તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
મનપાના ચાર આરોગ્ય કેન્દ્રોમાં આજથી ડાયાલીસીસ સુવિધા ઉપલબ્ધ
ડાયાલીસીસ મશીનનું ડો.જીતેન્દ્ર અમલાણી અને ડો. પ્રફુલ ગજ્જરના હસ્તે લોકાર્પણ : નાનામવા, કોઠારીયા, નારાયણનગર અને શ્યામનગર ખાતે સવારે ૯ કલાકથી સાંજે ૬ કલાક સુધી દર્દીને સુવિધા મળી શકશે

રાજકોટ, તા., ૨૪ : વ્યક્તિની કિડની કામ ન કરતી હોય તેવા સંજોગોમાં કિડનીના કામના વિકલ્પ તરીકે વપરાતી કળત્રિમ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે. ડાયાલિસિસ શરીરમાંના બિનજરૂરી પદાર્થો દૂર કરવાનું અને શરીરમાં પ્રવાહીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે. બન્ને કિડની કામ ન કરતી હોય તેવા દર્દીઓનું જીવન સંપૂર્ણપણે ડાયાલિસિસ પર નિર્ભર હોય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં શહેરના નાના મૌવા, કોઠારીયા, નારાયણનગર અને શ્યામનગર એમ ૪ આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેન્દ્ર દીઠ ૨ એમ મળી કુલ ૮ મશીન કિડનીના રોગની સારવાર લેતા ડાયાલિસિસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ ડાયાલિસિસ મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી. આજ તા.૨૪ ગુરૂવારના સવારે ૧૦.૦૦ કલાકે નાનામૌવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ ડો.જીતેન્દ્રભાઈ અમલાણી અને ડો. પ્રફુલભાઈ ગજ્જરના હસ્તે કરવામાં આવ્યુ.
આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિન પાંભર, પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતન સુરેજા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંકુબેન ઉધરેજા, કોર્પોરેટર બીપીન બેરા, નરેન્દ્રસિંહ વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા, વિનુભાઈ સોરઠીયા, ડો. દર્શનાબેન પંડ્યા, ડો.જીતેન્દ્રભાઈ અમલાણી, ડો. પ્રફુલભાઈ ગજ્જર, આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણી, નાયબ આરોગ્ય અધિકારી ડો. હાર્દિક મેહતા, વેસ્ટ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ઉમંગ ચૌહાણ, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, નાનામૌવા આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર, અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.
આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું નાના મૌવા આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણી દ્વારા ડાયાલિસિસ મશીન અંગે સૌને માહિતગાર કરાયા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં ડાયાલિસિસ મશીનની સુવિધા શહેરના નાનામૌવા, કોઠારીયા, નારાયણનગર અને શ્યામનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ આરોગ્ય કેન્દ્ર ખાતે ૮ મશીન કાર્યરત રહેશે ઉપરાંત આગામી સમયમાં ચારેય આરોગ્ય કેન્દ્ર ખાતે વિશેષ એક મશીન ઉપલબ્ધ થશે એમ કુલ-૧૨ મશીન કાર્યરત થશે. દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ કરાવવાનો સમય સવારે ૯.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક સુધી રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ કિડનીની બિમારી ધરાવતા ડાયાલિસિસની જરૂરીયાતવાળા પી.એમ. જે.એ.વાય. કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે મળતી આ સેવાનો લાભ લેવા શહેરીજનોને આહવાન કરે છે.
(4:31 PM IST)










