<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

નવાગામ દેવનગરમાં શૈલેષભાઇને પડોશી પિતા-પુત્રએ પાઇપથી ફટકાર્યા

આ છત્રી અમને છોટાહાથી મુકવામાં નડે છે, કાઢી નાખો...કહી ડખ્‍ખો :ડીશ કનેક્‍શનની છત્રી કાઢવાની યુવાને ના પાડતાં અલ્લારખાભાઇ અને પુત્ર અશરફ તૂટી પડયાઃ કુવાડવા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૫: નવાગામ દેવનગરના ઢોળે રહેતાં યુવાને ઘરની દિવાલમાં ડીશ કનેકશનની છત્રી લગાડી હોઇ તે કાઢી લેવાનું કહી પડોશી પિતા-પુત્રએ હુમલો કરી પાઇપ, ઢીકાપાટુનો માર મારતાં દેકારો મચી ગયો હતો.આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નવાગામ દેવનગર ઢોળા પાસે સાત હનુમાન મંદિરની સામે રહેતાં શૈલેષભાઇ શામજીભાઇ જાદવ (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી દેવનગરના અલ્લારખા ઇસ્‍માઇલભાઇ રહીયા અને અશરફ અલ્લારખા રહીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

શૈલેષભાઇ જાદવ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્‍યું હતું કે મેં બાર વર્ષ પહેલા ગજુબેન સાથે પ્રેમલગ્ન કર્યા છે અને મારે ચાર સંતાન છે. ગત ૧૪/૭ના સવા આઠેક વાગ્‍યે અમે ઘરે બધા જમવા બેઠા હતાં ત્‍યારે અમારા મકાનની બહાર જમણી બાજુની દિવાલમાં ડીશ કનેક્‍શનની છત્રી લગાડી હોઇ તે પડોશી અલ્લારખાભાઇ રહીયાને ગમ્‍યું ન હોઇ તેણે તેના દિકરા રહીશ સાથે મળી આમારી ઘરે આવી કહેલુ કે અમારે છોટાહાથી ગાડી લેવા મુકવામાં તમે લગાડેલી ડીશની છત્રી નડતરરૂપ થાય છે, છત્રી કાઢી નાખો, આ અમારી જગ્‍યા છે તેમ કહેતાં મેં કહેલુ કે આ છત્રી મેં મારી જગ્‍યામાં જ લગાડી છે. હું છત્રી નહિ હટાવું.

આ સાંભળી અલ્લારખાભાઇ પાઇપ લઇને આવેલ અને ગાળો દઇ હુમલો કરી મને પગના પંજા શરીરે આડેધડ માર મારવા માંડયો હતો. એ પછી તેના દિકરા અશરફે પણ મને ઢીકાપાટુ માર્યા હતાં. હું વધુ મારથી બચવા ભાગી ગયો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. મારા માતા ભાનુબેન, પત્‍નિ ગજુબેન મને ઇજા થઇ હોઇ ૧૦૮ બોલાવી હોસ્‍પિટલે લઇ ગયા હતાં. તેમ વધુમાં શૈલેષભાઇએ જણાવતાં હેડકોન્‍સ. વી. જે. ગોહેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૧૨)

(4:02 PM IST)