<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

જૂનાગઢના પરબ વાવડીના તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયા : ₹૧૫૦૦ની ડિજિટલ લાંચ QR કોડ દ્વારા સ્વીકારતા રાજકોટ ACBના હાથે ઝડપાયા

કોર્ટ મેરેજના મેમોરેન્ડમ આપવા માટે તલાટી જયદીપ ચાવડાએ લાંચ માંગી હતી : ACB વડા પિયુષ પટેલના અભિયાન હેઠળ કૃષ્ણકુમાર સિંહ ગોહિલના નેતૃત્વમાં ACBના પોલીસ ઇન્સ્પેક્ટર આર. આર. સોલંકી અને તેમની ટીમનો રેવન્યુ વિભાગમાં ફફડાટ

રાજકોટ : ભ્રષ્ટાચાર હવે ડિજિટલ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે, રાજકોટ ACBએ જૂનાગઢ પંથકમાં ડિજિટલ પેમેન્ટ દ્વારા લાંચ લેતા એક તલાટી મંત્રીને રંગેહાથ ઝડપી પાડ્યા છે. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પરબ વાવડી ગામના તલાટી કમ મંત્રી, વર્ગ-૩ના જયદીપભાઈ જનકભાઈ ચાવડાને ₹૧૫૦૦ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી રાજકોટ ACBના પોલીસ ઇન્સ્પેક્ટર આર. આર. સોલંકી અને તેમની ટીમ દ્વારા ઈ.ચા. મદદનીશ નિયામક કૃષ્ણકુમાર ગોહિલના સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી.
કોર્ટ મેરેજના મેમોરેન્ડમ માટે લાંચની માંગણી
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસના ફરિયાદી એક જાગૃત નાગરિક છે. તેમના ભાઈએ પરબ વાવડી ગામ, તા. ભેંસાણ, જિ. જૂનાગઢ ખાતે કોર્ટ મેરેજ કર્યા હતા. સરકાર તરફથી આર્થિક સહાય મેળવવા માટે લગ્ન સ્થળેથી તલાટી મંત્રી દ્વારા અપાતા મેમોરેન્ડમની જરૂરિયાત હતી. આથી, ફરિયાદીએ તલાટી મંત્રી જયદીપ ચાવડાનો સંપર્ક કર્યો હતો.
આ મેમોરેન્ડમ આપવાના અવેજ પેટે, જયદીપ ચાવડાએ ફરિયાદી પાસેથી ગેરકાયદેસર રીતે રૂ. ૧૫૦૦/-ની લાંચની માંગણી કરી હતી. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, તેમણે આ લાંચની રકમ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ એપના સ્કેનર/QR કોડ દ્વારા ચૂકવી દેવાનું જણાવ્યું હતું.
ACBનો સફળ છટકું અને કાર્યવાહી
ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી, તેમણે એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ગોઠવવામાં આવેલા લાંચના છટકા દરમિયાન, આરોપી જયદીપ ચાવડાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ગેરકાયદેસર લાંચના નાણાં ₹૧૫૦૦/- ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ એપના સ્કેનર/ક્યુઆર કોડથી સ્વીકાર્યા. લાંચના નાણાં પોતાના એકાઉન્ટમાં જમા થયાની આરોપીએ સ્વીકૃતિ આપતા જ રાજકોટ શહેર ACB ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.
ACB વડા પિયુષ પટેલના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન અંતર્ગત, કૃષ્ણકુમાર સિંહ ગોહિલના નેતૃત્વમાં રાજકોટ ACBની કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે. આ સફળ ટ્રેપથી રેવન્યુ સહિતના વિવિધ સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારી તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય લોકોને પણ ન છોડતા સરકારી બાબુઓ પર ACBની આ ત્રાટકવાની કાર્યવાહી પ્રશંસનીય છે.

 

(10:05 PM IST)