<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

મિત્રોની વ્‍યાજખોરોથી ત્રાસી રીયાઝ ખલીફાએ જામનગર છોડયું: રાજકોટમાં પણ હેરાનગતિ થતાં ફિનાઇલ પીધું

વાહન લે-વેંચનો ધંધો મિત્ર સાથે ભાગીદારીમાં ચાલુ કર્યોઃ દસ લાખની ખોટ જતાં એક મિત્રએ વીસ લાખ માંગ્‍યાઃ બીજા બે મિત્રો પણ હેરાન કરતાં હતાં: આ ત્રણયે વતી ચોથો શખ્‍સ સતત ઉઘરાણી કરતો : ગાંધીગ્રામ પોલીસે નહેરૂનગરમાં રહેતાં યુવાનની ફરિયાદ પરથી જામનગરના જગદીશ, જયરાજ, પાર્થ અને ઇમરાન સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૯: વ્‍યાજખોરીમાં ફસાઇ જતાં જામનગરનો યુવાન ગામ મુકી પરિવાર સાથે રાજકોટ રહેવા આવ્‍યા પછી પણ તેના ત્રણ મિત્રો સહિત ચાર જણા વ્‍યાજ માટે સતત હેરાન કરતાં હોઇ અને ઉપાડી જવાની ધમકીઓ આપતાં હોઇ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ નહેરૂનગર-૨માં બરકતભાઇના મકાનમાં ભાડેથી રહેતાં મુળ જામનગર ગુલાબનગર સંજરી ચોકના રીયાઝભાઇ હનીફભાઇ ખલીફા (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી જામનગર ગુલાબનગર રાજ પાર્કમાં રહેતાં તેના જ મિત્રો જગદીશ જેઠવાણી, જયરાજ લક્ષમણભાઇ લૈયા, પટેલ કોલોનીના પાર્થ લાભુભાઇ ગઢવી અને આ ત્રણેયના મિત્ર એવા ગુલાબનગરના ઇમરાન અનવરભાઇ ખેરાણી વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે.

રીયાઝભાઇ ખલીફા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તે પત્‍નિ અને દસ વર્ષની દિકરી સાથે આઠેક મહિનાથી જામનગર છોડી રાજકોટ નહેરૂનગરમાં ભાડેથી રહે છે. તેને બે બીજા ભાઇ અને એક બહેન છે. રીયાઝભાઇએ જણાવ્‍યું હતું કે હું   જામનગર અમારી માલિકીના મકાનમાં રહેતો હતો. અઢારેક વર્ષ પહેલા સંજરી ચો પાસે ડેલાવાળા પાન નામથી દૂકાન ભાડેથી ચલાવતો હતો. ત્‍યારે મારી પાનની દૂકાન સામે જગદીશ જેઠવાણી (ગુલાબનગર રાજ પાર્ક) રહેતાં હતાં. તે દુકાને આવતાં જતાં હોઇ અને સામે જ રહેતાં હોઇ અમારી વચ્‍ચે મિત્રતા થઇ ગઇ છે. ૨૦૧૦માં મેં પાનની દુકાન બંધ કરી જામનગર હાપા ખાતે ગાડીના શો રૂમમાં નોકરી ચાલુ કરી હતી.

તે વખતે મારી પાસે પાર્થ લાભુભાઇ ગઢવી પણ આ શો રૂમમાં સાથે નોકરી કરતાં હોઇ અમારી વચ્‍ચે મિત્રતા થઇ હતી.  વર્ષ ૨૦૧૬ના અંતમાં આ ગાડીનો શો રૂમ બંધ થઇ જતાં જામનગર ખાતે મેં ગાડી લે-વેંચનો ધંધો ચાલુક ર્યો હતો. આ કામમાં મારી સાથે મિત્ર જગદીશ જેઠવાણી પણ જોડાયા હતાં. અમે બંને ભાગીદારીમાં આ ધંધો કરતાં હતાં. અમે બંને થોડા-થોડા રૂપિયા નાખી વાહન-લે વેચ કરતાં હતાં. એ દરમિયાન મારે ચારેક ગાડીમાં આશરે ૧૦ લાખની ખોટ આવતાં જગદીશ જેઠવાણી મારી પાસેથી ગાડીના પુરા રૂપિયાની ઉઘરાણી કરતો હતો. બજારમાં મળે ત્‍યારે અને ઘરે આવીને તે વ્‍યાજ સાથે ૨૦ લાખ મારી પાસેથી માંગતો હતો.

