<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

સોખડા ચોકડીએથી પડધરી-રાજકોટના શખ્‍સોને એમડી ડ્રગ્‍સ સાથે એસઓજીએ દબોચ્‍યાઃ મોરબીનો શખ્‍સ આપી ગયો'તો

અઢી મહિના પહેલા ખેડાના માદક પદાર્થના ગુનામાંથી છુટેલા અલ્‍પેશ તન્‍નાએ માદક પદાર્થ વેંચવો હોઇ પડધરીના મિત્ર અહેમદ જેસાણીને વાત કરતાં તેણે મંગાવી દીધોઃ લેતીદેતી વખતે જ ઝડપી લેવાયાઃ ઇન્‍ચાર્જ પીઆઇ કે. જે. કરપડા, પીઆઇ એન. વી. હરિયાણી, પીએસઆઇ ધાસુરાની ટીમની કાર્યવાહી : એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્‍સ. અમિતભાઇ ટુંડીયા, અને કિશોરભાઇ ઘુઘલની બાતમીથી દરોડો

રાજકોટ તા. ૧૮: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પડધરી અને રાજકોટના બે શખ્‍સને કુવાડવા રોડ સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફના રસ્‍તે ઓવર બ્રીજ પાસેથી મેફેડ્રોન-એમડી ડ્રગ્‍સ સાથે ઝડપી લીધા છે. મોરબીનો એક શખ્‍સ આ ડ્રગ્‍સ આપી ગયાનું બંને રટણ કરતાં હોઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અઢી મહિના પહેલા જ ડ્રગ્‍સ કેસમાંથી જેલમાંથી બહાર આવેલા મોરબી રોડના શખ્‍સે પડધરીના શખ્‍સ મારફત આ પદાર્થ મંગાવ્‍યો હતો. બંને લેતીદેતી કરતાં હતાં ત્‍યાં જ એસઓજીએ દબોચી લીધા હતાં.

શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અન આવા પદાર્થનું વેંચાણ હેરાફેરી અટકે તે માટે ‘સે નો ટુ ડ્રગ્‍સ' ઝુંબેશ ચાલી રહી હોઇ તે અંતર્ગત એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ ફિરોઝભાઇ ઇકબાલભાઇ શેખ, હેડકોન્‍સ. અમિતભાઇ ખીમજીભાઇ ટુંડીયા અને કોન્‍સ. કિશોરભાઇ લક્ષમણભાઇ ઘુઘલને બાતમી મળતાં સોખડા ચોકડીથી બેડી ચોકડીના બ્રીજ પાસે વોચ રાખી અહેમદ યાકુબભાઇ જેસાણી (ઉ.વ.૩૭-રહે. ગીતાનગર, ૧૦૦ વારીયા મદ્રેસાની બાજુમાં પડધરી) તથા અલ્‍પેશ રમેશભાઇ તન્‍ના (ઉ.વ.૩૨-રહે. શ્રીરામ પાર્ક મોરબી રોડ ઓવર બ્રીજ પાસે ભાડાના મકાનમાં) ને રૂા. ૧,૬૪,૯૦૦ના ૧૬.૪૯ ગ્રામ એમડી ડ્રગ્‍સ સાથે પકડી લીધા હતાં.

અલ્‍પેશ તન્‍ના અગાઉ ખેડા સેવાલીયા પોલીસ સ્‍ટેશનમાં માદક પદાર્થ સાથે અને એક વાર ગાંધીગ્રામ પોલીસ રાજકોટમાં દારૂના ગુનામાં પકડયો હતો. ખેડાના કેસમાં અઢી મહિના પહેલા જ જેલમાંથી બહાર આવ્‍યો હતો. હાલમાં તેને ફરી ડ્રગ્‍સ વેંચવું હોઇ પડધરીના મિત્ર અહેમદને વાત કરી હતી. અહેમદ તેને આ ડ્રગ્‍સ આપવા સોખાડ ચોકડીએ આવી રહ્યાની બાતમી પરથી બંનેને લેતીદેતી વખતે જ પકડી લેવાયા હતાં. અહેમદે એવુ રટણ કર્યુ હતું કે આ ડ્રગ્‍સ મોરબીનો શખ્‍સ આપી ગયો છે. સાચી વિગતો ઓકાવવા બી-ડિવીઝન પોલીસ વધુ તપાસ કરશે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત ઇન્‍ચાર્જ પીઆઇ કે. જે. કરપડા, પીઆઇ એન. વી. હરિયાણી, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, અરૂણભાઇ બાંભણીયા, હેડકોન્‍સ. મોૈલિકભાઇ સાવલીયા, અમિતભાઇ ટુંડીયા, કોન્‍સ. કિશોરભાઇ ઘુઘલ અને ડ્રા.કોન્‍સ. નરપતસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(1:56 PM IST)