તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
એક વર્ષથી જીલ્લા-તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પેન્ડીંગ પ્રશ્નો રી-ઓપન કરતા કલેકટરનો મહત્વનો આદેશ
અરજદારોનો ટેલિફોનિક સંપર્ક કરી માહિતી મેળવી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના... : હવેથી દરેક તાલુકા સ્વાગતની બેઠકોમાં કલેકટર-એડીશ્નલ કલેકટર-ડીડીઓ-ડીએસપીની હાજરી ફરજીયાત

રાજકોટ તા. ૧૭: જીલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે આજે પત્રકારો સમક્ષ મહત્વની જાહેરાત કરતા ઉમેર્યું હતું કે, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં છેલ્લા એક વર્ષથી પડતર રહેલા તમામ કેસોને ફરીથી ખોલવાની (રી-ઓપન) કરવામાં આવશે. આ નિર્ણયથી અરજદારોના લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો માર્ગ મોકળો થશે, તેમણે ઉમેર્યું હતું કે આ ઉપરાંત જમીનનું પ્રકરણ એક મહિનાથી વધુ સમયથી પેન્ડીંગ હશે તો અરજદાર પોતે હવે ડાયરેકટ જે તે જવાબદાર અધીકારીને મળી રજૂઆતો કરી શકશે.
કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, જિલ્લા સ્વાગત કે તાલુકા સ્વાગતમાં અગાઉ રજૂ થયેલા તમામ પડતર કેસોને ફરીથી ખોલવામાં આવશે. આ કેસોના અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવશે અને તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, ટૂંક સમયમાં એક-એક અરજદારનો ટેલિફોનિક સંપર્ક કરીને તેમની પાસેથી માહિતી મેળવવામાં આવશે. જો તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં થયું હોય, તો તે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવશે.
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હવેથી તાલુકા સ્વાગતની બેઠકો અધિકારીઓની અધ્યક્ષતામાં જ યોજવા અંગે સૂચનાઓ અપાઈ છે. જેમાં કલેક્ટર, એડિશનલ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડા સહિતના સિનિયર અધિકારીઓએ તાલુકા કક્ષાની સ્વાગત બેઠકોમાં ફરજિયાત હાજરી આપવાની રહેશે. (૭.ર૭)
(2:59 PM IST)










