<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

ન્‍યુ સાગર સોસાયટીમાં દાઢના દુઃખાવાથી કંટાળી મયાબાનો ફાંસો ખાઇ આપઘાત

ત્રણેક દિવસ પહેલા દાઢ કઢાવી હતી તે હવે મટશે નહિ તેમ લાગતાં પગલુ ભરી લીધાનું સગાએ પોલીસને કહ્યું: જાડેજા પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૭: અલગ અલગ બિમારીથી કંટાળી જઇ અમુક લોકો આત્‍મહત્‍યા કે આત્‍મહત્‍યાનો પ્રયાસ કરતાં હોવાની ઘટના સતત બનતી રહે છે. વધુ એક આવા બનાવમાં એક મહિલાએ દાઢના દુઃખાવાથી કંટાળી જઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ પર ન્‍યુ સાગર સોસાયટી-૪માં રહેતાં મયાબા કિરીટસિંહ જાડેજા (ઉ.વ.૪૫)એ ઘરે ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. તેના ઇએમટી તબિબે તેમને નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ કન્‍ટ્રોલ ઇન્‍ચાર્જ મારફત ભક્‍તિનગર પોલીસને કરવામાં આવતાં એએસઆઇ હરસુરભાઇ ડાંગરે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ મયાબા જાડેજાને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેમના પતિ કારખાનામાં કામ કરે છે. ત્રણેક દિવસ પહેલા મયાબાને દાઢનો દુઃખાવો થતો હોઇ દાઢ કઢાવી હતી. આ પછી પણ દુઃખાવો થતો હોઇ હવે તેને આ બિમારીમાંથી છુટકારો નહિ મળે તેમ લાગતાં આ પગલુ ભરી લીધાનું સગાએ કહ્યું હતું.

(4:05 PM IST)