<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

રાજકોટનો લોકમેળો ચર્ચાના એરણે ચડ્યો : સરકારી તંત્રના વિભાગો ખો આપવામાં વ્યસ્ત : રાઈડ સંચાલકો ચકડોળે ચડ્યા

સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યાંત્રિક રાઇડ સાથે યોજાઈ છે કે પછી યાંત્રિક રાઇડ વગર તેવું જોવું રહ્યું.

રાજકોટઃ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આગામી 14મી ઓગસ્ટથી 18મી ઓગસ્ટ સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે શરૂઆતથી જ લોકમેળો ચકડોળે ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ટીઆરપી ગેમ અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ યાંત્રિક રાઈડ સહિતના બાબતે એસઓપી તૈયાર કરવામાં આવી છે. જે એસઓપીનું પાલન ટેમ્પરરી લોકમેળામાં તેમજ પ્રાઇવેટ મેળામાં કરવું અશક્ય હોવાનું યાંત્રિક રાઈડના સંચાલકો ઘણા સમયથી કહી રહ્યા છે.

યાંત્રિક રાઈડના સંચાલકો દ્વારા ગાંધીનગર ખાતે રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા યાંત્રિક રાઇડ ઉભી કરતા સમયે ફાઉન્ડેશન બનાવવાની વાત હતી. તેમાં વૈકલ્પિક છૂટછાટ આપવામાં આવી છે. તેમજ બાકીના નિયમોમાં બાંધછોડ કરવી કે કેમ તેનો નિર્ણય સ્થાનિક તંત્ર પર છોડ્યો છે.

રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા યાંત્રિક રાઈડના સંચાલકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું. તેમજ જરૂરી ડોક્યુમેન્ટની જગ્યાએ સોગંદનામું, યાંત્રિક રાઇડનું ડ્રોઈંગ, એન્જિનિયરનું સર્ટિફિકેટ આપ્યા બાદ યાંત્રિક રાઈડની મંજૂરી મળી જશે તેવું મૌખિક રીતે જણાવ્યું હતું. જો કે, યાંત્રિક રાઈડના સંચાલકો દ્વારા જ્યારે R&Bના યાંત્રિક વિભાગ પાસે મંજૂરી લેવા ગયા ત્યારે R&Bના અધિકારીઓ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, હજુ સુધી કલેક્ટર તંત્ર દ્વારા અમને લેખિતમાં જાણ કરવામાં નથી આવી. તેમજ અગાઉ સરકાર દ્વારા બનાવવામાં આવેલી એસઓપીમાં સ્થાનિક કક્ષાએથી આપવામાં આવી છે, તે બાબતનો પરિપત્ર પણ જાહેર કરવામાં નથી આવ્યો.

આમ સરકારી તંત્રના એક વિભાગ દ્વારા બીજા વિભાગને ખો આપવામાં આવતા યાંત્રિક રાઇડના સંચાલકો હાલ ચકડોળે ચડ્યા હોઈ તેવું લાગી રહ્યું છે. ત્યારે આગમી સમયમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યાંત્રિક રાઇડ સાથે યોજાઈ છે કે પછી યાંત્રિક રાઇડ વગર તેવું જોવું રહ્યું.

(11:47 PM IST)