તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 27th July 2025
રાજકોટ શહેરમાં ભારે અને નાના માલવાહક વાહનો પર પ્રવેશબંધી : રેસકોર્ષ રીંગરોડ સહિતના વિસ્તારો માટે રાજકોટ શહેર પોલીસનું જાહેરનામું!
શહેરના ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા સવારના ૬ થી રાત્રીના ૯ વાગ્યા સુધી ભારે વાહનોને નો-એન્ટ્રી : રેસકોર્ષ રીંગરોડ પર સવારના ૫ થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી પ્રવેશબંધી : નાના વાહનો માટે પણ સમયમર્યાદા લાગુ

રાજકોટ : રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુચારુ બનાવવા અને નાગરિકોની સુવિધા માટે ભારે વાહન પ્રવેશબંધી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત રાજકોટ શહેરના વિવિધ વિસ્તારો અને માર્ગો પર ભારે તથા નાના માલવાહક વાહનોના પ્રવેશ અને અવર-જવર પર સમયમર્યાદા સાથે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેનું પાલન કરવું તમામ વાહનચાલકો માટે ફરજિયાત રહેશે.
માધાપર ચાર રસ્તાથી પુનિતનગર પાણીના ટાંકા સુધીના રસ્તા પર પણ નિયંત્રણો: જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે, વાહનચાલકોને સહયોગની અપીલ
રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર, શહેરના મુખ્ય વિસ્તારોમાં વાહનોની અવર-જવર પર નીચે મુજબના પ્રતિબંધો લાગુ પડશે:
૧. રાજકોટ શહેર મહાનગરપાલિકા વિસ્તારમાં:
* ભારે વાહનો માટે સવારના ૦૬:૦૦ વાગ્યાથી રાત્રીના ૦૯:૦૦ વાગ્યા સુધી પ્રવેશબંધી રહેશે અને આ સમયગાળા દરમિયાન અવર-જવર કરી શકશે નહીં.
૨. રેસકોર્ષ રીંગરોડ પર વિશેષ નિયંત્રણો:
* બહુમાળી ભવન ચોકથી પોલીસ હેડ કવાર્ટર સર્કલ, ન્યુ એન.સી.સી. ચોકથી કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન સુધીના માર્ગ ઉપર ભારે તેમજ નાના માલવાહક વાહનો (લાઈટ કોમર્શિયલ વ્હિકલ) માટે સવારના ૦૫:૦૦ વાગ્યાથી રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી પ્રવેશબંધી રહેશે અને અવર-જવર કરી શકશે નહીં.
૩. નાના માલવાહક વાહનો (લાઈટ કોમર્શિયલ વ્હિકલ) માટે શહેરના અન્ય વિસ્તારોમાં:
* સવારના ૦૯:૦૦ વાગ્યાથી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી તેમજ સાંજે ૦૫:૦૦ વાગ્યાથી રાત્રીના ૦૯:૦૦ વાગ્યા સુધી પ્રવેશબંધી રહેશે અને આ સમયગાળા દરમિયાન અવર-જવર કરી શકશે નહીં. અન્ય સમયે તેઓ અવર-જવર કરી શકશે.
૪. માધાપર ચાર રસ્તાથી પુનિતનગર પાણીના ટાંકા સુધીના રસ્તા પર:
* જામનગર રોડ પર માધાપર ચાર રસ્તાથી ૧૫૦ ફૂટ રીંગરોડ થઈને પુનિતનગર પાણીના ટાંકા સુધીનો રસ્તો ભારે વાહનો માટે સવારના ૦૭:૦૦ વાગ્યાથી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી તેમજ સાંજે ૦૫:૦૦ થી રાત્રીના ૦૯:૦૦ વાગ્યા સુધી પ્રવેશબંધી રહેશે અને અવર-જવર કરી શકશે નહીં. અન્ય સમયે આ વાહનો અવર-જવર કરી શકશે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ વાહનચાલકોને આ જાહેરનામાનું પાલન કરવા અને શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. આ નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(5:29 PM IST)










