News of Tuesday, 29th July 2025
ગાયીકાના ભાઇને સારવારમાં ભારે વિલંબ થયો, નર્સિંગ સ્ટાફનું ઉધ્ધત વર્તનઃ ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ
રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદના વંટોળે ચડી ; મીરા આહિરનો આક્ષેપ-પિસ્તાલીસ મિનીટ સુધી ઇમર્જન્સીમાં ધ્યાન ન અપાયું: પછી અમે જાતે ચોથા માળે વોર્ડમાં લઇ ગયા ત્યાં ભારે અપમાનીત ભાષાનો ઉપયોગ: દર્દીના બહેને ઇમર્જન્સી કોને કહેવાય? એવું પુછતાં કહેવાયું-જવા દે તું અહિથી!

રાજકોટ તા. ૨૯: રાજકોટ સહિત સોૈરાષ્ટ્રભરના દર્દીઓ જ્યાં સારવાર માટે આવે છે તે સિવિલ હોસ્પિટલ અવાર-નવાર કોઇને કોઇ કારણે ચર્ચાના ચકડોળે ચડતી રહે છે. થોડા સમય પહેલા લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ પોતાના એક સગાને સારવાર માટે અહિ લાવ્યા ત્યારે કેવો કડવો અનુભવ થયો તેની વાત વિડીયો સ્વરૂપે રજૂ કરી તંત્ર પર આક્ષેપો કર્યા હતાં. હવે ફરી એકવાર સિવિલ હોસ્પિટલ વિવાદના વમળમાં આવી છે. ગાયીકા અને લોક સાહિત્યકાર મીરાબેન આહિરને પણ સિવિલ હોસ્પિટલના અણઘડ વહીવટ અને બેદરકાર સ્ટાફનો ભોગ બનવું પડ્યું છે. મીરાબેન આહિરે સિવિલ હોસ્પિટલ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો છે. જેમાં સ્ટાફ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
ગાયીકા મીરાબેન આહિરે વહેતા કરેલા વીડિયોમાં જણાવ્યું છે કે હું મારા ભાઇને એક્ટીવા સ્લીપ થઇ જતાં ઇજા થવાને કારણે સિવિલ હોસ્પિટલમાં લઇને પહોંચી હતી. અહિ ઇમર્જન્સી વિભાગમાં અમને લગભગ ૪૫ મિનીટ સુધી રાહ જોવડાવાઇ હતી. અહિ કોઇપણ સ્ટાફ દ્વારા મારા ભાઇનો કેસ લખવામાં આવ્યો નહોતો. એ પછી અમારો સમય થઇ ગયો, અમારો જમવાનો સમય થઇ ગયો છે તેમ કહેવાતાં અમે જાતે જ અમારા ભાઇને ચોથા માળે લઇ ગયા હતાં. અહિ વોર્ડમાં પણ મેડમ દ્વારા જેવા તેવા શબ્દો વાપરવામાં આવ્યા હતાં અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો હતો. સામાન્ય લોકો સાથે સ્ટાફ આવુ વર્તન કરે તો ગરીબ લોકો ક્યાં જાય? અહિનો સ્ટાફ પબ્લીકની સેવા માટે છે કે કેમ? આ બાબતનો અમારે જવાબ જોઇએ છે. તારાથી જે થાય એ કરી લેૅ જેવા અયોગ્ય શબ્દો પણ કહેવામાં આવ્યા હતા. આ ઘટનાથી વ્યથિત થઈને મારે સોશિયલ મીડિયા પર વીડિયો મુક્વો પડયો છે.
આ વિડીયોઅ ને હોસ્પિટલ સ્ટાફ દ્વારા થયેલા કહેવાતા ગેરવર્તનની ભારે ચર્ચા જાગી છે અને મીરાબેનનો વિડીયો ખુબ વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. અગાઉ અનેક વખત સિવિલ હોસ્પિટલ તેની બેદરકારી અપૂરતી સુવિધાઓ, સ્ટાફના ગેરવર્તન જેવી બાબતે વિવાદો સામે આવી ચુક્યા છે. ત્યારે વધુ એકવાર આ પ્રકારની ઘટના સામે આવતા લોકોમાં પણ ચર્ચા જાગી છે. હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી ખરેખર શું બન્યું તેની તપાસ કરી જવાબદાર સામે દાખલારૂપ કાર્યવાહી કરશે તો ભવિષ્યમાં આવા કિસ્સાઓ નહિ બને તેમ લોકોનું કહેવું છે.
બીજો એક વિડીયો વાયરલ થયો છે તેમાં દર્દીના સગા વોર્ડમાં ફરજ પર રહેલા નર્સને પુછી રહ્યા છે કે-ઇમર્જન્સી કોને કહેવાય તે કહો, ઇમર્જન્સી કોને કહેવાય? ઇમર્જન્સી માટે દસ કલાક રાહ જોવાની? તેવું પુછતાં નર્સ દ્વારા તું આવી એને દસ કલાક થઇ પહેલા? એવુ સામે પુછે છે પછી બંને પક્ષ વચ્ચે દેકારો મચી જાય છે. આ વખતે નર્સ સિક્યુરીટીને બોલાવાનું કહે છે. સિક્યુરીટી પણ વિડીયોમાં દેખાય છે. બીજી તરફ દર્દીના સગા અને નર્સ વચ્ચે સતત ઉગ્ર બોલાચાલી થતી રહે છે અને હજી મોડુ થશે એવુ નર્સ દ્વારા કહેવાતું સંભળાય છે. આ પછી પણ ભારે ઉગ્ર બોલાચાલી થઇ રહી છે. તું અહિથી જવા દે જેવા શબ્દો પણ બોલવામાં આવી રહ્યા છે. અન્ય એક વિડીયોમાં વૈશાલીબેન આહિર પણ પોતાના ભાઇની સારવારમાં સિવિલ હોસ્પિટલમાં કેવી બેદરકારી દાખવાવમાં આવી અને કેવું વર્તન સ્ટાફ દ્વારા થયું? તેની વાત કરવામાં આવી રહી છે. આ બનાવ સંદર્ભે તબિબી અધિક્ષક દ્વારા તપાસ શરૂ કરાવવામાં આવી છે.
(11:36 AM IST)










