<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

ગાંધીગ્રામના ઇડલીના ધંધાર્થી હિતેષભાઇ સાથે માધાપરના મિહીરે મિત્રતા કેળવી ૧૨.૯૨ લાખનો ચૂનો લગાવ્‍યો

તમે મારી પાસે એક લાખનું રોકાણ કરાવો તો પાંચ હજાર કમિશન મળશે કહી લલચાવીને છેતરી લીધા :હેમુ ગઢવી હોલ પાછળ ‘ખાઉ ગલી'ની લારીએ નાસ્‍તો કરવા આવતો હોઇ ભાઇબંધી કરી હિતેષભાઇના નામ પર અલગ અલગ લોન લઇ એપલ મોબાઇલ, એ.સી., વોશીંગ મશીન, કાર ખરીદી લીધાઃ એક માત્ર ૨૦૭૦૦નો હપ્‍તો ભરી બાકીની રકમ ન ચુકવીઃ એ-ડિવીઝન પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૧૭: શહેરના ગાંધીગ્રામ ધરમનગર કવાર્ટરમાં રહેતાં અને લારી રાખી ઇડલીનો ધંધો કરતાં યુવાન સાથે લારીએ નાસ્‍તો કરવા આવતાં માધાપરના શખ્‍સે મિત્રતા કેળવી તમે મારી પાસે એક લાખનું રોકાણ કરો તો પાંચ હજાર કમિશન આપીશ તેવી લાલચ દઇ બાદમાં આ ઇડલીના ધંધાર્થીના નામે આ શખ્‍સે અલગ અલગ લોન લઇ એપલ મોબાઇલ, વોશીંગ મશીન, ફ્રીઝ, કાર વેગેર લઇ કુલ ૧૩,૧૩,૦૨૪ની લોનો લઇ એક માત્ર ૨૦,૭૦૦નો હપ્‍તો ભરી બાકીના ૧૨,૯૨,૩૨૪ નહિ ભરી છેતરપીંડી કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ગાંધીગ્રામ સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ પાછળ ધરમનગર આવાસ ક્‍વાર્ટર નં. ૨૮/૮૧૩માં રહેતાં અને હેમુ ગઢવી હોલ પાછળ ખાઉ ગલીમાં ઇડલી સભારની લારી રાખી ગુજરાન ચલાવતાં હિતેષભાઇ જેઠાલાલ ચોૈહાણ (ઉ.વ.૪૨)ની ફરિાયદ પરથી માધાપર પોસ્‍ટ ઓફિસ પાસે રહેતાં મિહીર અશ્વીનભાઇ વાયા વિરૂધ્‍ધ ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે.

હિતેષભાઇ ચોૈહાણે જણાવ્‍યું છે કે હું હેમુગઢવી હોલની પાછળ આવેલ ખાઉ ગલીમાં ઇડલી સંભારની રેકડી રાખી પરિવારનું ગુજરાન ચલાવુ છું. દોઢેક વર્ષ મારી આ લારીએ મિહીર વાયા નાસ્‍તો કરવા માટે આવતો હતો. જેથી તેમની સાથે પરીચય થયેલ હતો. તે દરમિયાન અમારી  વચ્‍ચે મિત્રતા થઇ હતી. મિહીરે એક વાર રેકડીએ આવીને કહેલ કે, તમે મને રૂપીયા આપો તો હું તમને રૂ. ૧ લાખ ઉપર કમીશન આપીશ તેવી લાલચ આપીને હતી અને કહેલું કે તમે મને મોબાઇલ ફોન લઈ આપો જેના હપ્‍તા હું ભરી આપીશ. જેથી મેં વિશ્વાસ રાખી તેને તા.૦૨/૦૫/૨૦૨૪ના આઇફોન ૧૪ પ્રો મેકસ લઇ આપેલ હતો. જેનુ ડાઉન પેમેન્‍ટ તેણે ભરેલ હતુ અને જે ફોન ઉપર બાકી રહેતા રૂ. ૮૮ હજારની બજાજ ફાઈનાન્‍સની મેં  લોન કરાવેલ જે લોનના ૯ હપ્‍તા રૂ. ૯૭૭૭ના કર્યા હતાં. આ હપ્‍તા મિહીર પોતે ભરશે તેવી ખાત્રી મને આપી હતી. 

ત્‍યારબાદ  બીજા દીવસે તે લારી પર આવેલ જેથી ગઇ તા.૦૩/૦૫/૨૦૨૪ના તેમના મોબાઇલ ફોનમાં પુનાવાલા ફીન કોર્પમાંથી લોન લીધેલ જેના રૂ.૨,૮૯,૭૬૫ ખાતામાં જમા થયેલ હતા, જે લોનના રૂપીયા મિહીરના કહેવાથી તેમના એકાઉન્‍ટમાં ગુગલ પે થી કટકે કટકે કુલ રૂ.૧ લાખ  ટ્રાન્‍સફર કરેલ હતા. બાકીના રૂ.૧.૫૦ લાખ ચેકથી ઉપાડેલ હતા. જે રૂપીયા મિહીરને આપી હતી. આ લોનના હપ્‍તા પણ મિહીરે પોતે ભરશે તેવુ કહ્યુ઼ હતું. આ પછી ફરી વખત મિહીર એ જ દિવસે લારીએ આવેલ અને જણાવેલ કે મોબાઇલ લેવો છે અને જે મોબાઇલ ફોનના હપ્‍તા તે ભરશે અને તેમના ઉપર વધારાના રૂપીયા નહીં આપે. આથી અમે બંને પૂજારા ટેલીકોમ ખાતે ગયા હતાં અને સેમસંગ કંપનીનો રૂ. ૧,૨૯,૯૯૮નો મોબાઈલ લઈ આપેલ હતો. જેના ૩૦ હપ્‍તા રૂ.૪૬૭૨ લેખે આવશે તે પોતે ભરશે તેવું મિહીરે નક્કી કર્યુ હતું.

