તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
૧૯૭૧ના યુદ્ધના યોદ્ધા વનરાજાસિંહ ઝાલાનું કારગિલ વિજય દિવસે સન્માન: યુદ્ધના દિવસો કયારેય ભુલાતા નથી

રાજકોટ: ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાડનાર ભારતીય લશ્કરના નિવૃત્ત આર્મી જવાન વનરાજાસિહ ઝાલાનું કારગિલ વિજય દિવસ નિમિત્તે રાજકોટ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. મૂળ સુરેન્દ્રનગરના ખાટડી ગામના વતની અને હાલ રાજકોટ નિવાસી વનરાજાસિહ ઝાલાએ પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, કોઈ પણ સેનાનો જવાન યુદ્ધના સમય અને સ્થિતિને પોતાના જીવનમાં કયારેય ભૂલી શકતો નથી.
દર વર્ષે ૨૬ જુલાઈના રોજ કારગિલ યુદ્ધમાં સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોના માનમાં કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ દ્વારા વનરાજાસિહ ઝાલાના શૌર્યને બિરદાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર પ્રમુખ માધવભાઈ દવે, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેરના મહામંત્રી વિરેન્દ્રસિહ ઝાલા, પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ, રાજકોટ શહેર ઉપપ્રમુખ રાજદીપસિહ જાડેજા, વોર્ડ નં ૧૨ના કોર્પોરેટરો મગનભાઈ સોરઠીયા અને મિતલબેન લાઠીયા, તેમજ રાજકોટ શહેર યુવા ભાજપના મહામંત્રી સહિતના આગેવાનો, કાર્યકરો અને પુનિતનગર વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૧૯૭૧નું યુદ્ધઃ એક ઐતિહાસિક વિજયઃ વર્ષ ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ ભારતીય ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ છે, જેના પરિણામે બાંગ્લાદેશનો જન્મ થયો. આ મહાયુદ્ધ ૩ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ શરૃ થયું અને માત્ર ૧૩ દિવસમાં, ૧૬ ડિસેમ્બરના રોજ પાકિસ્તાની સેનાના આત્મસમર્પણ સાથે સમાપ્ત થયું. આ ઐતિહાસિક વિજય ભારતીય સશસ્ત્ર્ દળો સેના, વાયુસેના અને નૌસેના ની અદમ્ય શકિત અને પ્રગતિનો પર્યાય બન્યો. ત્યારથી આ દિવસને ભારત અને બાંગ્લાદેશ બંનેમાં 'વિજય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
વનરાજાસિહ ઝાલાના યુદ્ધના સંસ્મરણોઃ ૧૯૭૧ના યુદ્ધમાં પોતાની ફરજ બજાવનાર વનરાજાસિહ ઝાલાએ તે સમયની ભયાવહ પરિસ્થિતિ યાદ કરતા જણાવ્યું કે, હું જ્યારે ૧૯૭૧ના યુદ્ધનો હિસ્સો હતો, ત્યારે અમે અને સેનામાં મારી સાથેના આર્મી જવાનોએ ભારતને જીત અપાવી પાકિસ્તાનને પછાડ્યું હતું. તેમણે તે સમયની પડકારજનક સ્થિતિ પર પ્રકાશ પાડતા કહ્યું કે, તે સમયે મોબાઈલ જેવા સંપર્ક સાધનો નહોતા. ત્યારે અમારા પરિવારજનો દિવસો સુધી અમારી સાથે સંપર્ક નહોતા કરી શકતા. ત્યારે અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે કે આર્મીના જવાનોના પરિવાર ઉપર શું વીતતી હશે, તેમ તેમણે ઉમેર્યું.વનરાજાસિહ ઝાલા જેવા વીર જવાનોના બલિદાન અને શૌર્યને યાદ કરવા અને સન્માનિત કરવા આવા કાર્યક્રમો અત્યંત પ્રેરણાદાયક છે.
(2:17 PM IST)