આ દરમિયાન આજથી નવેક મહિના પહેલા જામનગર રાજ પાર્કના ઢાળીયા પાસે તે મને મળતાં તેણે મારા રૂપિયાનું કરી આપ, રૂપિયા ન હોય તો તારા બે ચેક આપી જા તેમ કહ્યું હતું. આ પછી હું રાજકોટ રહેવા આવ્‍યો હતો. એ પહેલા જગદીશને એચડીએફસી બેંકના બે કોરા ચેક સહી કરીને આપી દીધા હતાં. તેમજ મારા મિત્રો જયરાજ લૈયા અને ઇમરાન ખેરાણી કે જે ગુલાબનગરમાં રહે છે તેની સાથે પણ ગાડી લે વેચના ધંધા વખતે નુકસાની ગઇ હોઇ રૂપિયાની જરરૂ પડતાં જયરાજ પાસેથી ૨૦ ટકાવ્‍યાજે ૧,૫૦,૦૦૦ લીધા હતાં. એ પછી અઠવાડીયામાં વ્‍યાજ સાથે ૨,૦૦,૦૦૦ આપી દીધા હતાં. એ પછી પંદર દિવસ બાદ ફરી મેં વીસ ટકે ૨ લાખ લીધા હતાં. ફરીથી એક લાખ મેં તેને આપી દીધા હતાં. બાકીના ૧,૬૦,૦૦૦ ચુકવવાના હતાં. આ વ્‍યાજની જયરાજ અવાર-નવાર .ઘરાણી કરી ૩,૮૫,૦૦૦ માંગતો હતો. તેમજ વ્‍યાજ માટે પરેશાન કરતો હતો.

એ પછી જયરાજ અને ઇમરાન ગુલાબનગર ચોકમાં આવી મારી પાસેથી મારા પત્‍નિના નામનું જ્‍યુપીટર વાહન અને મોબાઇલ ફોન પડાવી ગયા હતાં. મેં તેને પરિસ્‍થિતિ સારી નથી તેમ કહેતાં તેણે ચેક માંગતા મેં પત્‍િ નના નામે બે કોરા ચેક જયરાજને આપ્‍યા હતાં. આ પછી બંનેએ મારુ વાહન અને ફોન પરત આપી દીધા હતાં. પણ ૩,૮૫,૦૦૦ વ્‍યાજના માંગી હેરાનગતી ચાલુ રાખી હતી. જ્‍યારે પાર્થ ગઢવીએ મને ઓનલાઇન રૂા. ૧,૯૦,૦૦૦ આપ્‍યા હતાં. તેને એક ટકા વ્‍યાજથી આ રકમી આપી હતી. તેના હવે તે ૨,૫૦,૦૦૦ માંગે છે. જગદીશ, જયરાજ, પાર્થ ત્રણેય તેના મિત્ર ઇમરાન મારફતે મને ફોન કરાવી તેમજ રૂબરૂ તેને મોકલી વ્‍યાજની ઉઘરાણી કરાવતાં હોઇ હું કંટાળી જામનગરછોડી રાજકોટ રહેવા આવી ગયો હતો.

જો કે રાજકોટ આવ્‍યા પછી પણ આજથી ત્રણ મહિના પહેલા ઇમરાને મને ફોન કરી શિતલપાર્ક સર્કલ પાસે ગાડી જોવા બોલાવતાં હું ત્‍યાં જતાં ઇમરાને તું જયરાજ, પાર્થ, જગદીશના પૈસાનું પતાવ નહિતર અઘરૂ પડી જશે કહી ધમકી આપી હતી. ત્‍યારબાદ પણ ઇમરાન વ્‍યાજની ઉઘરાણી કરી ફોનથી ધમકી આપતો હતો અને કહેતો હતો કે રૂપિયા નહિ દે તો તને ઉપાડી જઇશું, તારા પત્‍નિ-બાળકનું વિચારજે.  પાર્થ ગઢવીએ મોબાઇલમાં ટેક્‍સ મેસેજ, વ્‍હો્‌ટસએપ કોલ કરી ધમકી આપવાનું ચાલુ રાખ્‍યું હતું. વ્‍યાજ માટે ચારેય સતત હેરાન કરતાં હોઇ ગત ૩૦/૬ના રોજ ઇમરાને મને ફોન કરી ફરી ધમકી દઇ વ્‍યાજ માંગતા અને રાત સુધીમાં વ્‍યાજ નહિ આપ તો જામનગર ઉપાડી જવો પડશે કહી ધમકી દેતાં મેં નહેરૂનગરમાં મારા ઘરે ફિનાઇલ પી લીધી હતી. મને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયો હતો. રજા અપાયા બાદ મેં અરજી આપી હતી. હવે ફરિયાદ નોંધાવી છે.

જગદીશ ૧૦ લાખ સામે ૨૦ લાખ, જયરાજ ૫,૫૦,૦૦૦ સામે મેં ૨.૧૦ લાખ આપી દીધા હોઇ હજુ ૩.૮૫ લાખ માંગે છે, પાર્થ ૧.૯૦ લાખ સામે દસ ટકા વ્‍યાજ લેખે ૨.૫૦ લાખ માંગે છે અને ઇમરાન આ ત્રણેય વતી ધમકી દઇ રૂબરૂ આવી હેરાન કરે છે તેમ વધુમાં ફરિયાદમાં જણાવતાં પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્‍સ. એસ. ડી. જાડેજાએ ગુનો નોંધતાં એએસઆઇ એસ. જી. ગોસાઇએ તપાસ હાથ ધરી છે. 

(1:31 PM IST)