<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

રૈયા રોડ પર રહેતાં દિનેશભાઇ લાલકીયાને જલારામ સોસાયટીમાં કાકા નારણભાઇએ છરીના ઘા ઝીંક્‍યા

તારી ઘરવાળીએ અહિ દૂકાન કરી છે તો અમને વાહન કેમ રાખવા દેતાં નથી કહી ડખ્‍ખો પેટ પડખામાં ગંભીર ઇજાઃ એક હાથની ટચલી આંગળી અડધી કપાઇ ગઇઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો આજે તો બચી ગયો, હવે પછી મારી જ નાંખીશ કહી ધમકી પણ દીધી

રાજકોટ તા. ૧૭: રૈયા રોડ પર રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં આધેડને તે જલારામ સોસાયટીમાં પોતાના જુના મકાન પાસે હતાં ત્‍યારે ત્‍યાં જ રહેતાં તેના સગા કાકાએ તારી ઘરવાળીએ અહિ દૂકાન કરી છે તો વાહન કેમ પાર્ક કરવા દેતાં નથી કહી છરીથી હુમલો કરી પેટ, પડખામાં બે ઘા મારી દઇ ગંભીર ઇજા પહોંચાડતાં અને હાથની ટચલી આંગળી અડધી કપાઇ ગઇ હતી.

યુનિવર્સિટી પોલીસે આ અંગે રૈયા રોડ બાપા સિતારામ ચોક પાસે ભીડભંજન મેઇન રોડ ગોપાલ ચોકમાં રહેતાં અને એસએનકે સ્‍કૂલના શ્રેણીક ભાઇની કારનું ડ્રાઇવીંગ કરવાનું કામ કરતાં દિનેશભાઇ દેવજીભાઇ લાલકીયા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી જલારામ-૪ પટેલ કન્‍યા છાત્રાલય પાછળ યુનિવર્સિટી રોડ પર રહેતાં તેના કાકા નારણ કાનજીભાઇ લાલકીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

દિનેશભાઇએ જણાવ્‍યું હતું કે મારા પિતાની વડીલોપાર્જીત દૂકાન અને મકાન જલારામ સોસાયટી-૪માં પટેલ કન્‍યા છાત્રાલય પાછળ આવેલા છે. અહિ મારા પિતાના નાના ભાઇ એટલે કે મારા કાકા નારણભાઇ લાલકીયા તેના પરિવાર સાથે રહે છે. આ મિલ્‍કત મારા માતા-પિતા હયાત ન હોઇ જેથી મારા સહિત અમારા ત્રણ ભાઇઓના હિસ્‍સાવાળી છે. અમારા ભાગે આવેલ મિલ્‍કતમાં બે વર્ષથી સમારકામ માટે દરવાજો મુક્‍યો છે. અહિ મારા પત્‍નિ અને બીજા બે મહિલા ભાગીદારમાં કપડાની દૂકાન પણ ચલાવે છે.

બુધવારે ૧૬મીએ સાંજે આઠેક વાગ્‍યે હું મારા આ જુના મકાન નજીક મિત્ર પરેશભાઇની પાર્થ ટેઇલર નામની દૂકાને ગયો હતો ત્‍યારે મારા કાકા નારણભાઇએ આવી કહેલુ કે-તારી ઘરવાળીએ દૂકાન કરી છે ત્‍યાં વાહન પાર્ક કેમ કરવા દેતા નથી. જેથી મેં કહેલુ કે આપણે ભાગ પડી ગયા છે, તમે અમારી બાજુ વાહન મુકવા ન આવતાં. આ બાબતે બોલાચાલી થતાં કાકાએ અચાનક મારી નજીક આવી છરી કાઢી હુમલો કરી દઇ મને ડાબા પડખામાં પેટ પાસે બે ઘા અને ડાબા ખભે ઘા મારતાં મેં હાથ આડો રાખતાં ઇજા થઇ હતી. હું દેકારો કરવા માંડતા મિત્ર પશેભાઇ અને મામાનો દિકરો મુકેશભાઇ વાવડીયા, જયેશભાઇ ધોબી સહિતના આવી ગયા હતાં અને મને બચાવ્‍યો હતો.

આ પછી પણ કાકા નારણભાઇએ જતાં જતાં આજે તો તું બચી ગયો છો, હવે પછી જીવતો નહિ રહેવા દઉ તેમ કહી ધમકી આપી હતી. મને ઇજા થઇ હોઇ મિત્ર, મામાનો દિકરો સહિતના દાવાખાને લઇ ગયા હતાં. જીનેસીસ હોસ્‍પિટલમાં મારી સારવાર કરાવાઇ હતી. પેટના ભાગે વધુ ઇજા થઇ હોઇ ત્‍યાંથી સ્‍ટર્લિંગમાં દાખલ કરાયો છે. રાતે જ ઓપરેશન કરાયું હતું. ડાબા હાથની ટચલી આંગળી પણ અડધી કપાઇ ગઇ છે. તેમ વધુમાં દિનેશભાઇએ કહેતાં યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ સી. પી. રાઠોડે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

(4:13 PM IST)