તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયોઃ લોકોએ અસામાજીક તત્વો, ટ્રાફિક સમસ્યાને લગતાં પ્રશ્નો રજૂ કર્યા
અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાએ કહ્યું-પોલીસ પ્રજાજનોના પ્રશ્નો ઉકેલવા કટીબધ્ધ છેઃ ડીસીપી, એસીપીએ વિવિધ મુદ્દે લોકોને સમજ આપીઃ ધારાસભ્ય દર્શીતાબેન શાહની પણ ઉપસ્થિતિ

રાજકોટઃ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરાયું હતું. જેમાં વિસ્તારના રહેવાસીઓએ અલગ અલગ પ્રશ્નો, સમસ્યાની રજૂઆતો કરી હતી. જેમાં ટ્રાફિક સમસ્યા, અસામાજીક પ્રવૃતિઓ અટકાવવી, મોડી રાતે ચા-પાનના ગલ્લાઓ પર બેસી રહેતાં અસામાજીકો સામે પગલા લેવા સહિતની રજૂઆતો થઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચના અંતર્ગત થયેલા આ આયોજનમાં જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પૂજા યાદવ, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇ તેમજ ધારાસભ્ય દર્શિતાબેન શાહ, વિસ્તારના સામાજીક, રાજકીય આગેવાનો, કોર્પોરેટર અને નગરજનો હાજર રહ્યા હતાં. ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે અસામાજીક પ્રવૃતિ ડામવા પોલીસ કડક બની છે. અગાઉ અસામાજીકોના ગેરકાયદે બાંધકામો તોડી પાડી વિજ કનેક્શન પણ કાપી નખાયા હતાં. તેમણે ગૃહ વિભાગ દ્વારા શરૂ થયેલી નવી હેલ્પલાઇન ૧૧૨ અંગે પણ માહિતી આપી હતી. તેમજ સાયબર ક્રાઇમ સામે લોકોને તુરત ૧૯૩૦ નંબરની હેલ્પલાઇનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ તકે ડીસીપી પૂજા યાદવે ટ્રાફિકની સમસ્યા અંતર્ગત નિયમ ભંગ કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી થઇ રહ્યાનું અને લોકોને પણ નિયમોનું પાલન કરી સહકાર આપવા અપીલ કરી હતી. અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાએ કહ્યું હતું કે પોલીસ પ્રજાજનોના પ્રશ્નો સંબંતે ત્વરીત નિકાલ કરવા કટીબધ્ધ છે. વ્યાજખોરી, માદક પદાર્થ, હનીટ્રેપ, ડીજીટલ એરેસ્ટ સહિતની બાબતોમાં લોકોને જાગૃત બનવા તેમણે વિસ્તૃત સમજ આપી હતી. તેમજ આવી પ્રવૃતિ જણાય તો તુરત પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. પોલીસ સિનીયર સીટીઝન, બાળકો, મહિલાની સુરક્ષા બાબતે પણ સતત સંવેદનશીલ હોઇ તેમની સંભાળ માટે શી ટીમ સતત કાર્યરત હોવાનું તેમણે કહ્યું હતું. પીઆઇ એચ. એન. પટેલ અને સ્ટાફે લોક દરબારને સફળ બનાવવા કમર કસી હતી. અંતમાં એસીપી રાધિકા ભારાઇએ આભારવિધી કરી હતી.
(4:07 PM IST)










