<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

વિજયભાઇ રૂપાણી, ગોવિંદભાઇ અને વિમાન દુર્ઘટનાના મૃતકોને કોર્પોરેશનમાં શ્રધ્‍ધાંજલી

રાજકોટ, તા. ૧૯: મહાનગરપાલિકાની આજની સામાન્‍ય સભામાં ૩ શોક ઠરાવ કરવામાં આવ્‍યા હતા.

ગુજરાત રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી, રાજયસભાના પૂર્વ સાંસદ અને રાજકોટના પૂર્વ મેયર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન શ્રી વિજયભાઈ રમણિકલાલ રૂપાણીનું તા.૧૨ જુનના એર ઈન્‍ડિયા બોઈંગ વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થતા, રાજકોટ મહાનગરપાલિકાની આજની આ સામાન્‍ય સભા ઊંડા દુઃખની લાગણી અનુભવે છે. તેમ ઠરાવમાં જણાવાયેલ હતું.

રાજકોટને ઇન્‍ટરનેશનલ એરપોર્ટ, એઈમ્‍સ હોસ્‍પિટલ, ઝનાના હોસ્‍પિટલ, બસ પોર્ટ, ફલાયઓવર બ્રિજ, સૌની યોજના મારફત નર્મદા ડેમનું પાણી, આઈ-વે પ્રોજેક્‍ટ, સ્‍માર્ટ સિટી, મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ, અર્બન ફોરેસ્‍ટ-રામવન સહિત અનેકવિધ વિકાસલક્ષી પ્રોજેક્‍ટસની ભેટ આપતા, રાજકોટ શહેરએ વિકાસની હરણફાળ ભરેલ છે. જે માટે શહેરીજનો શ્રી વિજયભાઈ રૂપાણીના કાયમને માટે ઋણી રહેશે.

તા.૧૨ જુનના રોજ અમદાવાદ ખાતે એર ઇન્‍ડિયા બોઈંગ વિમાન દુર્ઘટના અન્‍વયે તથા તા.૦૯ જુલાઇના રોજ આણંદ-વડોદરા માર્ગ પર ગંભીરા બ્રીજ તૂટવાની દુર્ઘટના અન્‍વયે, સેંકડો માનવીઓના મોત થતા, આજની આ સામાન્‍ય સભા ઊંડા દુઃખની લાગણી અનુભવે છે.

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર ગોવિંદભાઈ મનજીભાઈ સોલંકીનું તા.૧૭ જુલાઇના અવસાન થતા, આજની આ સામાન્‍ય સભા ઊંડા દુઃખની લાગણી અનુભવે છે.

ગોવિંદભાઇ મનજીભાઇ સોલંકીએ વર્ષ ૧૯૯૮-૯૯માં રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે જવાબદારી સંભાળેલ હતી.(૬.૧૩)

(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:32 PM IST)