તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
કપાસિયા તેલના ડબ્બામાં એક મહિનામાં 150 રૂ.નો ભાવ વધારો !
કપાસીયા ખોળમાં ભાવ ઊંચા હોય ઘરાકીના અભાવે મિલો બંધ હોવાથી તેલના ભાવમાં ભડકો:નવો કપાસ નવરાત્રી આસપાસ આવશે પછી ભાવ ઘટવાની શક્યતા:પશુપાલકો પણ પશુઓને કપાસિયા ખોળ ખવડાવવાને બદલે બીજા દાણ તરફ વળ્ય:કપાસિયા તેલના ઉત્પાદનમાં 75 થી 80 % નો કાપ

રાજકોટ તા. 17: કપાસીયા ખોળના ખૂબ જ ઊંચા ભાવ હોય ખોળનો વેપાર ઓછો થઈ જતા કપાસિયા મિલોમાં કપાસિયાનું પીલાણ સાવ ઓછું થઈ જતા તેની સીધી અસર કપાસિયા તેલ ઉપર પડી છે અને છેલ્લા એક મહિનામાં ડબ્બે દોઢસો રૂ.નો ભાવ વધારો થયો છે.
આ અંગે કપાસિયાનુ પીલાણ કરતાં મિલ માલિકોના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિના દરમિયાન ધીમે ધીમે કપાસિયાના ભાવ વધતા ખોળના ભાવ પણ સ્વભાવિક પણે વધે જ ખોળના ભાવમાં વધારો થતા પશુપાલકોએ ઊંચા ભાવના કપાસીયા ખોળ પશુઓને ખવડાવવાનું ઓછું કરી નાખતા ખોળમાં ધરાકી સાવ ઓછી થઈ જતા મિલોએ પીલાણ ઓછું કરી નાખ્યુ જેની સીધી અસર કપાસિયા તેલના ઉત્પાદન ઉપર પડી છે અને કપાસિયા ખોળમાં ઘરાકીના અભાવને લીધે તેલનું ઉત્પાદન નહીવત રહેતા કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે.
તેલના એક વેપારીના જણાવ્યા મુજબ પામોલીન તેલ અને કપાસિયા તેલના ભાવમાં જાજો ફરક નથી હોતો પામોલીન તેલના ભાવમાં છેલ્લા એક મહિના દરમિયાન સામાન્ય વધારો થયો છે જ્યારે કપાસિયાની મોટા ભાગની મીલો હાલ ખોળમાં ઘરાકીના અભાવથી બંધ હોવાથી માલની અછતના હિસાબે કપાસિયા તેલમાં જાજો ભાવ વધારો થયો છે.
મોટાભાગે પામોલીન તેલ,સોયા તેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ભાવ ફરક જાજો નથી રહેતો પરંતુ કપાસિયા તેલનુ ઉત્પાદન જ નહીવત હોય તેની સીધી અસર ભાવ ઉપર પડી છે.
કપાસિયા વોશ તેલ ગુજરાત તેમજ મહારાષ્ટ્ર,હરિયાણા,પંજાબ જેવા રાજ્યોમાંથી પણ રિફાઇનરીના માલિકો મંગાવતા હોય છે ખાસ કરીને ગુજરાતમાં ભાવ વધુ હોય અથવા તો અહી માલ ન મળતો હોય ત્યારે બીજા રાજ્યોમાંથી જો પડતર હોય એ મુજબ મંગાવતા હોય છે પરંતુ બીજા રાજ્યોમાં પણ માલનો અભાવ છે અને પડતર પણ ન હોય તેઓ પણ ભાવ વધારવા મજબૂર બન્યા છે.
જાણકારના મતે કપાસની નવી આવક નવરાત્રી આસપાસ ધીમે ધીમે થશે ત્યારબાદ જિનિંગ મિલો ચાલુ થાય અને નવા કપાસિયાની આવક ધીમે ધીમે વધે ત્યારબાદ કપાસિયાની મિલો ચાલુ થયા બાદ કપાસિયા તેલનું ઉત્પાદન વધે પછી કપાસિયા તેલના ભાવમાં ઘટાડો શક્ય બનશે સિવાય કોઈ આકસ્મિક કારણ આવે અને કપાસિયા ખોળમાં જો ઘરાકી નીકળે તો જ તેલના ભાવ ઘટી શકશે.
