તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
વીજ ફોલ્ટ સેન્ટરના ખાનગીકરણ સામે ૭ હજાર એપ્રેન્ટીસનો વિરોધઃ ભારોભાર અન્યાય : આવેદન અપાયું
કોર્પોરેટ કચેરી ખાતે દેખાવો : ૮ દિ'નો સમય : નહી તો વડોદરા કચેરી સામે ઉગ્ર આંદોલન

રાજકોટ, તા. ર૧ : વીજ તંત્રમાં એપ્રેન્ટીસ કરેલા વિદ્યાર્થીઓએ પીજીવીસીએલના એમડી ને આવેદન પાઠવી. વીજ ગ્રાહકોની ફરીયાદ નિવારણ આઉટસોર્સ (ઓફઆરટી) કરી ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપવા સામે વિરોધ વ્યકત કર્યો હતો.
આવેદનમાં ઉમેર્યુ હતું કે એફઆરટી કોન્ટ્રાકટર પદ્ધતિ આવતા અમારા વર્ગ-૪ ની ભરતીમાં ભારે નુકશાન થાય છે. કોન્ટ્રાકટ અથવા એજન્સીને જો ફોલ્ટ સેન્ટર કે કોલમ સેન્ટર આપવામાં આવશે તો પબ્લીકના ડાયરેકટર કોન્ટેકટમાં આવતા ભ્રષ્ટાચાર વધવાની સમસ્યા વધી શકે છે. હાલમાં ૭૦૦૦ થી વધુ એપ્રિન્ટિસ કરેલા વિદ્યાર્થીઓ પીજીવીસીએલ માં જોબ કરવા માટે પોતાની જિંદગીના બે વર્ષ આઇ.ટી.આઇ. તથા એક વર્ષ એપ્રેન્ટીસમાં આપ્યા હોવા છતાં પણ નોકરીથી વંચિત છે.
જો ખાનગીકરણ કરવામાં આવશે તો એપ્રેન્ટિસ કરેલા તમામ વિદ્યાર્થીઓની જિંદગી સાથે અન્યાય થાશે. પોતાને જિંદગીના ઘણા વર્ષો આ પરીક્ષામાં તૈયારી આપી દીધા હોવા છતાં ખાનગીકરણ કરવાની સ્થિતિ કેમ ઉભી થઇ છે. પીજીવીસીએલ પાસે હજારોની સંખ્યામાં એપ્રેન્ટિસ હોવા છતાં ખાનગીકરણ કેમ કરવામાં આવે છે ? તેવો સવાલ ઉઠાવ્યો હતો.
અમે એપ્રેન્ટિસ કરેલા તમામ વિદ્યાર્થીઓ ખાનગીકરણનો વિરોધ કરીએ છીએ જો અમારા તમામ વિદ્યાર્થીઓની રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવે તો આજરોજથી આઠ દિવસ પછી અમે હજારો એપ્રેન્ટિસ વડોદરા જી.યુ.વી.એન.એલ.ની વડી કચેરી ખાતે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ તેનું ધ્યાન લેશો.
(4:38 PM IST)










