<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

શ્‍યામ રંગે રંગાશે રાજકોટઃ બીજી ઓગષ્‍ટે મહાતાવોઃ ઇનામ વિતરણ

જન્‍માષ્‍ટમીનો માહોલ જમાવવા ચોકે-ચોકે ધ્‍વજારોહણ થશેઃ ઓગષ્‍ટના બીજા અઠવાડીયામાં ગોપી કિશન સ્‍પર્ધા અને લોકડાયરો

રાજકોટ, તા., રપઃ વિશ્વ હિન્‍દુ પરીષદ પ્રેરીત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમીતી દ્વારા કૃષ્‍ણ જન્‍મોત્‍સવની તડામાર તૈયારી ચાલી રહી છે. શહેરભરમાં જશોદાના જાયાના જયજયકારનું આયોજન થઇ રહયું છે. તા.૧૬ ઓગષ્‍ટ શનિવારે નીકળનારી દર્શનીય શોભાયાત્રામાં નાવિન્‍ય ઉમેરવા પ્રયાસો થઇ રહયા છે.

જન્‍માષ્‍ટમી પુર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. તા. ર ઓગષ્‍ટ શનિવારે સાંજે ૭ વાગ્‍યે બી.એ.પી.એસ. સ્‍વામીનારાયણ મંદીર કાલાવડ રોડ ખાતે મહાતાવો તથા ગત વર્ષના લતા સુશોભન અને ફલોટસ સ્‍પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવશે.

તા.૯ ઓગસ્‍ટે શનિવારે રાત્રે હેમુગઢવી હોલમાં રાષ્‍ટ્રભકિત અને કૃષ્‍ણ ભકિતને કેન્‍દ્રમાં રાખીને લોકડાયરા સ્‍વરૂપનો આકર્ષક સાંસ્‍કૃતિ કાર્યક્રમ યોજવાનુ આયોજન થઇ રહ્યું છે. બીજા દિવસે તા.૧૦ રવિવારે બાળકો માટે ગોપી કિશન સ્‍પર્ધા યોજવાનું વિચારધીન છે. દરેક કાર્યક્રમની વિગતવાર જાહેરાત સમિતિ દ્વારા હવે પછી કરવામાં આવશે જન્‍માષ્‍ટમીનો માહોલ જમાવવા બે ત્રણ દિવસમાં જ મુખ્‍ય ચોકમાં ધ્‍વજારોહણ કરવામાં આવશે.

વિહિપ પ્રેરિત સમિતિ દ્વારા સમિતિના અધ્‍યક્ષ તરીકે રાજદીપસિંહ જાડેજાનું નામ જાહેર કરી દેવામાં આવ્‍યુ છે. સમિતિના મહામંત્રી તરીકે પરેશ રૂપારેલિયા છે. મહોત્‍સવનું કાર્યાલય ત્રિકોણબાગ,માલવિયા ચોક, વચ્‍ચેના રોડ પર ગેર્સ્‍ફોડ ટોકીઝ સામે ધમધમતું થઇ ગયું છે. સમિતિ દ્વારા વિવિધ સંસ્‍થાઓ, ધુનમંડળો વગેરેનો સંપર્ક કરવામાં આવશે. મહાતાવામાં વધુમાં વધુ ભકતો જોડાય તેવા પ્રયાસો કરવામાં આવશે. મહાતાવા માટે તા. ર ઓગષ્‍ટની સાંજનો સમય નક્કી થયો છે. મહોત્‍સવ સમીતીની યુવા ટીમને વડીલોનું માર્ગદર્શન મળી રહયું છે. માર્ગદર્શક સમીતીમાં નરેન્‍દ્રભાઇ દવે, માવજીભાઇ ડોડીયા, હસમુભાઇ ભગદેવ, હસમુખભાઇ ચંદારાણા, શાંતુભાઇ રૂપારેલીયા, વનરાજભાઇ ગરૈયા, નીતીશ કથીરીયા, અશોક મકવાણા વગેરેનો સમાવેશ થાય છે. શોભાયાત્રાનું ૪૦ મું વર્ષ છે. આ વખતના જન્‍માષ્‍ટમી મહોત્‍સવને યાદગાર બનાવવા માટે સમીતીના કાર્યકરો અને કૃષ્‍ણ ભકતો કાર્યરત છે.

(12:45 PM IST)