તેલના એક રિટેલ વેપારીના જણાવ્યા મુજબ કપાસિયા તેલમાં માલની અછત હોય અને નવો માલ આવવામાં હજુ બે થી અઢી મહિના નો સમય ગાળો બાકી હોય છેલ્લા એક મહિના થયા ભાવ વધવાની શક્યતા એ કપાસિયા તેલમાં ઘરાકી રહેતી હતી પરંતુ છેલ્લા બે ચાર દિવસથી ઊંચા મથાળે કપાસિયા તેલની ઘરાકી ઓછી થઈ ગઈ છે. જોકે તેમના જણાવ્યા મુજબ બજારમાં ભાવ વધવાની ધારણાને લીધે અમુક વેપારીઓ દ્વારા છેલ્લા થોડા દિવસોથી રિફાઇનરીઓ પાસેથી અગાઉ નીચા ભાવે સોદા બુક કરાવેલા હોય તે ડબ્બા હાલ બજારમાં રિફાઇનરી કરતા 20 થી 30 રૂ.નીચા ભાવે વહેંચતા હોય રિટેલ વેપારીઓ પણ આવા ડબ્બા લઇ પોતાની દુકાને વહેંચતા હોય છે જેથી રિફાઇનરીમાં ઘરાકી ઓછી હોય છેલ્લા બે ચાર દિવસથી ભાવ સ્થિર છે પરંતુ નફારૂપી બુક કરાવેલા ડબ્બાઓ જેવા ખાલી થશે બાદ રિફાઇનરીઓ પાસેથી નવી ખરીદી ચાલુ થશે ત્યારે હજુ ડબ્બે 50 રૂપિયા વધી શકે છે તેવી શક્યતા દર્શાવી હતી.
હાલ માંગ અને પુરવઠાની સ્થિતિને લીધે ભાવ વધ્યા છે પરંતુ તેલ બજારમાં ઘરાકી હોય કે ન હોય માલની અછત હોય કે બજારમાં માંગ કરતા વધુ પુરવઠો હોય છતાં વાયદા માં વધઘટ મુજબ ભાવમાં વધારો ઘટાડો થતો હોય છે પરંતુ કપાસિયા તેલમાં વાયદા ઘટે તો પણ ભાવ ઘટવાની શક્યતા નવો માલ નહીં આવે ત્યાં સુધી ઓછી છે.
N.C.D.X માં સ્ટોક કરેલો ખોળ ઓછા ભાવે મળે છે
કપાસિયાના મિલ માલિકોએ N.C.D.X.માં આપેલ ખોળ હાલ નીચા ભાવે મળતો હોય તાજા પીલાણના ખોળમાં ઘરાકી ન હોય સીધી અસર કપાસિયા તેલના ભાવ ઉપર પડી છે.
કડી અને આકોલા ખાતે આવેલ N.C.D.X. ના ગોડાઉનમાં હાલ સાડા આઠ લાખથી વધુ બોરી ખોળ પડ્યો છે જે 50 કિલોની બેગ 1530 થી લઈ 1650 રૂપિયામાં મળે છે જ્યારે તાજા પીલાણના શુદ્ધ ખોળનો ભાવ હાલ 2000 આસપાસ હોવાથી તાજા પીલાણમાં ઘરાકી ઓછી છે જોકે મિક્સિંગ કરેલા ખોળ હાલ 1500 થી 1800 રૂપિયામાં મળતો હોવા છતાં તેમાં પણ ઘરાકી ઓછી હોવાથી તેલના ભાવમાં વધારો થયો છે.
પશુપાલકો સસ્તા અને પૌષ્ટિક દાણ તરફ વળ્યા
કપાસિયા ખોળના ભાવ વધી જતા પશુપાલકો પશુઓને ખવડાવવા બીજા દાણ તરફ વળી ગયા છે.
