<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

વિવેકાનંદનગરના કિરણભાઇને વ્‍યાજ માટે વિનુએ ફટકારી બળજબરીથી ચાર લાખ પડાવી લીધા

ત્રણ વર્ષ પહેલા ૧૦ ટકે ૧ લાખ લઇ નિયમીત દર મહિને ૧૦-૧૦ હજાર ભર્યા છતાં વધુ ૨.૬૫ લાખ માંગ્‍યા : મોરબી રોડ પર રહેતો ઇમિટેશનનો કારખાનેદાર મારકુટ કરી રોકડ લઇ ભાગી ગયોઃ ભક્‍તિનગર પોલીસે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં આધેડની ફરિયાદ પરથી મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ફરિયાદ દાખલ કર્રી

 

રાજકોટ તા. ૩૦: વ્‍યાજખોરીનો વધુ એક બનાવ નોંધાયો છે. જેમાં કોઠારીયા રોડ પર રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં આધેડે ત્રણ વર્ષ પહેલા ૧૦ ટકે લીધેલા ૧ લાખ સામે દર મહિને ૧૦ હજાર નિયમીત વ્‍યાજ ભરવાનું ચાલુ રાખ્‍યુ હોવા છતાં વ્‍યાજે આપનારે ઘરે આવી હજુ વધુ ૨,૬૫,૦૦૦ તારે આપવાના છે તેમ કહી મારકુટ કરી તેની પાસેથી ૪ લાખ બળજબરીથી કઢાવીને પડાવી ગયો હતો. આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે કોઠારીયા રોડ વિવેકાનંદ સોસાયટી-૧માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં કિરણભાઇ કાંતિભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી વિનુ કાંબલીયા વિરૂધ્‍ધ મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે.

કિરણભાઇએ જણાવ્‍યું છે કે મારે પત્‍નિ સાથે અણબનાવ હોઇ તેણી મારા બાળકો સાથે પાંચેક વર્ષથી અમદાવાદ તેના માતા-પિતાના ઘરે રહે છે. ચારેક વર્ષ પહેલા હું મોરબી રોડ જુના જકાતનાકા પાસે બેસતો ત્‍યારે વિનોદ સાથે ચાની હોટલે ઓળખાણ થઇ હતી. અવાર-નવાર ચા પીવા આવતાં હોઇ જેથી અમે બંને ત્‍યાં ભેગા થતાં હતાં. મેં તેના મોબાઇલ નંબર પણ લીધા હતાં. વિનોદને મોરબી રોડ જકાતનાકા પાસે ઇમિટેશનનું કારખાનુ છે. ત્રણેક વર્ષ પહેલા મારે એક લાખ રૂપિયાની જરૂર પડતાં મેં વિનોદને વાત કરતાં તેણે કહેલુ કે પૈસા તો તને આપુ પણ દર મહિને ૧૦ હજાર વ્‍યાજ આપવું પડશે. જેથી મેં હા પાડી હતી. એ પછી સંત કબીર રોડ પર તેણે મને ૯૦ હજાર આપી કહેલુ કે ૧૦ હજાર વ્‍યાજના કાપી લીધા છે.

એ પછી હું નિયમીત રૂા. ૧૦ હજાર લેખે દર મહિને વ્‍યાજ આપતો હતો. વિનુએ મારી પાસે સિક્‍યુરીટી પેટે બેંકના બે ચેક પણ લીધા હતાં. તે વ્‍યાજવટાવનું કરતો હોવાની મને પછી ખબર પડી હતી. બાદમાં તે મારા ઘરે પણ આવતો જતો હતો. ૨૯/૭ના રોજ સાંજે છએક વાગ્‍યે વિનુ તેની કાર લઇને મારા ઘરે આવ્‍યો હતો. આ વખતે હું એકલો જ હતો. તેણે આવીને મને કહેલુ કે તારે હજુ મને ૨,૬૫,૦૦૦ આપવાના છે. જેથી મેં કહેલું કે મેં ૧ લાખ જ વ્‍યાજે લીધા હતાં અને તેના પણ દર મહિને નિયમીત ૧૦-૧૦ હજાર આપુ જ છું. આ સાંભળી વિનુએ ઉશ્‍કેરાઇ જઇ કહેલુ કે તારી પાસે કેટલા રૂપિયા છે તેમ કહી બળજબરીથી મારી પાસે ૪ લાખ પડયા હોઇ તે કઢાવી લીધા હતાં અને મારકુટ કરી મને પછાડી ભાગી ગયો હતો. મને પડી જવાને કારણે કપાળે ઇજા થઇ હતી.

બાદમાં મેં મિત્રને ફોન કર્યો હતો અને મારે માથાકુટ થઇ છે, ઇજા થઇ છે હું હોસ્‍પિટલે જાઉ છું તેમ કહી હોસ્‍પિટલે જતાં મારા મિત્ર ગિરીરાજસિંહ પણ બાદમાં આવી ગયા હતાં. સારવાર બાદ મને રજા અપાઇ પછી મેં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્રણ વર્ષ પહેલા એક લાખ લીધા તેના દસ-દસ હજાર વ્‍યાજના નિયમીત ચુકવ્‍યા છે છતાં વધુ ૨,૬૫,૦૦૦ માંગી વિનુ બળજબરીથી મારી પાસેથી ૪ લાખ પડાવીને ભાગી ગયો હતો. તેમ વધુમાં કિરણભાઇએ કહેતાં પીઆઇ મયુરધ્‍વજસિેંહ સરવૈયાની રાહબરીમાં એએસઆઇ એચ. કે. ડાંગરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:55 PM IST)