<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

પોલીયોગ્રસ્‍ત-ખોડખાપણવાળા દર્દીઓને સારવાર માટે રાજસ્‍થાન સુધી જવું નહિ પડેઃ મોરબીમાં હોસ્‍પિટલ શરૂ થશે

માનવ સેવા દિવ્‍યાંગ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટની પહેલ પાંચ વિઘામાં હોસ્‍પિટલનું થશે નિર્માણ, ૨૦ ઓગસ્‍ટના સંતો-મહંતોના હસ્‍તે ખાતમુર્હુત

રાજકોટઃ સેવાકીય પ્રવૃતિઓ કરતી મોરબીની માનવ સેવા દિવ્‍યાંગ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા પીપળી મુકામે (તા.મોરબી) નવી હોસ્‍પિટલ શરૂ થઈ રહી છે. જ્‍યાં પોલીયોગ્રસ્‍ત કે ખોડખાપણવાળા દર્દીઓને ફ્રી સારવાર કરવામાં આવશે. ૨૦ ઓગસ્‍ટના સંતો-મહંતોના હસ્‍તે આ હોસ્‍પિટલનું ખાતમુર્હુત કરવામાં આવશે.

સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યું હતું કે અહિં પાંચ વીઘામાં હોસ્‍પિટલનું નિર્માણ થનાર છે. જેમાં આર્ટીફીશ્‍યલ લેપ્‍સ વર્કશોપ, સત્‍સંગ હોલ, પોલીયોના દર્દી માટે ઓપરેશન થીયેટર, તબીબો માટે આવાસ બનાવવામાં આવશે.

દર્દીઓ માટે રહેવા જમવાની સુવિધા ફ્રી માં કરી આપવામાં આવશે. નવનિર્વાણ પામનાર આ હોસ્‍પિટલમાં પોલીયોગ્રસ્‍ત ખોડ ખાપણવાળા દર્દીઓને ફ્રી સર્જરી તેમજ અકસ્‍માતમાં કપાઈ ગયેલા હાથ પગને માપ લઈ આર્ટીફીશ્‍યલ હાથ-પગ બનાવી આપવામાં આવશે. અંદાજે ૬ કરોડના ખર્ચે બે વર્ષમાં આ હોસ્‍પિટલ શરૂ થશે. તા.૨૦ ઓગસ્‍ટના સંતો-મહંતોના હસ્‍તે હોસ્‍પિટલનું ખાતમુર્હુત થશે.

નારાયણ સેવા સંસ્‍થા ઉદયપુર રાજસ્‍થાન દિવ્‍યાંગ વ્‍યક્‍તિ માટે કામ કરે છે. મોરબી જીલ્લા પ્રમુખ ઘનશ્‍યામસંહ એસ.ઝાલા (રંગપર, મોરબી) સેવાઓ આપે છે. આ સંસ્‍થાના સહયોગથી તેઓએ પોલીયો શારીરિક ખોડ ખાપણવાળા વ્‍યક્‍તિના વિવિધ વ્‍યક્‍તિના દરેક જિલ્લામાં કેમ્‍પ કરી ઓપરેશન કરાવી આપેલ છે. ગુજરાતના દરેક દિવ્‍યાંગને હવે રાજસ્‍થાન ન જવુ પડે એટલે હવે ગુજરાતના દિવ્‍યાંગના ઓપરેશન ગુજરાતમાં થાય એટલે ભવ્‍ય હોસ્‍પિટલનું નિર્માણ માનવ સેવા દિવ્‍યાંગ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, મોરબી દ્વારા ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે માનવ સેવા દિવ્‍યાંગ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ઘનશ્‍યામસિંહ ઝાલા (મો.૮૨૩૮૯ ૯૬૫૪૮) હિતેષભાઈ મહેતા, રામભાઈ મહેતા, અનુભા જાડેજા અને ઉદ્યોગપતિ પરેશભાઈ નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

 

(3:52 PM IST)