<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

રાજીવ મિશ્રા સાથે શેરબજારના નામે અડધા કરોડની ઠગાઇ

મેટોડાની કંપનીમાં માર્કેટીંગ ડિપાર્ટમેન્‍ટના કર્મચારીને વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં એડ કરી બમણા નફાની લાલચ અપાઇઃ ગ્રુપમાં નફાને લગતી માહિતી શેર થતી જોઇ રોકાણ કર્યુ હતું: પણ વિડ્રો કરવા જતાં પ્રોફેશનલ ફી માંગવામાં આવતાં છેતરાયાની ખબર પડી : નાના મવા રોડ સુવર્ણભુમિમાં રહેતાં નોકરીયાતે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવીઃ એક્‍સીસ સિક્‍યુરીટીઝ નામના વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં એડ કરી લિંક મોકલી એકાઉન્‍ટ ખોલાવડાવી રોકાણ કરી છેલ્લે ધૂંબો મારી દીધોઃ ૨૩ દિવસમાં ૭ વખત ટ્રાન્‍જેક્‍શન કરી કુલ ૪૯,૮૦,૦૦૦નું રોકાણ કરી દીધું: શેરની ખરીદી ક્‍યારે કરવી, ક્‍યારે વેંચવા તેની માહિતી આપનારે પોતાનું નામ મેઘલ શાહ ક્‍યું હતું: સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ બી. બી. જાડેજાએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૬: શેર બજારમાં કમાણીના નામે લોકોને છેતરી લેવાના સતત વધી ગયેલા બનાવો વચ્‍ચે રાજકોટના નાના મવા રોડ પર રહેતાં અને મેટોડાની કંપનીમાં ફરજ બજાવતાં વ્‍યક્‍તિ સાથે શેર બજારમાં રોકાણ કરી બમણો નફો મેળવવાની લાચ આપી રૂા. ૪૯,૮૦,૦૦૦ની ઠગાઇ કરવામાં આવી છે. આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે નાના મવા રોડ સ્‍પીડવેલ પાર્ટીપ્‍લોટ પાસે સુવર્ણભુમિ એપાર્ટમેન્‍ટ સી-૨, ૭૦૧ ખાતે રહેતાં રાજીવ પ્રમોદકુમાર મિશ્રા (ઉ.વ.૫૬)ની ફરિયાદ પરથી અલગ અલગ ત્રણ બેંક એકાઉન્‍ટના ધારકો સામે શેર બજારમાં રોકાણના નામે વધુ નફો આપવાની લાલચ આપી રોકાણ કરાવી રૂા. ૪૯,૮૦,૦૦૦ ટ્રાન્‍સફર કરાવડાવી ઠગાઇ કર્યાનો ગુનો નોંધ્‍યો છે.

રાજીવ મિશ્રા પરિવાર સાથે રહે છે અને મેટોડા જીઆઇડીસીમાં શિલ્‍પન સ્‍ટીલ કાસ્‍ટ પ્રા.લિ.માં ૨૦૧૭થી માર્કેટીંગ ડિપાર્ટમેન્‍ટમાં નોકરી કરે છે અને તેમણે એમબીએ સુધી અભ્‍યાસ કર્યો છે. તેમણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે ત્રણ મહિના પહેલા મારા વ્‍હોટ્‍સએપ નંબરને કોઇ અજાણી વ્‍યક્‍તિએ એક્‍સીસ સિક્‍યુરીટીઝ ગ્રુપ-ડબલ્‍યુ-૬ નામના વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં એડ કરી દીધો હતો. આ ગ્રુપમાં શેર માર્કેટમાં ટ્રેડીંગ બાબતે તેમજ બ્‍લોક ચેઇન, અઇપીઓ સહિતના ટ્રેડીંગની માહિતી શેર કરાવમા આવતી હતીે. મેં બે ત્રણ અઠવાડીયા માહિતી જોતાં તેમાં ગ્રુપ મેમ્‍બસર્સ પ્રોફીટ કરેલી બાબતોની માહિતી શેર કરતાં હતાં.

