨૦ જેટલા લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. આમ છતાં શહેરમાં ટ્રાફિક નિયમન કરાવવાના બદલે ટ્રાફિક પોલીસનો સ્ટાફ શહેરના પ્રવેશવાના તમામ માર્ગ પર આંતકવાદીને પકડવા ઉભા હોય તે રીતે કાર અને બાઇક ચાલકને સામાન્ય ભુલમાં હેરાન કરતા હોય છે. હાઇવે પર દંડની કાર્યવાહી કરતા ટ્રાફિકના પોલીસ સ્ટાફને શહેરમાં ટ્રાફિક નિયમન કરાવવામાં મુકવામાં આવે તો પણ ટ્રાફિકની સમસ્યા હળવી થઇ શકે તેમ છે. પરંતુ ટ્રાફિક પોલીસે તેના અધિકારીઓ દ્વારા દંડ વસુલ કરવાના ચોક્કસ ટાર્ગેટ સાથે ફરજ સોપવામાં આવતી હોવાથી ટ્રાફિક પોલીસનો સ્ટાફ હાઇવે પર દંડ વસુલીની કાર્યવાહી કરતા હોય છે.
ભાવનગર અને કુવાડવા હાઇવે પરના ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેરાનગતિ થતી હોવાની ફરિયાદ ઉઠતા પોલીસ કમિશનર દ્વારા દંડની રકમ ઓછી ન થઇ જાય તે માટે શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદા હેઠળ દંડ વસુલ કરવાનો ફતવો બહાર પાડયો છે. પોલીસ કમિશનરના ફતવાનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરીને સવિનય કાનૂન ભંગની લડત ચલાવશે.
પોલીસ કમિશનર દ્વારા ભારે વાહન પ્રવેશ પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામું માત્ર કાગળ પર જ હોય તેમ જણાય રહ્યું છે. જાહેરનામાનો ભંગ કરીને હનુમાન મઢી ચોકમાં ઘસી આવેલા ડમ્પરે કોલેજીયન યુવતીને કચડી નાખી છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો પ્રમાણિક રીતે અમલ કરાવવામાં આવ્યો હોત તો કોલેજીયન યુવતીએ જીવ ગુમાવવો પડયો ન હોત. તેમ છતાં હજી ભારે વાહનો ૧૫૦ ફુટ રીંગ રોડ તેમજ શહેરી વિસ્તારમાં ફરી રહ્યા છે. તે અટકાવી જાહેરનામાનો ચુસ્ત રીતે અમલ કરાવવાના બદલે હેલ્મેટના કાળા કાયદાને આગળ ધરીને દંડ વસુલીને લોકોના ખિસ્સા ખંખેરી ભાજપ સરકારની તિજોરીમાં દરરોજ લાખોની રકમ જમા કરાવી ભાજપના નેતાઓને વ્હાલા થવા માટે જ પોલીસ કમિશનર દ્વારા હેલ્મેટનો કાયદો લાગુ કરવા અધિરા બન્યા હોય તેવું જણાય રહ્યું છે.
હેલ્મેટ પહેરી હોવા છતાં અનેક બાઇક ચાલકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. શહેરી વિસ્તારમાં બાઇક ૩૦થી વધુ સ્પીડે ચલાવી શકાય તેવી સ્થિતી નથી આટલી ઓછી સ્પીડ હોય તો બાઇક ચાલકને હેલ્મેટ પહેરવાની જરૂર નથી પરંતુ ભારે વાહનને શહેરમાં પ્રવેશ કરતા અટકાવવાની જરૂર છે. યોગ્ય પાર્કીંગ અને ટ્રાફિક નિયમન ન થવાના કારણે જ શહેરના તમામ ચોકમાં ટ્રાફિક જામની સમસ્યા રોજીંદી બની છે. આમ છતા તેના ઉકેલ લાવવાના બદલે હેલ્મેટના કાયદાને મહત્વ આપવા પાછળ ભાજપ સરકારની તિજોરી ભરવાનો ઉદેશ હોય તેવું જણાય રહ્યું છે, જે કાયદો લોકોને મુશ્કેલી થતી હોય તે કાયદાને માન ન આપવું જોઇએ તે સર્વવિદીત છે. સવિનય કાનૂન ભંગની લડત સમયે પણ મહાત્મા ગાંધી દ્વારા જાહેર કરાયું હતું. તેમ અમો આમ આદમી પાર્ટી પણ લોકોને અન્યાયી અને મુશ્કેલી સમાન હેલ્મેટના કાયદાને માન નહી આપી અને હેલ્મેટના કાયદાનો બહિષ્કાર કરીએ છીએ.
(3:48 PM IST)










