<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

બીનખેતી શરત ભંગના કેસોમાં કલેકટર આકરા પાણીએઃ ત્રણ પાર્ટીને ૩૪ લાખનો દંડ ફટકાર્યો

ખોખડદળ- કોઠારીયા- આણંદપર ગામના કેસોમાં પ્રાંત- મામલતદારના રીપોર્ટ બાદ કાર્યવાહી : મંજુરી વગર ૧૦ વર્ષથી પાર્ટી પ્‍લોટ ઉભા કરી દિધાનું ખૂલ્‍યું: બાંધકામ માટે મંજુરી લેવા આદેશો

રાજકોટ તા.રરઃ રાજકોટ જીલ્લા કલેકટરે બીનખેતી શરતભંગના કેસો ચાલી જતા આકરૂ વલણ અપનાવી, કુલ ૪ પાર્ટીને શરતભંગ સબબ કુલ ૩૪ લાખનો દંડ ફટકારી તાકીદે રકમ ભરી દેવા આદેશો કરાયા હતા.

રાજકોટ તાલુકાના ખોખડદડ ગામના સર્વે નં. ૧૯૨ની ૨૨૬૬૩ ચો.મી.જમીન સરકારી રેકોર્ડ પર ખેતીના હેતુ માટે નોંધાયેલી છે. જેના કબ્‍જેદાર શ્રી કરસનભાઈ ગાંડુભાઈ શિયાણી તથા અન્‍યો છે. આ જમીન ‘‘ગ્રીન એપલ પાર્ટી પ્‍લોટ''ના નામથી કોમર્શિયલ ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું ધ્‍યાને આવતા કલેક્‍ટર શ્રી ડો. ઓમ પ્રકાશ દ્વારા સંબંધિત વિસ્‍તારના મદદનીશ કલેક્‍ટર રાજકોટ શહેર-૨ને જમીનની તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી.

તપાસ દરમિયાન આ જમીનનો વર્ષ ૨૦૧૯થી કોમર્શિયલ હેતુ માટે પાર્ટી પ્‍લોટ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યું હોવાનું તેમજ પાર્ટી પ્‍લોટ માટે જમીન પર રૂમ, મકાન, રસોડું તથા ગોડાઉન પણ બનાવવામાં આવેલું હોવાનું જણાયું હતું. ખેતીની જમીનનો બિનઅધિકળત બિનખેતી તરીકે ઉપયોગ કરવા બદલ શરતભંગ થવાથી કલેકટર દ્વારા ૨૨૬૬૩ ચો.મી. જમીન પૈકીની ૧૦,૫૩૦ ચો.મી.પાર્ટી પ્‍લોટ તરીકે વપરાશમાં લેવામાં આવતી જમીનને પ્રતિ ચો.મી. લેખે વાર્ષિક બિનખેતી આકારી એક વર્ષના શરતભંગના દંડ બદલ રૂ. ૨,૭૩,૮૦૦ પ્રમાણે સાત વર્ષના સમયગાળા માટે રૂ.૧૯ લાખ ૧૬ હજાર ૬૦૦ દંડ કરવામાં આવ્‍યો છે. આ સાથે જ આ જમીનનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગમાં કરવા બદલ રૂ.૩ લાખ ૧૫ હજાર ૯૦૦ રૂપાંતર કર તરીકે વસૂલ કરવામાં આવશે.

કલેક્‍ટરશ્રીના હુકમ દ્વારા ખેતીની જમીનનો બિન અધિકળત બિનખેતી અને કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવા બદલ ગ્રીન એપલ પાર્ટી પ્‍લોટના માલિકોને ૩૦ દિવસમાં કુલ રૂ. ૨૨ લાખ ૩૨ હજાર ૫૦૦નો દંડ ભરવા જણાવાયું છે. આ સાથે જ બાંધકામના નિયમો મુજબ આગામી છ માસમાં નિયમાનુસાર અરજી કરીને જમીનના માલિકોએ જમીનનો બિનખેતી ઉપયોગ કરવાની મંજૂરી મેળવવાની રહેશે, અન્‍યથા બાંધકામ દૂર કરવામાં આવશે તેમ તાકીદ કરવામાં આવી છે.

બીજા કિસ્‍સામાં રાજકોટ તાલુકાના આણંદપર ગામના સર્વે નં. ૧૬૨/૧ની ૧૪૪૬૮ ચો.મી.જમીન સરકારી રેકોર્ડ પર ખેતીના હેતુ માટે નોંધાયેલી છે. જેના કબ્‍જેદાર ભાવીનભાઈ તુલસીભાઈ રામાણી છે. આ જમીન કોમર્શિયલ ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું ધ્‍યાને આવતા કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા સંબંધિત વિસ્‍તારના મદદનીશ કલેક્‍ટરને જમીનની તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી.

