તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
શહેરમાં હેલ્મેટ ફરજીયાત મામલે પુનઃ વિચારણા કરો : એડવોકેટ લાબડીયા

રાજકોટ, તા. ર૮ : રાજકોટ શહેરમાં ટુ-વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવો ફરજિયાત કરવો એ ટેકનિકલી રીતે અને વ્યવહારુ રીતે પણ કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી. તેમ યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયાએ જણાવ્યું છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા એટલી બધી વિકરાળ છે કે ટુ-વ્હીલર વાળા પોતાનું વાહન સ્પીડથી ચલાવી જ ન શકે! આવા સંજોગોમાં જ્યાં વાહનની સ્પીડ જ ન હોય ત્યાં હેલ્મેટ પહેરવાનો કોઈ અર્થ જ રહેતો નથી!! વળી, ટુ વ્હીલરની પાછળ બેસનારે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવો એ જરા વધુ પડતું જણાય છે. કોઈ રસ્તામાં મળી જાય અને ટુ વ્હીલરમાં બેસવાનો પ્રસંગ આવે તો શું કરવું! રસ્તામાં ચાલનારાએ કે ટુ વ્હીલર વાળાએ એક્સ્ટ્રા હેલ્મેટ સાથે રાખવા?! આ પહેલાં પણ નાગરિકો દ્વારા ઘણી વખત સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે કે હેલ્મેટ પહેર્યા પછી ઉલ્ટાનો એક્સિડન્ટ થવાનો ભય વધી જાય છે કારણ કે હેલ્મેટ પહેર્યા પછી આજુબાજુમાં જોઈ શકાતું નથી. એ ઉપરાંત હેલ્મેટ પહેર્યા પછી ચોરી ચપાટી અને ચેન ખેંચવાના બનાવો પણ વધવા પામે છે. કોર્ટ કચેરી, કલેકટર કચેરી અને બહુમાળી ભવન, મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત વગેરે કચેરીઓમાં મોટી સંખ્યામાં લોકો અને અરજદારો કામકાજ અર્થે જતા હોય છે આટલી વિશાળ સંખ્યામાં આવતા અરજદારોને આટલી બધી વિશાળ સંખ્યામાં હેલ્મેટની રાખવાની જગ્યા મળવી મુશ્કેલ થાય ઉપરાંત આટલા બધા હેલ્મેટ કયાં રાખવા એ પણ મોટી સમસ્યાનો વિષય બની રહે.
આ બાબતને લક્ષમાં લઈ પુખ્ત વિચારણા કરીને યોગ્ય અને વ્યવહારુ ઉકેલ કાઢશે અને શહેરના સુજ્ઞ નાગરિકો સહકાર આપશે. લોકો માટે કાયદો હોવો જોઈએ, કાયદા માટે લોકો નહીં તેમ યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયાએ અંતમાં જણાવ્યું છે.
(4:38 PM IST)










