<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

સોમવારે જિલ્લા પંચાયતની સામાન્‍ય સભાઃ કેશુભાઇ- વિજયભાઇના નામકરણનો ઠરાવ

પંચાયતના નવા ભવનને બાપાનું નામ આપવા અને એરપોર્ટને રૂપાણીનું નામ આપવાની લાગણી

 

રાજકોટ તા.૧૯: જિલ્લા પંચાયતની પ્રશ્નોતરી સાથેની સામાન્‍ય સભા તા.૨૧ સોમવારે સવારે ૧૧.૩૦ વાગ્‍યે પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણીની અધ્‍યક્ષતામાં મળનાર છે.જેમાં બે પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ.શ્રી કેશુભાઇ પટેલ અને સ્‍વ.શ્રી વિજયભાઇ રૂપાણીની સ્‍મૃતિ કાયમ રાખવા નામકરણ અંગેનો ઠરાવ અધ્‍યક્ષ સ્‍થાનેથી થશે.

જિલ્લા પંચાયતના જુની બિલ્‍ડીંગનું નામ વલ્લભભાઇ પટેલ ભવન હતુ તે તોડીને નવા બંધાતા બિલ્‍ડીંગનું નામ આપવા અને નવા સંકુલમાં તેમનું સ્‍ટેચ્‍યુ મૂકવા ઠરાવ થશે. પંચાયતના કારોબારી અધ્‍યક્ષ પી.જી.કયાડાએ બાપાના ગુજરાત માટેના યોગદાનને ધ્‍યાને રાખીને આ દરખાસ્‍ત મૂકવાનું જાહેર કર્યુ છે. પંચાયત પ્રમુખે અધ્‍યક્ષ સ્‍થાનેથી તે ઠરાવ મૂકવાની તૈયારી દર્શાવી છે. નવી બિલ્‍ડીંગ આવતા બે વર્ષમાં તૈયાર થઇ જાય તેવા સંજોગો છે.

હીરાસર એરપોર્ટને વિજયભાઇ રૂપાણી એરપોર્ટ નામ આપવા કેન્‍દ્ર સરકારને  ભલામણ કરતો ઠરાવ કરવામાં આવશે. પૂર્વ પ્રમુખ ભૂપત બોદરની દરખાસ્‍ત મુજબ કારોબારી બેઠકમાં આ પ્રકારનો ઠરાવ થઇ ગયો છે. શાસનમાં ભાજપની સ્‍પષ્‍ટ બહુમતી છે.

ઉપરાંત વિપક્ષી નેતા મનસુખ સાકીરીયાએ ૨૦ પ્રશ્નો પૂછયા છે ભાજપના ૪ સભ્‍યોએ ૨૫ પ્રશ્નો પૂછયા છે. કુલ ૪૫ પ્રશ્નો છે. રસ્‍તા,આરોગ્‍ય,ખેતી વગેરે બાબતે માહોલ ગરમ થવાની સંભાવના છે.(૩.૧૪)

(2:36 PM IST)