<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

રાજકોટ-જેતપુર સિકસ લેન હાઇવે ઉપર ટોલ પ્રશ્ને હાઇવે હકક સમિતિનો ચક્કાજામઃ ૧૦ની અટકાયતઃ પોલીસે ટીંગાટોળી કરી

કલેકટર શા માટે કોન્‍ટ્રાકટર-જવાબદાર અધિકારીઓ સામે પગલા લેતા નથીઃ તાકિદે ટોલ પ્‍લાઝાઓ બંધ કરાવો : અમે લોકોને હેરાન કરવા ચક્કાજામ નથી કર્યોઃ નિંદ્રાધીન તંત્રને જગાડવાના પ્રયાસો છેઃ લોકોના હક્કની લડાઇ છેઃ રોહીતસિંહ રાજપૂત

રાજકોટ, તા. ર૧: હાઇવે સમિતિએ આજે ટોલ મુદે રાજકોટ જેતપુર હાઇવે ઉપર ચક્કાજામ સર્જી દિધા હતા, પોલીસે ૧૦ કાર્યકરોની અટકાયત કરી હતી.

રાજકોટ-જેતપુર સિક્‍સલેન હાઇવેની નિર્માણ કામગીરી શરૂ છે જે એક રીતે તો વિકાસ કાર્ય કહેવાય પરંતુ તંત્રની અણઆવડતને કારણે આ હાઇવે છેલ્લા એકાદ વર્ષથી સૌરાષ્‍ટ્રવાસીઓ માટે મોટી મુશ્‍કેલી બની ગયો છે. આ સમસ્‍યા મુદે કલેક્‍ટર તંત્ર,નેશનલ હાઇવે ઓથોરિટીની સક્રીયતાની કામગીરીની જાહેરાતો સામે વાસ્‍તવમા વાહનચાલકો રોજબરોજ હેરાન જ થાય છે. નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની જાહેરાત મુજબ ટ્રાફિક જામ સમસ્‍યા માટે હેલ્‍પલાઈન નંબર શરૂ કર્યા છે પરંતુ તે માત્ર કાગળ પર જ કામગીરી હોય તેવું ચિત્ર ઊપજ્‍યું છે.રાજકોટ કલેક્‍ટર દ્વારા સબંધિત વિભાગના અધિકારીઓને સાથે રાખી આ હાઇવેની કામગીરીનું નિરીક્ષણ કરી વાહનચાલકોને પડતી મુશ્‍કેલીઓ અંગે સમીક્ષા કરીને વાહનચાલકોને યોગ્‍ય નિરાકરણની ખાતરી આપી હતી પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસને જાણે કલેક્‍ટરશ્રીના આદેશનો ઉલાળિયો કરતા હોય અને નિંદ્રાધીન અવસ્‍થામા હોય તેવું હાલની પરિસ્‍થિતિએ લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ ગોંડલ વચ્‍ચે ઠેર ઠેર કિલોમીટરોના ટ્રાફિક ચક્કજામના દ્રશ્‍યો સામે આવી રહ્યા છે ત્‍યારે ખાસ તો તેમા એમ્‍બ્‍યુલન્‍સોમા રહેલ દર્દીઓની સ્‍થિતિ ખૂબ ગંભીર બને છે ત્‍યારે તંત્રની ઘોર બેદરકારીના કારણે લોકો ખૂબ હેરાનગત થઈ રહ્યા છે, પરીણામે આજે હાઇવે હકક સમિતિએ રાજકોટ-જેતપુર હાઇવે ઉપર ચક્કાજામ કર્યો હતો, ટ્રાફિકજામ થઇ ગયો હતો, રોડ નહી તો ટોલ નહીના સુત્રોચ્‍ચાર સાથે દેખાવો યોજયા હતા, ચકકાજામ થતા પોલીસે ૧૦ કાર્યકરોની અટકાયત કરી હતી, કાર્યકરોની ટીંગાટોળી કરાઇ હતી. હાઇવે ઉપર કાર્યકરો નીચે બેસી ટ્રાફીક જામના દ્રશ્‍યો સજર્યા હતા, જયારે ધમાલ થઇ હતી, લોકોના ટોળા એકઠા થયા હતા.

