<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

લાખાજીરાજ રોડના વેપારીઓ ત્રાહીમામ : ગુરૂવારે સાંગણવા ચોકમાં ધરણા-પ્રદર્શન

કોર્પોરેશનમાં ૪-પ કમિશનરો બદલાયા પણ પાથરણાવાળાની કનડગત યથાવત : કલેકટરને આવેદન અપાશે : વિસ્‍તારના ર૦૦ થી ૩૦૦ વેપારીઓ દુકાનો રોષપુર્ણ બંધ રાખશે : કાયમી ઉકેલની માંગ

રાજકોટ, તા.૨૮: શહેરના જુના વિસ્‍તાર લાખાજી રોડ ખાતે વેપારીઓ પાથરણાવાળાના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. દુકાનની આગળ જગ્‍યા ન રાખવી,પાર્કીગ ન કરવા દેવુ, અભદ્ર વર્તન-ભાષાનો ઉપયોગ,મારા મારી સહિતના મુદ્‌ે અનેકવાર તંત્રવાહકોને રજૂઆત કરવા છતાં કોઇ નિવેડો ન આવતા અને ગત અઠવાડિયે એક વેપારી સાથે થયેલ મારામારીને લઇને વેપારીઓમાં રોષ વ્‍યાપી ગયો છે.

લાખાજીરાજના ૨૦૦-૩૦૦ વેપારી ઓની કાયમી ઉકેલની માંગ સાથે ગુરૂવારે તા.૩૧ના રોજ દુકાનો બંધ રાખી ધરણા  પ્રદર્શન કરનાર હોવાનું જાણવા મળ્‍યું છે. પાથરણાવાળાના ત્રાસથી પ્રથમવાર ધરણાનો કાર્યક્રમ વેપારીઓ દ્વારા આપવામાં આવનાર છે.

વેપારીઓએ જણાવેલ કે, પાથરણા વાળાની કનડગતથી કંટાળી અમે અનેક વખત રજૂઆત કરી છે.કોર્પોરેશનમાં૪થી૫ કમિશનરો બદલાઇ ગયા છે છતા અમારી સમસ્‍યાનો કોઇ કાયમી ઉકેલ આવ્‍યો નથી. જેથી હવે તમામ વેપારીઓ, દુકાનો રોષપૂર્ણ બંધ રાખી સાંગણવા ચોકમાં ધરણા યોજીશું અને ત્‍યારબાદ કલેકટરને અમને આ ત્રાસમાંથી કાયમી મુકત કરાવવા રજૂઆત કરીશું.

તેમણે વધુમાં ઉમેરેલ કે, અમારી સાથે ધારાસભ્‍યો પણ ટેકામાં છે અને તેઓ રજૂઆતમાં જોડાવાના છે. અમારીઆ તકલીફનું કાયમી સમાધાન થાય તે દીશામાં વેપારીઓ દ્વારા આવેદન પાઠવાશેનું જણાવ્‍યું હતું.

દુકાનોમાંથી ખરીદી કરવા લાગતાં આ લોકો ફરી વખત લાખાજીરાજ રોડ પર ડેરા તંબુ તાણી બેસી ગયા હતાં અને વેપારીઓએ તેનો વિરોધ કરતાં અમુક માથાભારે પાથરણાવાળાઓએ ગાળાગાળી કરી વેપારીઓ સાથે માથાકુટ કર્યા બાદ મારામારી કરી હોવાના સીસીટીવી ફુટેજ પણ વેપારી એસોસીએશને રજૂ કર્યા હતાં. છતાં મનપાના જગ્‍યા રોકાણ વિભાગ દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી ન થતાં અનેં આજે સવારે વેપારીઓ સાથે ફરી પાથરવાળાની માથાકુટ થતાં અંતે એસોસીએશને આગામી ગુરૂવારના રોજ બંધનું એલાન આપી ધરણા યોજી કલેકટરને આવેદન પાઠવવાની ચીમકી ઉચ્‍ચારતાં તંત્રમાં દોડધામ વ્‍યાપી ગઈ હોવાનું જાણવા મળેલ છે.

વર્ષો જુની લાખાજીરાજ માર્કેટમાં પાથરવાળાઓનો ત્રાસ પણ વર્ષો જુનો છે. મનપાના જગ્‍યા રોકાણ વિભાગની ગાડી દરરોજ દબાણ હટાવવા માટે નિયમિત જાય છે તેમજ અગાઉ મ્‍યુનિ.કમિશનરના આદેશ મુજબ દરરોજ ૩ વખત ચેકીંગ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. છતાં પાથરણાવાળાનો વાળ પણ વાંકો થતો નથી. જગ્‍યા રોકાણ વિભાગનાં જણાવ્‍યા મુજબ ચેકીંગ દરમિયાન પાથરણાવાળાઓ ત્‍યાંથી ખસી જતાં હોવાથી તેમની વિરૂધ્‍ધ કાર્યવાહી થઈ શકતી નથી. જેના લીધે વેપારીઓની સમસ્‍યા આજે પણ એ જ સ્‍થિતિમાં રહેલ હોય અંતે વેપારી એસોસીએશન દ્વારા ધરણા અને ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે.

(4:36 PM IST)