તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
સમગ્ર ગુજરાતમાં શાળાઓની ફીના માળખામાં એકસુત્રતા આવશે
એફઆરસી અને અધિકારીઓની બેઠક મળીઃ સરકાર ફી વસુલવાના માપદંડ અને કાર્યપધ્ધતીના નવા નિયમો જાહેર કરશેઃ ચારેય ઝોનમાં સમાન વ્યવસ્થા

રાજકોટ તા.૧૭: રાજયમાં સ્વનિર્ભર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ફી નક્કી કરવા જ ઝોનમાં ફી નિયમન સમિતિ અસ્તિત્વમાં છે. ઝોનવાઇઝ એફ.આર.સી.માં વિસંગતતા જણાતા સરકારે સમગ્ર રાજયમાં ફીનું માળખુ સમાન કરવાની દિશામાં કદમ માંડયા છે. ટુંક સમયમાં ખાનગી શાળાઓ માટે નવી ગાઇડલાઇન પ્રસિધ્ધ થાય તેવા સંજોગો છે. ગઇકાલે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં ફી નિયમન સમિતિના સભ્યો અને સબંધિત જિલ્લા શિક્ષણાધિકારીઓની બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઇ હતી બેફામ ફી વસુલતા શાળા સંચાલકો પર અંકુશ આવી જશે.
બાલમંદિરથી ધો.૧ર સુધીની સ્વનિર્ભર શાળાઓએ ફી નકકી કરવા માટે ફી નિયમન સમિતિ સમક્ષ દરખાસ્ત કરી મંજુરી લેવાની રહે છે. રાજયના ૪ ઝોનમાં ૪ સમિતિઓ કાર્યરત છે. ચારેય ઝોનમાં ફી નિર્ધારણમાં વિસંગતતા રહેતી હોવાની ફરીયાદોના પગલે સરકાર એકસુત્રતા લાવવા માંગે છે.
આખા ગુજરાતમાં સ્વનિર્ભર પ્રાથમિક-માધ્યમિક શાળાઓ માટે ફી નિર્ધારણની પધ્ધતિ, માપદંડ અને ફીનું ધોરણ એકસરખુ રહે તે માટે સરકાર નિમયો અમલમાં મૂકશે નવા માપદંડના આધારે સમિતિએ શાળા માટે ફીની રકમ નક્કી કરી દેવાની રહેશે સમગ્ર રાજયમાં ફીની બાબતમાં માપદંડ આધારિત સમાનતા આવી જશે. વધુ ફી વસુલવાની છટકબારી બંધ થઇ જવાની આશા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોૈરાષ્ટ્ર (રાજકોટ)ની ફી નિયમત સમિતિ બે દિવસ પહેલા જ સરકારે જાહેર કરી છે. જેના અધ્યક્ષ પદે નિવૃત જજ નરેન્દ્રભાઇ પીઠવા છે આ સમિતિના કાર્યક્ષેત્રમાંથી જિલ્લાઓની ૫ હજારથી વધુ શાળાઓ આવે છે.
(4:14 PM IST)