હાલ તાજા પીલાણનો શુદ્ધ ખોળ 40 રૂ.કિલો આસપાસ મળે છે જ્યારે સિંગખોળ,મકાઈ ખોળ અને ટોપરાનો ખોળ અડધા ભાવે મળતો હોય અને પશુઓ માટે આ ખોળ પૌષ્ટિક ગણાતો હોય કપાસિયા ખોળને બદલે બીજા ખોળ ખવડાવવા માંડ્યા છે.
આ ઉપરાંત હાલ મિક્સ દાણનું પ્રમાણ ખૂબ વધી ગયું હોય પશુપાલકો મિક્સ દાણ પણ ખવડાવે છે તેમજ અગાઉ વાર તહેવાર ઉપર પશુઓને લાપશી ખવડાવતા હતા જયારે હાલ ખોળ કરતાં ઘઉંની શુદ્ધ લાપસી પણ અડધાથી પણ વધારે એછા ભાવમાં પડતી હોય પશુઓને ગોળ નાખેલી લાપસી પણ અમુક પશુપાલકો ખવડાવે છે.
ડિસ્કો તેલના વેપારીઓને તડાકો
કપાસિયા તેલના ભાવ વધતા અને બીજા તેલના ભાવ નીચા હોય ડિસ્કો તેલનો વેપાર કરતા વેપારીઓને મજા પડી ગઈ છે.
કપાસિયા તેલ,સોયા તેલ અને પામોલીન તેલના ભાવમાં બહુ ફરક નથી હોતો પરંતુ કપાસિયા તેલમાં માલની અછતના હિસાબે ભાવ વધ્યા છે જ્યારે પામોલીન અને સોયા તેલમાં ભાવ બહુ વધ્યા ન હોય આ બન્ને તેલની ભેળસેળ થાય છે.
તાલુકા મથકે ટીનીંગનો વ્યવસાય કરતા વેપારીઓ દ્વારા લુઝ તેલ લાવી ડબ્બામાં પેકિંગ કરી વહેચતા હોય છે આવા વેપારીઓમાં અમુક વેપારીઓ શુદ્ધ તેલ જ ભરતા હોય છે જ્યારે અમુક વેપારીઓ ડિસ્કો તેલનો મોટાપાયે વેપાર કરતા હોય છે જેમાં ડબ્બામાં જે તેલ નીચા ભાવનું હોય તે ભરી ડબ્બા ઉપર લેબલ લગાવી દેતા હોય છે.
હાલ કપાસિયા તેલ કરતા પામોલીન અને સોયા તેલના ભાવમાં જાજો ફરક હોય ડબ્બામાં પામોલીન અને સોયા તેલ મિક્સ કરી કપાસિયા તેલના લેબલ મારી બજારમાં વહેંચતા હોય તેમને તડાકો પડ્યો છે.
જોકે પુરવઠા વિભાગ દ્વારા ખાલી નામ પૂરતા આવા તેલના સેમ્પલ લઇ કેસ કરતા હોય છે જ્યારે મોટા ભાગના આવા મિક્સિંગ તેલનો વેપાર કરતા વેપારીઓ દ્વારા હપ્તા જે તે વિભાગને પહોંચી જતા હોય ડિસ્કો તેલના વેપાર ઉપર કોઈ જ લગામ નથી અને આવા તેલના ડબ્બા બેફામ વેચાય છે.જો કે આવા મિક્સ તેલના નમુના લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવે ત્યા પણ કટકીનુ દુષણ હોય ડિસ્કો તેલના વેપારીઓ પૈસા આપી તેમનુ સેમ્પલ પાસ કરાવી લેતા હોય છે.
આ દુષણથી ગ્રાહકોને જોઈતું તેલ શુદ્ધ મળતું નથી અને આરોગ્ય સામે પણ ગંભીર સવાલો ઊભા થાય છે ત્યારે સરકારે આવા ડિસ્કો તેલના વેપારીઓ સામે કડક પગલાં ભરવા જોઈ તેવી માંગ ઉઠી છે.
(9:40 AM IST)










