તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
દોઢ વર્ષથી ઘર છોડી ગયેલા મોરબી રોડના ઇમિટેશન ધંધાર્થી હિતેષ લુણાગરીયાનું ટ્રેનની ઠોકરે મોત
બેડી ચોકડી નજીક રાતે બનાવઃ યુવાનની પત્નિ હાલ સુરત રિસામણે છેઃ પોતે ઘરે આવતો જ નહોતોઃ ખિસ્સામાંથી મોટા ભાઇનું નામ-નંબર મળતાં મૃતદેહ ઓળખાયોઃ આત્મહત્યા કરી લીધાની શક્યતા

રાજકોટ તા. ૧૯: શહેરના મોરબી રોડ બેડી ચોકડી નજીક મોડી રાતે એક યુવાનનું ટ્રેનની ઠોકરે ચડી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. મૃતક પાસેથી મળેલા નામ-ફોન નંબરને આધારે તે યુવાન મોરબી રોડ રોયલ રેસીડેન્સીમાં રહેતો હોવાનું પણ દોઢેક વર્ષની ઘર છોડી દીધાનું ખુલ્યું હતું. ઇમિટેશનનું કામ કરતાં આ યુવાનના પત્નિ ઘણા સમયથી રીસામણે છે. તેણે આત્મહત્યા કરી લીધાની શક્યતા સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળ્યા મુજબ મોડી રાતે બેડી ચોકડી પાસે રેલ્વે ફાટક પાસે ટ્રેનની ઠોકરે એક યુવાનનું મોત થયાની જાણ થતાં બી-ડિવીઝન પોલીસે ઘટના સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતક યુવાન પાસેથી ફોન નંબર અને કલ્પેશભાઇ લુણાગરીયા એવુ નામ લખેલી ચિઠ્ઠી મળતાં પોલીસે તેના આધારે તપાસ કરતાં આ યુવાનનું નામ હિતેષભાઇ ગોરધનભાઇ લુણાગરીયા (ઉ.વ.૩૮) હોવાનું અને તેણે ચિઠ્ઠીમાં જેનું નામ લખ્યું હતું તે કલ્પેશભાઇ તેના મોટા ભાઇ હોવાનું ખુલ્યું હતું.
કલ્પેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. તે ઇમિટેશનનું કામ કરતાં હતાં. તેના લગ્ન સુરતના જસ્મીનબેન સાથે થયા હતાં. જો કે પત્નિ રિસામણે છે. સગાના કહેવા મુજબ કલ્પેશભાઇ દોઢેક વર્ષથી ઘર છોડીને નીકળી ગયા પછી અમારા સંપર્કમાં જ નહોતાં. તેઓ ક્યાં રહેતાં હતાં અને શું કરતાં હતાં તેની પણ અમને જાણ નહોતી. તે ગૂમ થયાની અમે નોંધ કરાવી હતી. પરંતુ તે મળતાં નહોતાં. હવે તેમનો પત્તો મળ્યો ત્યારે તે મૃતદેહ સ્વરૂપે હતાં. અકળ કારણોસર તેમણે આપઘાત કરી લીધાની શક્યતાએ પોલીસ તપાસ કરી રહી છે. બનાવથી લુણાગરીયા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(1:10 PM IST)










