<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

કાનો ટિકીટ અને હકો કડી એક વર્ષથી વેંચતા હતાં એમડીઃ દૂકાને બેસતાં અને ઓર્ડર મળે એટલે ડિલીવરી કરી આવતાં

શહેર એસઓજીએ ઝડપી લીધેલા ૩૦.૩૬ લાખના મેફેડ્રોનની તપાસ ડીસીબી પીઆઇ એમ. એલ. ડામોરે શરૂ કરી : કાથો-ટેલકમ પાવડર ભેળવેલી પડીકી સસ્‍તામાં નવા ગ્રાહકોને ધાબડી દેતાં: જુના જાણીતા ગ્રાહકોને પ્‍યોરમાલ આપતાં: ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ ધાસુરાની ટીમની કાર્યવાહી રેલનગરમાંથી : એસઓજીએ પકડાયેલી ‘ડ્રગ્‍સની દૂકાન'નું પગેરૂ રાજસ્‍થાન-પ્રતાપગઢ તરફ ૯ ગુનામાં સામેલ રણજીત ઉર્ફ કાનો ટિકીટને દબોચવા સાત માસથી વોચ રખાઇ હતીઃ એએસઆઇ ઇન્‍દ્રસિંહ જાડેજા, હેડકોન્‍સ. ફિરોઝભાઇ રાઠોડ, દિગ્‍વીજયસિંહ ગોહિલ, કોન્‍સ. હાર્દિકસિંહ પરમારની બાતમીથી સફળતા

 

 

રાજકોટ તા. ૨૯: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીને ડામવા નોંધપાત્ર કામગીરી કરી કરી છે. નવેક ગુનાઓમાં સામેલ અને છ વખત પાસાની હવા ખાઇ ચુકેલા કોઠારીયા રોડ વિસ્‍તારના નામચીન રણજીત ઉર્ફ કાનો ટિકીટ અને હિતેન્‍દ્રસિંહ ઉર્ફ કડીએ રેલનગરમાં એક દૂકાન ભાડે રાખી ત્‍યાં બેઠા બેઠા ઓર્ડર મુજબ માદક પદાર્થ એમડી વેંચવાનું ચાલુ કર્યુ હતું. શહેર એસઓજી બાતમી પરથી દરોડો પાડી આ બંનેને રૂા. ૩૦.૩૬ લાખના એમડી-મેફેડ્રોન ડ્રગ્‍સ સાથે ઝડપી લીધા છે. ડ્રગ્‍સની આ દૂકાનનું પગેરૂ હવે રાજસ્‍થાનના પ્રતાપગઢ તરફ નીકળ્‍યું છે. ત્‍યાંનો શખ્‍સ રાજકોટ આવી પાંચથી છ વખત ડ્રગ્‍સ આપી ગયાનું સામે આવતાં હવે આગળની તપાસ ડીસીબી પીઆઇ એમ. એલ. ડામોર અને ટીમે હાથ ધરી આ બંનેના રિમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. એકાદ વર્ષથી આ બંને બંધાણીઓને પડીકીઓ વેંચતા હોવાની વિગતો ખુલી છે.

કામગીરીની વિગતો જણાવતાં ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે શહેર વિસ્‍તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા ‘સે નો ટુ ડ્રગ્‍સ' મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્‍સો વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવા સુચના આપી હોઈ તે અંતર્ગત એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ ઇન્‍દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, હેડકોન્‍સ. દિગ્‍વિજયસિંહ ગોહિલ તથા કોન્‍સ. હાર્દિકસિંહ પરમારની સંયુકત બાતમી આધારે રેલનગર ૮૦ ફુટ મેઇન રોડ ગુલમહોર પ્‍લાઝા શોપ નં.૧૦૬ ખાતેથી માદક પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્‍થા સાથે  બે શખ્‍સને પકડી  લેવાયા હતાં. આ બંને પાસેથી રૂ. ૩૦,૩૬,૩૦૦ની કિંમતનું ૩૦૩.૯૩ ગ્રામ એમડી મળી આવ્‍યું હતું. ડ્રગ્‍સ તેમજ મોબાઇલ ફોન, રોકડા રૂપીયા, વજન કાંટો મળી કુલ રૂપીયા ૩૦,૫૩,૦૫૦નો મુદ્દામાલ કબ્‍જે કરી રણજીત ઉર્ફે કાનો ઉર્ફ ટીકીટ અરવિંદભાઇ ગોહેલ (ઉ.વ.૩૪ રહે- આનંદ નગર બ્‍લોક નં.૭ ક્‍વાર્ટર નં.૮૭ કોઠારીયા મેઈન રોડ રાજકોટ) તથા હિતેન્‍દ્રસિંહ ઉર્ફે હકો કડી ભુપતસિંહ જાડેજા (ઉ.વ.૩૨ રહે- સફર એપાર્ટમેન્‍ટ બી-વિંગ બ્‍લોક નં.૫૦૬ સનરાઇઝ સ્‍કુલની સામે રેલનગર રાજકોટ)ની ધરપકડ કરવામાં આવી હતી.