 હાઇવે હકક સમિતિના રોહીતસિંહ રાજપૂતે જણાવ્‍યું હતું કે, થોડા સમય અગાવ વલસાડ કલેક્‍ટરશ્રી દ્વારા હુકમ કરવામા આવેલો કે હાઇવે પર ખાડાઓને લીધે અકસ્‍માતમા કોઈ માણસનુ મળત્‍યુ થશે તો જે તે કોન્‍ટ્રાક્‍ટર પર માનવવધનો ગુનો દાખલ કરવામા આવશે. આ જ રીતે મહીસાગરના હાઇવે સેફટી કમિટી (કલેક્‍ટરશ્રી ચેરમેન હોય) એ બિસ્‍માર રસ્‍તાઓ અને ટ્રાફિક જામની સમસ્‍યાઓ ઉદભવતી હોવાથી નેશનલ  હાઇવે ઓથોરિટીના ડાયરેક્‍ટરને દંડ કર્યો છે અને જ્‍યાં સુધી આ નિરાકરણ નહી ત્‍યાં સુધી દંડમા વધારાનો સરાહનીય નિર્ણય કર્યો છે ત્‍યારે રાજકોટના કલેક્‍ટરશ્રી શા માટે કોન્‍ટ્રકટર અને જવાબદાર અધિકારીઓને છાવરી રહ્યા છે તે મોટો સવાલ છે ! જિલ્લાના કરતા હરતા અને સરકારના મુખ્‍ય પ્રતિનિધિ કલેક્‍ટરને તમામ પ્રકારના નિર્ણયો લેવાની સતા છે તો શા માટે આ ટોલ પ્‍લાઝાઓ બંધ નથી કરાવતા? શા માટે બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓને સસ્‍પેન્‍ડ નથી કરતા ? રાજકોટ કલેક્‍ટર તંત્ર આ હાઇવે પર લોકોને પડતી સમસ્‍યાઓ મુદે ગંભીરતા દાખવીને એક્‍શનમા આવવું જોઈએ તેવી માંગ કરી હતી.

અમે લોકોને હેરાનગત કરવા માટે ચક્કાજામ નથી કર્યો પરંતુ નિંદ્રાધીન તંત્ર અને સરકારને જગાડીને લોકોના હકની લડાઈ માટે રોડ પર ઉતર્યા છીએ અને હજુ આગામી સમયમા લડત ઉગ્ર બનશે સમિતિની માંગણીઓ

(૧) ૧૦૦% કામ પૂરું થાય ત્‍યાં સુધી ટોલ વસૂલાત બંધ થાય અને વૈકલ્‍પિક રોડની સ્‍થિતિ યોગ્‍ય કરવામા આવે.

(ર) જ્‍યા જ્‍યા  ટ્રાફિક થાય ત્‍યા ટ્રાફિક પોલીસના પોઇન્‍ટ્‍સ અને NHAI મોનિટરિંગ ટીમ ગઠિત થાય.

(૩) ટોલ સંચાલકો સામે ભ્રષ્ટાચાર અને બિનકાયદેસર વસૂલાત માટે તાકીદે કાર્યવાહી થાય.

(૪) Work Zone માટે IRC-SP 55 મુજબ યોગ્‍ય સ્‍તરનો ડાઇવર્જન રૂટ,લાઇટ, સાઇનેજ અને સુરક્ષા જરૂરી સુવિધાઓ અવલંબાવવામાં આવે.

(૫)     નેશનલ હાઇવેના અધિકારીઓ, આ હાઇવે કામ કરતા કોન્‍ટ્રાક્‍ટર અને એજન્‍સીઓની જવાબદારી નક્કી કરીને દંડ અને કાયદાકીય પગલાં લેવામાં આવે.

આ ચક્કાજામ કાર્યક્રમમા સંજય અજુડીયા, ધરમભાઇ કાંબલિયા, રોહિતસિંહ રાજપુત, પ્રભાત ડાંગર, કનકસિંહ જાડેજા, માથુર માલવી, અજીત વાંક, હાર્દિક રાજપુત,  અમિત ચૌધરી, કેતન તાળા, પ્રકાશ વેજપરા, યશ ભિંડોરા, રાજ શિંગાળા, પ્રશીલ રાજદેવ, રોનક રવૈયા સહિત આગેવાનો જોડાયા હતા. ચકકાજામ કરતા આજીડેમ પોલીસ દ્વારા ૧૦ કાર્યકરોની અટકાયત કરી હતી.

 

(2:50 PM IST)