તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોનો "સ્નેહ સ્પર્શ" કાર્યક્રમ ભાવવિભોર વાતાવરણમાં સંપન્ન
દસ સંસ્થાઓના ૨૭૨ દિવ્યાંગ બાળકોએ ૨૦ જેટલી કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોના હૃદય જીતી લીધા

રાજકોટ ખાતે શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સ્વ. ડો. પી.વી. દોશી (પૂજ્ય પપ્પાજી)ની જન્મજયંતિ નિમિત્તે દિવ્યાંગ બાળકોની સંવેદનાઓને ઉજાગર કરતો "સ્નેહ સ્પર્શ" ટેલેન્ટ શો યોજાયો. હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત સ્થાનિક અને વિદેશથી પણ દર્શકો 'યુ ટ્યુબ'ના માધ્યમથી જોડાયા. દસ સંસ્થાઓના ૨૭૨ દિવ્યાંગ બાળકોએ ૨૦ જેટલી કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોના હૃદય જીતી લીધા.
દિવ્યાંગ બાળકોની પ્રતિભાને મંચ આપતો "સ્નેહ સ્પર્શ": શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોમાં રહેલી અદભુત પ્રતિભાને સમાજ સમક્ષ લાવવાના ઉમદા હેતુથી "સ્નેહ સ્પર્શ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના સંઘચાલક તરીકે ફરજ બજાવી દિવ્યાંગો માટે જીવન સમર્પિત કરનાર સ્વ. ડો. પી.વી. દોશી, પૂજ્ય પપ્પાજીની જન્મજયંતિ નિમિત્તે આ ટેલેન્ટ શો રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સફળતાપૂર્વક યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં રાજકોટના રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ તેમજ 'યુ ટ્યુબ'ના માધ્યમથી સ્થાનિક, બહારગામ અને વિદેશથી પણ અનેક પ્રેક્ષકો લાઈવ જોડાઈને દિવ્યાંગ બાળકોના ઉત્સાહને બિરદાવ્યો હતો.
મહાનુભાવોની ઉપસ્થિતિ અને દીપ પ્રાગટ્ય: આ ભવ્ય કાર્યક્રમમાં શ્રી ધર્મપાલ સ્વામી (રામકૃષ્ણ આશ્રમ), શ્રીમતી નયનાબેન પેઢડીયા (મેયરશ્રી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન), શ્રી રામભાઈ મોકરિયા (સાંસદશ્રી, રાજ્યસભા), શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્યશ્રી), શ્રી માધવભાઈ દવે (શહેર ભાજપ પ્રમુખ), શ્રી મહેકબેન જૈન (આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી), શ્રી જીતુભાઈ બેનાણી (અમીધારા ડેવલપર્સ), શ્રી ડી.વી. મહેતા (જાણીતા શિક્ષણશાસ્ત્રી, જીનીયસ ગ્રુપ) તેમજ પૂજ્ય પપ્પાજી પરિવારના શ્રી મુકેશભાઈ દોશી, મુંબઈથી ખાસ પધારેલ શ્રીમતી રેખાબેન ઉદાણી, શ્રી રજનીભાઈ બાવીશી, શ્રી વિનોદભાઈ ગોસલિયા, શ્રી ભાસ્કરભાઈ પારેખ તથા શ્રી મીનુભાઈ જસદણવાલા સહિત અનેક મહાનુભાવો બાળકોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડો. વલ્લભભાઈ કથિરીયા, ટ્રસ્ટીશ્રીઓ આદરણીય શ્રી હંસિકાબેન મણીઆર તથા શ્રી રાજુભાઈ ધ્રુવ અને ઉપસ્થિત મહાનુભાવોના કરકમળો દ્વારા સ્વ. ડો. પી.વી. દોશી (પપ્પાજી), શ્રી અરવિંદભાઈ મણીઆર તેમજ ભારત માતાના ફોટા પાસે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મહેમાનોનું પુસ્તક તેમજ રૂમાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શ્રી ધર્મપાલ સ્વામી તેમજ શ્રીમતી રેખાબેન ઉદાણીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અને દિવ્યાંગો પ્રત્યેનો સ્નેહ
કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડો. વલ્લભભાઈ કથિરીયાએ ઉપસ્થિત સર્વે મહેમાનોને આવકાર્યા હતા. તેમણે ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે "શોધક સેવા" (લોકો ઘેર બેઠા મનગમતું પુસ્તક વાંચી શકે તે માટે શ્રીમતી હસિકાબેન મણીઆરના વિચાર અને શ્રી હર્ષલભાઈ મણીઆરના પુરુષાર્થથી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલો પ્રોજેક્ટ), સેવાસેતુ, ઓલ અપ શિક્ષણ પદ્ધતિ, અને મંદુરસ્તી પ્રોજેક્ટ હેઠળ નિષ્ણાતો દ્વારા અપાતું માર્ગદર્શન વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દિવ્યાંગોમાં રહેલી અદ્ભુત પ્રતિભાનો સમાજને ખ્યાલ આવે તે હેતુથી દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ભાગ લેનાર તમામ સંસ્થાઓ અને બાળકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી ડો. દર્શિતાબેન શાહે પૂજ્ય પપ્પાજીના દિવ્યાંગો પ્રત્યેના સ્નેહની નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે ઈશ્વરે દિવ્યાંગોમાં દિવ્ય શક્તિ આપેલી છે. તેમણે તમામ બાળકોને શુભેચ્છા પાઠવી હતી અને પૂજ્ય પપ્પાજી તથા શ્રી અરવિંદભાઈ મણીઆરે ચીંધેલા માર્ગ પર ચાલવાની ઈશ્વર શક્તિ અર્પે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પૂજ્ય પપ્પાજીની જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમ યોજવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સન્માન અને પ્રેરણાદાયક પ્રદર્શન: "સ્નેહ સ્પર્શ" કાર્યક્રમના જન્મદાતા એવા શ્રી શરદભાઈ વોરાને પણ આ કાર્યક્રમમાં ખાસ યાદ કરવામાં આવ્યા હતા. દિવ્યાંગ બાળકોની પ્રગતિમાં ઊંડો રસ દાખવી તેમની ક્ષમતાઓને બહાર લાવવા જેમણે અથાગ પ્રયત્નો કર્યા છે તેવા મહાનુભાવો શ્રી રજનીભાઈ બાવીશી (વિરાણી બહેરા મૂંગા શાળા), શ્રી વિનોદભાઈ ગોસલિયા (અંધમહિલા વિકાસગૃહ તથા સ્નેહ નિર્ઝર સંસ્થા) તેમજ દિવ્યાંગોના માર્ગદર્શક શ્રી ભાસ્કરભાઈ પારેખનું મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડો. કથિરીયા સાહેબ, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, શ્રી જીતુભાઈ બેનાણી, ટ્રસ્ટીશ્રીઓ આદરણીય શ્રી હંસિકાબેન મણીઆર તથા શ્રી રાજુભાઈ ધ્રુવ વિગેરે મહાનુભાવોના હસ્તે શાલ તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટની દસ સંસ્થાઓ જેવી કે વિરાણી બહેરા મૂંગા શાળા, વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસગૃહ, સ્નેહ નિર્ઝર, પ્રયાસ પેરેન્ટ્સ, નવશક્તિ વિધાલય, જીનિયસ સુપર કિડ્સ, સેતુ ફાઉન્ડેશન, એકરંગ સંસ્થા, મંત્ર ફાઉન્ડેશન તેમજ પરમાર્થ એજ્યુકેશનના કુલ ૨૭૨ બાળકોએ ૨૦ કૃતિઓ ઉત્સાહભેર અને પૂર્ણ તૈયારી સાથે રજૂ કરી હતી. કાર્યક્રમની પ્રથમ કૃતિ "તારે જમીન પર" માં જ્યારે આ બાળકો પોતાની સંસ્થાના બેનર સાથે, ગીતના સથવારે રજૂ થયા ત્યારે તમામ પ્રેક્ષકો ભાવવિભોર બની ગયા હતા અને આ બાળકોને તાળીઓના ગડગડાટથી ભીંજવી દીધા હતા. દિવ્યાંગોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી આ સંસ્થાઓને ટ્રસ્ટના અગ્રણીઓ, મેનેજિંગ ટ્રસ્ટી, ટ્રસ્ટીશ્રીઓ તથા મહેમાનોના હસ્તે ટ્રસ્ટ તરફથી મોમેન્ટો અને ચેક આપી સન્માનિત કરવામાં આવી હતી.
અરવિંદભાઈ મણિયાર રીસર્ચ સેન્ટર દ્વારા ચાલતા "સેવાસેતુ" પ્રોજેક્ટ અંતર્ગત શ્રી મીનુભાઈ જસદણવાલા તરફથી જરૂરિયાતમંદ ૧૧ બાળકોને સાયકલનું દાન કરવામાં આવ્યું હતું. તેમની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી અને ટ્રસ્ટીશ્રીઓ તથા મહેમાનો દ્વારા શાલ ઓઢાડી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. ધર્મપાલ સ્વામી, શ્રી રામભાઈ મોકરિયા, શ્રી જીતુભાઈ બેનાણી તેમજ ટ્રસ્ટીશ્રીઓ દ્વારા સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેઓ ઘણા વર્ષોથી આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે અને ગુજરાતના જાણીતા કોરિયોગ્રાફર તરીકેની માનદ સેવા પ્રદાન કરે છે તેવા શ્રી નીરજભાઈ દોશીનું બહુમાન આસી. કલેક્ટર શ્રી મહેકબેન જૈન, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડો. કથિરીયા સાહેબ તથા ટ્રસ્ટી શ્રી રાજુભાઈ ધ્રુવ વિગેરે મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું.