તપાસ દરમિયાન આ જમીનનો કોમર્શિયલ હેતુ માટે પાર્ટી પ્‍લોટ તરીકે ઉપયોગ કરી વધુ ડેવલપ કરવામાં આવી રહ્યું હોવાનું તેમજ પાર્ટી પ્‍લોટ માટે જમીન પર ૪ રૂમ, કિચનશેડ, ટોઈલેટ બ્‍લોક, ઓફિસ તથા ગોડાઉન પણ બનાવવામાં આવેલું હોવાનું જણાયું હતું. ખેતીની જમીનનો બિનઅધિકળત બિનખેતી તરીકે ઉપયોગ કરવા બદલ શરતભંગ થવાથી કલેકટરશ્રી દ્વારા ૧૪૪૬૮ ચો.મી. જમીન પૈકીની ૬૦૭૧ ચો.મી.પાર્ટી પ્‍લોટ તરીકે વપરાશમાં લેવામાં આવતી જમીનને પ્રતિ ચો.મી. લેખે વાર્ષિક બિનખેતી આકારી એક વર્ષના શરતભંગના દંડ બદલ રૂ. ૧,૫૭,૮૦૦ દંડ કરવામાં આવ્‍યો છે. આ સાથે જ આ જમીનનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગમાં કરવા બદલ રૂ. ૧ લાખ ૮૨ હજાર ૧૩૦ રૂપાંતર કર તરીકે વસૂલ કરવામાં આવશે.

કલેક્‍ટરના હુકમ દ્વારા ખેતીની જમીનનો બિન અધિકળત બિનખેતી અને કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવા બદલ પાર્ટી પ્‍લોટના માલિકોને ૩૦ દિવસમાં કુલ રૂ. ૩ લાખ ૩૯ હજાર ૯૩૦નો દંડ ભરવા જણાવાયું છે.

 ત્રીજા કિસ્‍સામાં રાજકોટના કોઠારીયા ગામમાં ખેતીની જમીન પર દસ વર્ષથી બિનખેતીની મંજૂરી વિના ચાલતા બિલીપત્ર પાર્ટી પ્‍લોટના સંચાલકને જિલ્લા કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશે રૂ. ૭.૯૪ લાખનો દંડ ફટકાર્યો છે.

આ કેસની વિગતો એવી છે કે, કોઠારીયા ગામમાં સર્વે નંબર ૩૨૨/૮ની ૧૭,૭૦૫ ચોરસ મીટર જમીન રેવન્‍યુ રેકોર્ડમાં ખેતીની જમીન તરીકે નોંધાયેલી છે. આ જમીનના કબજેદાર શ્રી જયંતિભાઈ બાધુભાઈ શિયાણી વગેરેએ આ જમીન પૈકી ૧૦,૬૨૩ ચો. મી. જમીન બહુહેતુક ઉપયોગ માટે બિનખેતી કરવા માટે અરજી કરી હતી.

આ અરજી અંગે રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવતા, આ જમીન પર જરૂરી મંજૂરી મેળવ્‍યા વિના બિલીપત્ર પાર્ટી પ્‍લોટ ચાલતો હોવાનું અને તેનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનું જણાયું હતું. વધુ તપાસમાં આ જમીન પર ચાર રૂમ, એક ઓફિસ, રસોડું, ટોઇલેટ સહિતનું બાંધકામ થઈ ગયેલું હોવાનું, ફેન્‍સિંગ હોવાનું તથા આ ખેતીની જમીનનો ૧૦ વર્ષથી આ રીતે પાર્ટીપ્‍લોટ કમ રિસોર્ટ તરીકે કોમર્શિયલ ઉપયોગ થતું હોવાનું સામે આવ્‍યું હતું.

આથી રાજકોટ તાલુકા મામલતદારે મદદનીશ કલેકટર સમક્ષ પગલાં લેવા દરખાસ્‍ત કરતા કેસ દાખલ કરવામાં આવ્‍યો હતો. એ પછી કબજેદારને નિયમ મુજબ કારણદર્શક નોટિસ આપીને તેમનો પક્ષ પુરાવા સહિત રજૂ કરવા માટે તક આપવામાં આવી હતી.

જેમાં અરજદાર તરફથી જણાવાયું હતું કે, આ જમીનનો લે-આઉટ પ્‍લાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૨ માર્ચ ૨૪થી મંજૂર કરવામાં આવ્‍યો હતો. રાજકોટ મહાનગર પાલિકાના વર્ગીકરણ નં.૮૫થી ૧૦,૬૨૩ ચો.મી. જમીનનો રહેણાંક હેતુ માટે બાંધકામ પ્‍લાન મંજૂર કરાવીને, ૧૧૫૦ ચો.મી. જમીનમાં બાંધકામ તેમજ ફેન્‍સિંગ કર્યું હોવાનું પણ જણાવાયું હતું. ઉપરાંત બિનખેતીની મંજૂરી મળ્‍યે નિયમ મુજબ ઓથોરિટી સમક્ષ બાંધકામ પ્‍લાન પાસ કરાવીને ઉપયોગ ચાલુ કરવાની તથા બાંધકામ ક્ષેત્રફળ પુરતું નિયમ મુજબ દંડની રકમ ભરપાઈ કરવાની સંમતિ આપવામાં આવી હતી.

(3:51 PM IST)