News of Monday, 21st July 2025
કેસરી પૂલ પાસે બાઇકચાલકે ઉલાળતાં સફાઇ કામદાર મહિલા જયાબેન મકવાણાનું મોત
બાળકોની હોસ્પિટલમાં દોહિત્રની ખબર પુછવા પગપાળા જતાં હતાં ત્યારે બનાવઃ બાઇકચાલકની શોધખોળ : નવાગામ દેવનગરમાં લાઇટની સ્વીચ ચાલુ કરવા જતાં ૧૩ વર્ષની રાધિકા ધામેચાનું વિજકરંટથી મૃત્યુ

રાજકોટ તા. ૨૧: શહેરના પારેવડી ચોક કેસરી પૂલ પાસે ચાલીને જઇ રહેલા મહાત્મા ગાંધી પ્લોટ-૫માં રહેતાં સફાઇ કામદાર મહિલા જયાબેન વિજયભાઇ મકવાણા (ઉ.વ.૫૩)ને બાઇકનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં તેમનું મૃત્યુ થયું હતું. તેઓ ઝનાના હોસ્પિટલમાં તેમનો દોહિત્ર બાળકોના વિભાગમાં દાખલ હોઇ તેની ખબર પુછવા જઇ રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. બીજા એક બનાવમાં નવાગામમાં કપડા સુકવતી વખતે વિજકરંટ લાગતૌ તેર વર્ષની બાળાનું મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ જયાબેનના દિકરી મીનાબેનના દિકરાને ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરાયો હોઇ જયાબેન ઘરેથી ચાલીને હોસ્પિટલે તેની ખબર કાઢવા જઇ રહ્યા હતાં ત્યારે કેસરી પૂલ નજીક પહોંચતા બાઇકચાલકે ઠોકરે લઇ લેતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જયાબેનના પતિ હયાત નથી. તેમને સંતાનમાં બે દિકરી અને બે દિકરા છે. પોતે આરએમસીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઇ કામ કરતાં હતાં.
બીજા બનાવમાં કુવાડવા રોડ સાત હનુમાન મંદિર પાસે દેવનગરના ઢોળા નજીક ૧૩ બાળાનું લાઈટની સ્વિચ ચાલુ કરવા જતાં કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. દેવનગરના ઢોળા નજીક રહેતા ગોપાલભાઈ ધામેચાની તેર વર્ષીય પુત્રી રાધિકા ઘરે લાઈટની સ્વીચ ચાલુ કરવા જતાં કરંટ લાગતાં બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનુ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રાધિકા ઘર નજીક આવેલી સરકારી શાળામાં ધોરણ-૮માં અભ્યાસ કરતી હતી અને તેણી તેના ચાર ભાઈ બહેનમાં બીજા નંબરે હતી.
(2:31 PM IST)










