તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
શ્રમિકોના હિતોના રક્ષણ માટે બનેલા સરકારી શ્રમ વિભાગ પર હવે ખુદ મજૂર સંગઠનો દ્વારા ગંભીર આક્ષેપો

રાજકોટ: શ્રમિકોના હિતોના રક્ષણ માટે બનેલા સરકારી શ્રમ વિભાગ પર હવે ખુદ મજૂર સંગઠનો દ્વારા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંઘ, રાજકોટ દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પુરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવી છે કે શ્રમ કચેરી મજૂરોના બદલે માલિકોના હિતમાં કાર્ય કરી રહી છે.
સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંઘના પ્રધાનમંત્રી શ્રી દિલીપભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, દેશના અર્થતંત્રમાં મજૂરોનો મોટો ફાળો છે અને તેમના માટે લઘુતમ વેતન ધારો, ઔદ્યોગિક વિવાદ ધારો, ફેક્ટરી એક્ટ જેવા અનેક કાયદાઓ અમલમાં છે. તેમ છતાં, રાજકોટની અમુલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. સહિત અનેક ઉદ્યોગોમાં અને સરકારી-અર્ધસરકારી કચેરીઓમાં આ કાયદાઓનો બેફામ ભંગ થઈ રહ્યો છે અને પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવતી નથી.
તાજેતરમાં, જ્યારે સમગ્ર દેશમાં મોંઘવારી વધી રહી છે અને કેન્દ્ર-રાજ્ય સરકારો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સંસદ સભ્યો અને ધારાસભ્યોના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે, ત્યારે ગુજરાતના શ્રમ વિભાગે મોંઘવારી ઘટી હોવાનું જાહેર કરી લાખો અસંગઠિત કામદારોના મોંઘવારી ભથ્થામાં ઘટાડો કરતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિર્ણય માલિકોના હિતમાં લેવાયો હોવાનો સંઘનો આક્ષેપ છે, અને આ અંગે શ્રમ વિભાગે કોઈ સ્પષ્ટતા પણ કરી નથી.
રાજકોટ કલેક્ટર કચેરી હેઠળના જન સેવા કેન્દ્રો અને ઈ-ધરામાં કામ કરતા લગભગ ૮૦ કર્મચારીઓને ચાર મહિના સુધી પગાર ચૂકવાયો ન હોવા છતાં એજન્સી સામે કોઈ કાયદેસર પગલાં લેવાયા નથી. તેવી જ રીતે, ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ અનિયમિત પગાર ચૂકવણા સામે જવાબદારો સામે કાર્યવાહી થતી નથી. ગ્રેચ્યુઈટીના કાયદા મુજબ છૂટા થયેલા કર્મચારીઓને ૩૦ દિવસમાં ગ્રેચ્યુઈટી ચૂકવવાની જવાબદારી હોવા છતાં, તેના ભંગ બદલ પણ માલિકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આ તમામ પુરાવાઓ દર્શાવે છે કે શ્રમ વિભાગ શ્રમિકોના બદલે માલિકોના હિતોનું ધ્યાન રાખે છે. આથી, સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંઘે શ્રમ કચેરીનું નામ બદલીને 'માલિક હિતકર્તા કચેરી' રાખવાની આકરા શબ્દોમાં રજૂઆત કરી છે.
(1:45 PM IST)










