તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
ચોરી અટકાવવામાં નિષ્ફળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિકયુરીટીનું ધ્યાન ફુલ-છોડ ઉપર કેન્દ્રીત
સત્તાવાર પરીપત્ર કે સુચનાને બદલે મનસ્વી રીતે વર્તતી સિકયોરીટી સામે રોષ : કોઇ પરીપત્ર થયો નથી, સુચારૃ વ્યવસ્થા માટે સીકયુરીટીને માર્ગદર્શન કરાશેઃ કુલપતિ ઉત્પલ જોષી

રાજકોટ, તા., ૨૯: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર મહિને લાખો રૃપીયાનો ખર્ચ સીસીટીવી કેમેરા તેમજ સિકયુરીટી પાછળ કરે છે છતાં ગેરરીતી કે ચોરી અટકવાનું નામ નથી લેતી. હજારો વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સુરક્ષાની અનુભુતી કરાવવાને બદલે સિકયુરીટી અન્ય કામમાં વ્યસ્ત જોવા મળે છે.
જાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી લાખો રૃપીયાની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું છે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૃની બોટલ મળવી, વિદ્યાર્થીનીઓની છેડતી, ગમે ત્યાં લઘુશંકા કરતા વ્યકિતઓથી છાત્રાઓ પરેશાન છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધીશો દ્વારા કોઇ નકકર સુચના ન આપતા અનેક પ્રશ્નો ઉભા થઇ રહયા છે.
હાલ વરસાદી માહોલમાં પ્રકૃતિ પુર્ણ રૃપે ખીલી છે ત્યારે ફુલ-છોડથી વાતાવરણ ભવ્ય અને કુદરતની અનન્ય કૃપા વરસી રહી છે. ત્યારે કેટલાક સિનીયર સીટીઝનો કે નાના ભુલકાઓ ફુલ લેતા હોય છે.
આજ સવારથી કેટલાક સિકયુરીટી પોઇન્ટ ઉપર ફુલ તોડવાની મનાઇ હોવાનું ગાર્ડ જણાવતા હતા. પરંતુ આ અંગે ખરાઇ કરતા રજીસ્ટ્રાર શ્રી રમેશભાઇ પરમાર કે કુલપતિ શ્રી ઉત્પલભાઇ જોષીએ કોઇ પરિપત્ર કર્યો ન હોવાનું જણાવ્યું છે.
કુલપતિ ડો.ઉત્પલભાઇ જોષીએ જણાવ્યું છે કે, આવો કોઇ પરિપત્ર યુનિવર્સિટીએ કર્યો નથી. સિકયુરીટીની સુચારૃ વ્યવસ્થા માટે જરૃરી માર્ગદર્શન આપવામાં આવશે.
(2:58 PM IST)