ત્‍યારબાદ વ્‍હોટ્‍સએપમાં ૯૭૭૭૬ ૫૦૩૮૬ નંબર ઉપરથી મને કોલ આવ્‍યો હતો અને ડોક્‍યુમેન્‍ટ માંગતા મેં અધાારકાર્ડ આપ્‍યું હતું. બાદમાં મને એક લિંક ઉપર મારા મોબાઇલ નંબરને આધારે એકાઉન્‍ટ બનાવી આપ્‍યું હતું. જેમાં મને નાણા ટ્રેડીંગ કરવા જણાવાયું હતું. જેમાં બે ગણો નફો મળશે તેવું કહેવાયું હતું. આ પછી મેં એક્‍સીસ ડાયરેક્‍ટ હોટલાઇન નામના વ્‍હોટ્‍સએપ ગ્રુપ મારફત શેર માર્કેટમાં ઇન્‍વેસ્‍ટ કરવા જણાવાયુ હતું. તેમજ નાણા જમા કરાવવા   માટે બેંક એકાઉન્‍ટની માહિતી અપાઇ હતી. એ પછી મેં નાણા આરટીજીએસથી જમા કરાવી તેનો સ્‍ક્રીનશોટ વ્‍હોટ્‍સએપ નંબર ઉપર મોકતાં ટ્રાન્‍જેક્‍શનની રકમ મુજબના નાણા મને એક્‍સીસએડવાન્‍સ્‍ડબ્રોકર્સ નામની લિંકમાં બનાવેલા મારા એકાઉન્‍ટમાં જમા થઇ જતાં હતાં.આ પછી મોબાઇલ નંબર ૮૪૦૧૯ ૯૩૦૭૯ના ધારકે મને વ્‍હોટ્‍સએપ તથા મેસેજ કરી ટ્રેડીંગ કરવા માટે કયા શેર ખરીદ કરવાના છે તેમજ ક્‍યારે વેંચવાના છે તેની માહિતી આપી લિંક ઉપરના મારા એકાઉન્‍ટમાં ટ્રેડીંગ કરવા માટે મને એક કોડ આપતા હતાં. જે કોડને આધારે જ એપ્‍લાય કરી શેરની ખરીદી કરી શકાતી હતી. આ તમામ માહિતી વ્‍હોટ્‍સએપ ઉપર જ અપાતી હતી. આ વ્‍યક્‍તિએ પોતાનું નામ મેઘલ શાહ જણાવ્‍યું હતું.  એક્‍સીસએડવાન્‍સ્‍ડબ્રોકર્સ  લિંક પરથી મને મળેલા અલગ અલગ બેંક એકાઉન્‍ટમાં શેર માર્કેટમાં ટ્રેડીંગ માટે મેં ટ્રાન્‍સફર કરેલા નાણાની વિગતો આ મુજબની છે.

 જેમાં મેં તા. ૫/૬/૨૫ના રોજ આડીએફસી ફર્સ્‍ટ બેંકના એકાઉન્‍ટમાં ૫૦ હજાર, તા. ૬/૬/૨૫ના રોજ આઇડીએફસી બેંકના એકાઉન્‍ટમાં ૫ લાખ, એ પછી ૧૭/૬ના રોજ સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાના એકાઉન્‍ટમાં ૫૦ હજાર, અન્‍ય એકાઉન્‍ટમાં ૧૮/૬ના રોજ ૧૪,૦૦,૦૦૦, ૨૫/૬ના રોજ બેંક ઓફ મહારાષ્‍ટ્રના એકાઉન્‍ટમાં ૫૦,૦૦૦ તથા ૨૬/૬ના રોજ ૧૫,૦૦,૦૦૦, તેમજ ૨૭/૬ના રોજ ૧૪,૩૦,૦૦૦ મળી કુલ ૪૯,૮૦,૦૦૦ જમા કરાવ્‍યા હતાં.

આ રીતે મેં ૨૩ દિવસમાં સાત વખત અલગ અલગ રકમ ટ્રેડીંગ માટે જમા કરાવી હતી. આ રકમ મેળવવા મેં મારા લિંક પરના એકાઉન્‍ટમાં વિડ્રો રિક્‍વેસ્‍ટ નાખતા મોબાઇલ નં. ૮૪૦૧૯ ૯૩૦૭૯ ઉપરથી મને વ્‍હોટ્‍સએપમાં મેસેજ મોકલી પ્રોફેશનલ ફી ભરવાનું જણાવ્‍યું હતું. આથી ફ્રોડ થયાની મને શંકા ઉપજતાં મેં સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન નંબર ૧૯૩૦ ઉપર ફરિયાદ કરી હતી. તેના આધારે હવે સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો. તેમ વધુમાં રાજીવ મિશ્રાએ જણાવતાં ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી પટેલની રાહબરીમાં પીઆઇ બી. બી. જાડેજાએ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

(3:21 PM IST)