ત્‍યાર બાદ ફરી વખત તા.૧૮/૦૫/૨૦૨૪ ના તેઓએ બજાજ ફાયનાન્‍સમાંથી લોન લીધેલ જેના રૂ.૧,૩૮,૩૩૫ મારા ખાતામાં જમાં થયેલ જે રૂ. ૧.૩૮ લાખ બે કટકે મિહીરને મેં ટ્રાન્‍સફર કરી હતી. જે લોનનો હપ્‍તા રૂપીયા ૭૬૮૪ના કુલ ૨૭ હપ્‍તાની લોન હોય જે હપ્‍તા પણ મિહીરને ભરવાના હતા. ત્‍યાર બાદ મિહીરનો ફોન આવેલ અને મને વાત કરેલ કે મારે એસી તથા વોશીંગ મશીનની જરૂર છે જેથી હું તેને લઇને અયોધ્‍યા ચોકમાં આવેલ ક્રોમા  શો-રૂમ ખાતે ગયેલ અને જયાંથી રૂ.૪૪૪૨૯નું વોશીંગ મશીન જેના પર રૂ. ૪૦૯૯ કુલ ૧૦ હપ્‍તાની લોન થયેલ જે વોશીંગ મશીનની મારા ઘરે ડીલીવરી માટે આવેલ. બાદમાં મિહીરે ફોન કરીને વાત કરેલ કે વોશીંગ મશીન તમારા ઘરેથી અમે લઈ જઈએ છીએ. જેથી તે તેના મિત્રની  સાથે મારા ઘરે આવેલ અને વોશીંગ મશીન લઈને જતા રહેલ હતા.

ત્‍યારબાદ મિહીર એકાદ મહીના બાદ દુબઇ જતો રહેલ હતો. મારે તેની સાથે ફોન પર વાતચીત થતી હતી. મિહીરને રૂપીયાની જરૂર પડતા તેમને ક્રેડીટ કાર્ડમાંથી ઉપાડીને કટકે કટકે રૂ.૧.૧૮ લાખ મોકલાવેલ હતા. જો કે તેણે મારા નામે લીધેલ લોનમાંથી એક પણ હપ્‍તા ભરેલ નહીં. બાદ જાન્‍યુઆરી-૨૦૨૫માં મીહીરનો ફોન આવેલ અને મને અયોધ્‍યા ચોક ખાતે બોલાવી વાત કરેલ કે, મારે અત્‍યારે કોઇ કામ ધંધો નથી તો તમે મને કાર લઇ દયો અને જે ચલાવીને હું તમારા હપ્‍તા ભરી દઇશ. જેથી મેં વિશ્વાસ રાખી મિહીરને કા૨-૨૪માંથી રૂ.૬.૨૨ લાખની વોકસવેગન પોલો કાર લઈ આપેલ, જેની લોન કરાવેલ હતી. જે કાર લોન રૂ.૧૪,૧૮૧ના કુલ ૭૨ હપ્‍તા કરાવેલ. આ લોનના હપ્‍તા પણ મીહીરને ભરવાના હોઇ જે પૈકી પ્રથમ હપ્‍તો રૂ.૧૮,૬૫૧નો પેન્‍લટી સાથે રૂ.૨૦,૭૦૦નો  મિહીરના કહેવાથી તેના મીત્ર પરાગભાઇએ મને રોકડા સ્‍વરૂપે આપ્‍યો હતો.પરંતુ છેલ્લે મને ખબર પડી હતી કે મિત્રતા કેળવીને મિહીરે મારી સાથે ઠગાઇ કરી છે. મિહિરે મારી નાસ્‍તાની લારીએ આવી મીત્રતા કેળવી લાખ રૂપીયા ઉપર પાંચ હજારનું કમિશન આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ મારા નામે લોન લેવડાવી રૂપીયા મેળવી તથા લોન ઉપર વસ્‍તુઓ લેવડાવી વસ્‍તુઓ મેળવી લોનના હપ્‍તા પોતે ભરશે તેવા વાયદાઓ આપી મારા નામે નામે કુલ રૂ.૧૩,૧૩,૦૨૪ની લોન કરાવડાવી જે પૈકી રૂ. ૨૦,૭૦૦નો એક માત્ર હપ્‍તો ભરી બાકીના રૂપિયા ૧૨,૯૨,૩૨૪ની રકમની લોનના હપ્‍તા નહી ભરી છેતરપીંડી આચરી હતી. તેમ વધુમાં હિતેષભાઇ ચોૈહાણે જણાવતાં એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં એએસઆઇ એન. સી. ડાંગરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૭)

 

 

 

(2:56 PM IST)