<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

શહેરની અંદર માતેલા સાંઢની જેમ દોડતા ભારે વાહનોના પ્રતિબંધનો કડક અમલ કરાવો

શહેર જિલ્લા વાલી મંડળે અવાજ ઉઠાવ્‍યોઃ તંત્ર જાગશે ?

રાજકોટઃ તા. ૧૭, રાજકોટ જિલ્લા વાલી મહા મંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ઉપપ્રમુખ ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ નયનભાઈ કોઠારી, જીતુભાઈ લખતરિયા, નાગજીભાઈ વિરાણી ની સંયુક્‍ત યાદી માં જણાવેલ છે કે ગઈકાલે હનુમાન મઢી ચોકમાં કાળમુખા ડમ્‍પર ચાલકે એકટીવાને હડફેટે લેતા ૨૦ વર્ષની છાત્રા નું કમકમાટી ભર્યું મોત નીપજયું છે આ અકસ્‍માત બાદ રાજકોટ શહેર/જિલ્લા વાલી મહામંડળમાં અને શહેરમાં નાગરિકો માં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

 તંત્ર વાહકોની ધૃતરાષ્ટ્ર નીતિ હજુ કેટલા નાગરિકોનો રાજકોટમાં ભોગ લેશે ? સૌરાષ્ટ્રનું પાટનગર સમાન રાજકોટ શહેર એ શૈક્ષણિક હબ બની ગયું છે. સવાર થી સાંજ સુધી સ્‍કુલ કોલેજમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની સતત અવરજવર શહેરના રાજમાર્ગો પર રહેતી હોય છે. ત્‍યારે શહેરમાં ટ્રક, ટ્રેક્‍ટર, મેટાડોર, ડમ્‍પર, લક્‍ઝરી બસ, ભારે વાહનો પર  પ્રવેશ બંધી છે તેમ છતાં શહેરમાં ભારે વાહનો બે રોક ટોક માતેલા સાંઢની જેમ શહેરના રાજમાર્ગો અને શેરી ગલીઓમાં અવરજવર થતી રહે છે.તંત્ર કયારે જાગશે? સ્‍કૂલ કોલેજની આજુબાજુમાં સ્‍કુલ છૂટવાના સમયે આવા વાહનોની અવરજવર થતી હોય તો પીસીઆર વાન દ્વારા પેટ્રોલિંગ કરી જાહેરનામાનો ભંગ કરનારા ભારે વાહનો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ શહેર જીલ્‍લા વાલી મંડળે ઉઠાવી છે.

(2:59 PM IST)