આર્થિક સહયોગ અને આભારદર્શન: શ્રી અરવિંદભાઈ મણીઆર સાથે જેમણે કાર્ય કરેલ તેવા ટ્રસ્ટના કમિટી મેમ્બર શ્રી ઈન્દ્રવદનભાઈ રાજ્યગુરુનો જન્મદિવસ હોવાથી તેમને સહુએ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથિરીયા તથા સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવ વિગેરે મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી રાજ્યગુરુભાઈએ સહુનો આભાર માની તેમના જન્મદિવસે આ કાર્યક્રમ માટે ટ્રસ્ટને રૂપિયા ૫૧૧૧/- શુભેરછાઓ સાથે આપ્યા હતા.
આ કાર્યક્રમ માટે પૂજ્ય પપ્પાજી પરિવારના શ્રી મુકેશભાઈ દોશી તરફથી ટ્રસ્ટને રૂપિયા ૨૫,૦૦૦/- તેમજ મુંબઈથી પધારેલ શ્રીમતી રેખાબેન ઉદાણી તરફથી રૂપિયા ૧૧,૦૦૦/- નો આર્થિક સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત શ્રીમતી રેખાબેન ઉદાણી, સાંસદશ્રી રામભાઈ મોકરિયા તથા જાણીતા દાનવીર શ્રી જીતુભાઈ બેનાણી (અમીધારા ડેવલપર્સ) તરફથી દરેક સંસ્થાઓને રૂપિયા ૫,૦૦૦/- પુરસ્કારરૂપે આપવામાં આવ્યા હતા. યુ ટ્યુબ લાઈવમાં કાર્યક્રમ નિહાળી રહેલા લંડન સ્થિત શ્રીમતી નિશાબેન લાખાણી ઠકરાર તરફથી પણ રૂપિયા ૫,૦૦૦/- પુરસ્કાર રૂપે આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ૨૭૨ બાળકોને ગિફ્ટ: અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટની વ્યવસ્થાપક કમિટીના સદસ્ય શ્રી જયંતિભાઈ પટેલ તરફથી આપવામાં આવી હતી, તેમજ તમામ બાળકોને નાસ્તાની કીટ શ્રી હસુભાઈ સોનછત્રાએ આપી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં "પેલીકન ગ્રુપ" ના ભરતભાઈ શ્રીમાંકરનો પણ સહયોગ મળ્યો હતો.
કાર્યક્રમનું આભારદર્શન કરતાં ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ ધ્રુવે ઉપસ્થિત તમામ મહેમાનો, શ્રી કલ્પકભાઈ, મિહિરભાઈ, હર્ષલભાઈ, ધોળકિયા સાહેબ તેમજ પ્રોજેક્ટ ઈનચાર્જ શ્રી નિલેશભાઈ શાહ તેમજ શ્રી જાહ્નવીબેનનો આભાર માન્યો હતો. તેમણે આ બાળકો દૈવી શક્તિ ધરાવતા નિર્દોષ બાળકો છે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. રાજકોટના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ સંસ્થાના અગ્રણીઓ તેમજ નાનામાં નાના બાળકોનો તેમણે આભાર માન્યો હતો.
આ કાર્યક્રમનું સંચાલન શ્રી નિલેશભાઈ શાહ તથા શ્રી જાહ્નવીબેન લાખાણીએ કર્યું હતું.
આ કાર્યક્રમને યશસ્વી બનાવવા ડો. કથિરીયા, શિવુભાઈ દવે, શ્રીમતી હંસીકાબેન મણિયાર, શ્રી જ્યોતીન્દ્રભાઈ મહેતા, મહાસુખભાઈ શાહ, શ્રી કલ્પકભાઈ મણીઆર, શ્રી રાજુભાઈ ધ્રુવ, શ્રી જયંતભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ઈનચાર્જ શ્રી નિલેશભાઈ શાહ તથા શ્રી જાહ્નવીબેન લાખાણી તથા વિશ્વેશભાઈ ધોળકિયા, શિલ્પાબેન મહેતા, અમીબેન શાહ, સંજયભાઈ ઓઝા, કિશનભાઈ લશ્કરી, રોહિતભાઈ વાજા વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
(11:29 AM IST)










