<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

જિલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં ખાડા-ભ્રષ્‍ટાચાર મુદે ધબધબાટી

પંચાયતમાં કોર્પોરેશન જેવા દ્રશ્‍યોઃ વિકાસના ખાડા, મોતના ખાડા હોવાનો વિપક્ષનો આક્ષેપઃ સાકરિયાએ ‘સેટીંગ' શબ્‍દ ઉચ્‍ચારતા રાજુ ડાંગરે વળતા શબ્‍દોથી ફટકાર્યા : સિંચાઇના કામોમાં ગેરરીતી હોવાના બોર્ડ બનાવી સભાગૃહમાં કોંગી સભ્‍યોના સુત્રોચ્‍ચારઃ પ્રમુખ પ્રવીણાબેનએ વિપક્ષી નેતાને વારંવાર આકરી ટકોર કરી

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા આજે પ્રમુખ પ્રવીણાબેન એસ. રંગાણીની અધ્‍યક્ષતામાં મળેલ. વિપક્ષ કોંગ્રેસે મનસુખ સાકરિયાની આગેવાનીમાં સભામાં ઉગ્ર દેખાવ કરેલ. સભામાં ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદ, ડે. ડીડીઓ ઇલાબેન ગોહિલ, પ્રિયંક ગલચર, જય ગોસ્‍વામી, કારોબારી અધ્‍યક્ષ પી. જી. કયાડા વગેરે ઉપસ્‍થિત હતાં. (તસ્‍વીર : અભિજિત બગથરીયા)

રાજકોટ, તા. ર૧: જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા આજે સવારે પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન સંજયભાઇ રંગાણીની અધ્‍યક્ષતામાં મળેલ. જેમાં ભ્રષ્‍ટાચાર અને ખાડાવાળા બિસ્‍માર માર્ગોના પ્રશ્ને વિપક્ષ કોંગ્રેસ વિપક્ષી નેતા મનસુખ સાકરિયાની આગેવાનીમાં ધબધબાટી બોલાવી હતી. જસદણ પંથકમાં સિંચાઇના કામોમાં ભ્રષ્‍ટાચાર થયાના આક્ષેપ સાથે સભાગૃહમાં કોંગી સભ્‍યોએ કાગળના બોર્ડ સાથે સુત્રોચ્‍ચાર કર્યા હતા.

સામાન્‍ય સભામાં મનસુખ સાકરિયા અને ભાજપના ૪ સભ્‍યોએ મળી કુલ ૪પ પ્રશ્નો પુછેલ. શાખા અધિકારીઓ દિક્ષિત પટેલ, તૃપ્તિબેન પટેલ, ડો. આર.આર. ફુલમાળી વગેરેએ તેના જવાબ આપેલ. જસદણ તાલુકાના સિંચાઇના ૧૭ કામમાં ખોટુ થતા ૭ કામની એજન્‍સીઓને નોટીસ અપાયાનું વિપક્ષી નેતાએ જણાવેલ કાર્યપાલક ઇજનેરે વરસાદનું કારણ આપેલ તે ખોટુ હોવાનું તેમણે જણાવેલ. જિલ્લામાં ઠેર-ઠેર પડી ગયેલા ખાડાને તેમણે વિકાસના ખાડા, મોતના ખાડા ગણાવી વિપક્ષી નેતાએ આક્રોશ વ્‍યકત કરેલ. વિપક્ષી નેતાએ એક વખત ‘સેટીંગ'  શબ્‍દ ઉચ્‍ચારતા ઉપપ્રમુખ રાજુ ડાંગરે તેમને તમારી માનસિકતા સેટીંગની હોવાનો ટોણો મારેલ, મનસુખ સાકરિયાએ પ્રશ્નોની ચર્ચામાં પક્ષપાત રખાતો હોવાનો આક્ષેપ કરેલ અને પ્રમુખ પ્રવીણાબેનએ ફગાવ્‍યો હતો. ભ્રષ્‍ટાચાર અને રસ્‍તાના ખાડાના પ્રશ્ને સભાનો માહોલ ગરમ રહયો હતો.

શાખાધિકારીએ જણાવેલ કે, રાજકોટ જીલ્લામાં પંચાયત હસ્‍તકના ડામરવાળા કુલ પ૮૭ રસ્‍તાની સંખ્‍યા રપ૯૩.૧૮ કિ. મી. ના રોડ છે. રાજકોટ જીલ્લામાં પંચાયત હસ્‍તકના કુલ સંખ્‍યા પ૮૭ રોડ પૈકી સંખ્‍યા ૭૧ રોડ ખાડાવાળા, ડામર સપાટી ખરાબ વાળા છે. જે પૈકી ૩૦૦.૩૬ કિ. મી. માંથી ૧૮.૧૦ મરામત કરવા પાત્ર છે. જેની મરામતની કામગીરી પ્રગતિ હેઠળ છે.

 

(3:55 PM IST)