તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd July 2025
આજે ૧રપ યાત્રિકો કૈલાસ માનસરોવર યાત્રાએ જશે : વિજયભાઇ રૂપાણીના અસ્થિ માનસરોવરમાં પધરાવશે
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે માનસરોવરની પરિક્રમા,સ્નાન, શિવપૂજા, લઘુરૂદ્ર યજ્ઞ

રાજકોટઃતા.રર, રાજકોટથી આજે ૧રપ યાત્રિકોનું ગ્રુપ પવિત્ર કૈલાશ માનસરોવરની પરિક્રમા, માનસરોવરમાં સ્નાન અને માનસરોવર કિનારે શિવપૂજા સહિતહોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ, પિતૃતર્પણ, વ્યસનમુકિત, રાષ્ટ્રગીત ગાન, શહિદો માટે આર્થિક ફંડ, માનસરોવર કિનારે મહા આરતી અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. શિવવંદના ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પ્રા. ડો. યશવંત ગોસ્વામી આ ૩૦ મી વખત કૈલાસ માનસરોવર યાત્રાએ જઇ રહયા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અમરનાથથી માંડી કૈલાસ માનસરોવર, આદિ કૈલાસ-ૐ પર્વત, ચારધામ યાત્રાના સૌથી વધુ અનુભવી યાત્રિક અને માર્ગદર્શક છે. હજારો યાત્રીકોએ એમના માર્ગદર્શનમાં યાત્રાઓ કરી છે.
ડો. ગોસ્વામી જણાવે છે કે, જૈન હોવા છતાં મહાદેવના પરમ ઉપાસક એવા સ્વ. વિજયભાઇ રૂપાણીના અસ્થિ વિધિ વિધાન સાથે માનસરોવરમાં પધરાવી માનસરોવર કિનારે એમના આત્માની શાંતિ માટે પિતૃતર્પણ અને લઘુરૂદ્ર યજ્ઞ કૈલાસના સાનિધ્યમાં કરશે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કૈલાસ યાત્રિકોની સબસીડી બાબતે મને ગાંધીનગર બોલાવી ચર્ચા કરેલ અને ગુજરાતના યાત્રિકોની સબસીડી રૂા. ર૦,૦૦૦ માંથી રૂા.પ૦,૦૦૦/- કરવામાં સ્વ. વિજયભાઇ રૂપાણી સરનો મહત્વનો રોલ હતો.
વર્ષ ર૦૧૪ માં વિજયભાઇ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બને એ માટે માનસરોવર કિનારે વિશેષ યજ્ઞ કરવામાં આવેલ અને ર૦૧૬ માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને હવે એમના જ અસ્થિ માનસરોવરમાં સમગ્ર સૌરાષ્ટ અને ગુજરાતની જનતાની લાગણી સ્વરૂપે પધરાવાશે. હેલીકોપ્ટર ગ્રુપમાં ડો. વલ્લભભાઇ કથીરીયા, ડો. પ્રકાશ મોઢા, ડો. એન.ડી. શીલુ સહિતના યાત્રિકો સપ્ટેમ્મ્બર ગુપમાં આવી રહયાનું યાદીમાં જણાવાયું છે.
(3:25 PM IST)