રણજિત ઉર્ફે કાનો ટીકીટ નામચીનની છાપ ધરાવે છે અને દારૂ, મારામારી, હત્‍યાની કોશિશ સહિત ૯ ગુનામાં સંડોવાઈ ચુકયો છે અને ૬ વખત પાસાની હવા ખાઈ ચુકયો છે. જ્‍યારે હિતેન્‍દ્રસિંહ ઉર્ફ હકો મારામારી, આર્મ્‍સ એક્‍ટ સહિત ૩ ગુનામાં પોલીસ ચોપડે ચડ્‍યો છે તથા એક વખત પાસાની હવા ખાધી છે. રાજસ્‍થાન તરફથી લાવ્‍યાનુ આ બંનેએ રટણ કર્યું હતું. આ અંગે પ્રધ્‍યુમનનગર પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વધુ તપાસ માટે આરોપીઓનો કબ્‍જો ડીસીપી પીઆઇ એમ. એલ. ડામોરે મેળવી બંનેના રિમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ કાનો ટિકીટ અને હિતેન્‍દ્રસિંહ ઉર્ફ કડીએ સાથે મળી એકાદ વર્ષથી ડ્રગ્‍સનો વેપલો ચાલુ કર્યો હતો. અગાઉ ટિકીટની પ્રેમિકા પણ ડ્રગ્‍સમાં ઝડપાઇ હતી. તે રાજસ્‍થાનના પ્રતાપગઢથી આ પદાર્થ લાવતી હતી, હવે કાનો ટિકીટ પણ ત્‍યાંના શખ્‍સ પાસેથી જ એમડી મેળવતો હતોં અને ફોન કરે ત્‍યાં સુત્રધારનો માણસ રાજકોટ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે આવી માલ આપી જતો હતો. તે નવા ગ્રાહકો-બંધાણીઓને કાથો-ટેલ્‍કમ પાવડર ભેળવેલુ એમડી સસ્‍તામાં એટલે કે ૧૮૦૦ કે ૨૦૦૦ લેખે પડીકી મુજબ વેંચતો હતો, જ્‍યારે જુના જાણીતા ગ્રાહકોને પ્‍યોર માલ મોંઘા ભાવે આપતો હોવાનું પણ ચર્ચાય છે. પોલીસ આવા બંધાણીઓને પણ શોધી રહી છે. તપાસનો દોર વધુ એક વખત રાજસ્‍થાન તરફ લંબાવાશે.

શહેરના પોલીસ કમિ‘ર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિ‘ર મહેન્‍દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિ‘ર ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિ‘ર ભરત બી. બસીયાની સૂચના હેઠળ પોલીસ ઈન્‍સપેક્‍ટર સંજયસિંહ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્‍સ. એસ.બી.ધાસુરા તથા એ.એસ.આઇ. ઇન્‍દ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઇ રાઠોડ તથા અરૂણભાઇ બાંભણીયા તથા વિરેન્‍દ્રસિંહ ઝાલા તથા રાજેશભાઈ બાળા તથા પો.હેડ કોન્‍સ. મૌલિકભાઈ સાવલીયા તથા દિગ્‍વિજયસિંહ ગોહીલ તથા ઉપેન્‍દ્રસિંહ ઝાલા તથા હરદેવસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. હાર્દિકસિંહ પરમાર તથા યોગેન્‍દ્રસિંહ ઝાલા તથા હરદેવસિંહ વાળા તથા મહિલા પો.કોન્‍સ. મોનાબેન બુસા તથા ડ્રા. પો.કોન્‍સ. મહાવિરસિંહ જાડેજા તથા દિવ્‍યરાજસિંહ રહેવરે આ કામગીરી કરી છે. માદક પદાર્થનું પ્રાથમીક પરીક્ષણ કરી અભિપ્રાય  એફએસએલ અધિકારી કે.એમ.તાવીયાએ આપ્‍યો હતો.

એસઓજીના સૂત્રોએ જણાવ્‍યું કે સુત્રધાર રણજીત ઉર્ફે કાનો ટિકિટ અગાઉ દારૂનો ધંધો કરતો હતો. હિસ્‍ટ્રીશીટર અને બુટલેગર તરીકે પંકાયેલો હતો. દારૂ બાદ  તેણે ડ્રગ્‍સના ધંધામાં ઝંપલાવ્‍યું હતું.  સાથોસાથ પોતે પણ ડ્રગ્‍સનો બંધાણી બની ગયો હતો. તેનો સાગરીત હિતેન્‍દ્રસિંહ  ડ્રગ્‍સનો બંધાણી બન્‍યા બાદ તેનો કેરીઅર બની ગયો હતો.  જે ૩૦૩.૯૩  ગ્રામનો એમડીનો જથ્‍થો પકડાયો છે તે પાંચેક દિવસ પહેલા જ રાજસ્‍થાનના સપ્‍લાયરનો ડિલીવરીમેન ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે તેને આપી ગયો હતો. હાલમાં તે પાંચથી છ વખત રાજસ્‍થાનથી ડ્રગ્‍સ મંગાવ્‍યાનું રટણ કરી રહ્યો છે. રાજસ્‍થાનનો સપ્‍લાયર પકડાયા બાદ ડ્રગ્‍સનું મોટું રેકેટ ખુલવાની સંભાવના છે.

(2:26 PM IST)